રચનાત્મક કાર્યક્રમ/બીજા ગ્રામઉદ્યોગો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ખાદી રચનાત્મક કાર્યક્રમ
બીજા ગ્રામઉદ્યોગો
મોહનદાસ કરમચંદ ગાંધી
ગામ સફાઈ →


ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઊદ્યોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉદ્યોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરુપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરુરી તેમ જ મહત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપુર્ણ નહીં થાય એટલે કે તે સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાનો વતની હશે અથવા ગામડે જઈને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઈએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિશે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું.