રચનાત્મક કાર્યક્રમ/પરિશિષ્ટ
← ઉપસંહાર | રચનાત્મક કાર્યક્રમ પરિશિષ્ટ મોહનદાસ કરમચંદ ગાંધી |
પરિશિષ્ટ
૧ પશુસુધારણા
- [ગોસેવાને રચનાત્મક કાર્યક્રમમાં એક અંગ તરીકે સમાવી લેવા વિશે ગાંધીજીએ લખ્યું હતું તે નીચે આપ્યું છે. -- જીવણજી દેસાઈ]
ગાંધીજીના શ્રી જીવણજી પરના કાગળમાંથી ઉતારો:
સોદપુર
૧૬-૧-'૪૬
"...ગોસેવા વિશે रचनात्मक कार्यक्रम માં વધારવાનું લખો છો એ બરોબર લાગે છે. હું તેને पशुसुधारणा ગણાવું. એ નહોતું રહી જવું જોઈતું એમ માનું છું. હવે બીજી આવૃત્તિ વખતે વાત. જો તમારી ચાલુ આવૃત્તિ ઝટ ખૂટી જાય ને કંઈ સુધારાવધારા સૂઝે તો તે આપ પણ જણાવજો..."
૨ કૉંગ્રેસનું સ્થાન ને કામ
હિંદી રાષ્ટ્રીય મહાસભા દેશની જૂનામાં જૂની રાજદ્વારી કાર્ય કરનારી રાષ્ટ્રીય સંસ્થા છે. અનેક લડતો કરી તેણે અહિંસાને રસ્તે આઝાદી મેળવી. એવી સંસ્થાને આપણાથી મરવા ન દેવાય. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી ને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો મરી જાય. કૉંગ્રેસે રાજકીય સ્વતંત્રતા સિદ્ધ કરી પણ દેશની આમવસ્તીને માટે આર્થિક સ્વતંત્રતા, સામાજિક સ્વતંત્રતા તેમજ નૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું કામ હજી તેણે કરવું બાકી છે. એ ત્રણ પ્રકારની સ્વતંત્રતા મેળવવાનું કામ કરવામાં રાજકીય લડતના કામ જેવી ધમાલનો નશો નથીૢ ઉત્તેજના નથી. તે કામ કરવું ભભકભરેલું નથી અને રચનાનું છે તેટલાજ કારણસર વધારે કપરું છે. પરંતુ સર્વને સમાવી લેનારું રચનાકાર્ય આપણી કરોડોની વસ્તીનાં બધાંયે અંગોની શક્તિને જગાડનારું નીવડશે.
કૉંગ્રેસે પોતાની તેમ જ મુલકની મુક્તિની શરૂઆતની તેમજ જરૂરી મજલ પૂરી કરી છે. પણ કપરામાં કપરી મજલ હવે આવે છે. લોકશાહી પદ્ધતિનાં સીધાં ચઢાણવાળે રસ્તે અનિવાર્ય પણે તેણે વાડાબંધી કરનારાં ગંધાતા પાણીવાળાં ખાબોચિયાં જેવાં મંડળો ઊભાં કર્યાં છે અને તેમાંથી અનેક પ્રકરની ભ્રષ્ટતા પેદા થઈ છે, માત્ર નામધારી લોકપ્રિય તેમજ લોકશાહી સંસ્થઓ ઊભી થઈ ગઈ છે. આ નીંદામણ ઉખેડી કાઢી ભારરૂપ બનેલી રીતરસમોમાંથી રસ્તો કેમ કાઢવો એ કૉંગ્રેસની સામે ખડો થયેલો આજનો સવાલ છે.
સૌથી પહેલાં તો કૉંગ્રેસે પોતાના સભ્યોનું જે ખાસ જુદું રજિસ્ટર રાખ્યું હતું તે હવે તેણે રદ્દ કરવું જોઇશે. એ સભ્યોની સંખ્યા એક કરોડથી કદી વધી નથી. સભ્યોની એટલી સંખ્યા કૉંગ્રેસને દફતરે નોંધાઈ હશે ત્યારે તે કોણ ને કેવા છે તે ચોક્કસ પણે કહેવાનું કામ કઠણ હતું. એ ઉપરાંત તેની યાદીમાં બીજા લાખો ભળી ગયા હતા, જે કદી તેને કામ ન આવે. એટલે હવે તેના સભ્યોની યાદીમાં દેશના એકેએક મતદારનો તેણે સમાવેશ કરી લેવો જોઈએ. કોઈ ખોટું નામ એ યાદીમાં ઘૂસી ન જાય અને કાયદેસર આવી શકે એવું કોઈ નામ તેમાંથી રહી ન જાય એ જોવાનું હવે કૉંગ્રેસનું કામ છે. ખુદ પોતાના સભ્યોની યાદીમાં કૉંગ્રેસે હવે વખતોવખત પોતાને સોંપવામાં આવે તે કામગીરી બજાવનારા રાષ્ટ્રના અમલી કાર્ય કરનારા સેવકો નોંધવા જોઈશે.
દેશને કમનસીબે તરતને માટે એ સેવકો મોટે ભાગે શહેરોના રહેવાસીઓમાંથી લેવા પડશે. જોકે તેમાંના ઘણાખરાને હિંદનાં ગામડાંમાં રહીને ગામડાંને ખાતર કાર્ય કરવાનું રહેશે. છતાં એ સેવકોમાં વધારે ને વધારે ગામડાંના વતનીઓ ઉમેરવા રહેશે.
આ સેવકો પાસે અપેક્ષા એવી રાખવામાં આવશે કે તે બધા કાયદેસર નોંધાયેલા મતદારો પર પોતાના કામથી પોતાનો પ્રભાવ પાડી તેમની જ પરિસ્થિતિમાં ને તેમના જ વાતાવરણમાં તેમની સેવા કરશે. ઘણાં માણસો ને જૂજવા પક્ષો એ મતદારોનો ચાહ મેળવવાને નીકળી પડશે. જે સૌથી ઉત્તમ હશે, ઉત્તમ સેવા કરશે, તે ફાવશે. આ રીતે જ કૉંગ્રેસ પોતાનો અજોડ પ્રભાવ જે આજે ઝપટાબંધ ઓસરતો જાય છે તેને સાચવી શકશે અને એ સિવાય બીજે કોઈ રસ્તે પોતાનું સ્થાન સાચવી નહીં શકે. ભલે અજાણપણે હોય પણ ઠેઠ ગઈ કાલ સુધી કૉંગ્રેસ રાષ્ટ્રની સેવક હતીૢ ખુદાઈ ખિદમતગાર હતી. હવે મન સાથે તે નિશ્ચય કરે અને તેના સભ્યો દુનિયાને જાહેર કરે કે અમે ખુદાઈ ખિદમતગારો છીએ, ઈશ્વરન સેવકો છીએ, એથી વધારે નથી અને જરાયે ઓછા નથી. કૉંગ્રેસના અંગરૂપ સેવકો એટલે કૉંગ્રેસ પોતે સત્તા કબજે કરવાના બેહૂદા ઝઘડામાં સંડોવાશે તો એક દિવસ તેને એકાએક ભાન થશે કે તેની હસ્તી ભૂંસાઈ ગઈ છે. ઈશ્વરની રહેમ છે કે પ્રજાની સેવાના ક્ષેત્રમાં કામ કરનારી હવે તે એક માત્ર સંસ્થા રહી નથી.
ઉપર મેં દૂરના ભાવિનો નક્શો ખેંચવાનો પ્રયાસ કર્યો છે. મને વખત રહેશે ને મારી તબિયત સારી રહેશે તો પોતાના માલિકો એટલે કે હિંદના સર્વ પુખ્ત ઉંમરના સ્ત્રીપુરુષોની આખીયે વસ્તીનો આદર તેમ જ ચાહ મેળવવાને રાષ્ટ્રના સેવકો પ્રત્યક્ષ અમલી કાર્ય શું કરી શકે તેની ચર્ચા हरिजन માં કરવાની હું ઉમેદ રાખું છું.
(हरिजनबंधू માંથી)