રચનાત્મક કાર્યક્રમ/રક્તપિત્તના રોગીઓ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આદિવાસીઓ રચનાત્મક કાર્યક્રમ
રક્તપિત્તના રોગીઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
વિદ્યાર્થીઓ →


૧૭. રક્તપિત્તના રોગીઓ

પતિયો એટલે કે રક્તપિત્તનો રોગી એ બદનામીનો શબ્દ છે. રક્તપિત્તના રોગીઓના ધામ તરીકે હિંદુસ્તાનનો નંબર મધ્ય આફ્રિકાથી બીજો આવે છે. પણ આપણામાંના સૌથી ચડિયાતા લોકોના જેવા જ આ રોગીઓ આપણા સમાજનું અંગ છે. પણ બને છે એવું કે ટોચે બેઠેલા લોકોને સૌથી ઓછી જરુર હોવા છતાં તેમના તરફ આપણા સૌનું ધ્યાન રોકાયેલું છે. અને આ રક્તપિત્તના રોગીઓ જેમની સંભાળ લેવાની સૌથી વધારે જરુર છે તેમને જાણી જોઈને તરછોડવામાં આવે છે. આ બેદરકારીને હૈયાસૂની કહેવાનું મને મન થાય છે અને અહિંસાની દ્રષ્ટિથી તો સાચે જ એને માટે બીજું વિશેષણ નથી. હિંદુસ્તાનમાં કાર્ય કરતા ખ્રિસ્તી મિશનરીઓ એકલા પતિયાંની દરકાર રાખે છે ને તેટલા ખાતર તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. રક્તપિત્તના રોગીઓની સંભાળ માટેની હિંદીઓ તરફથી ચાલતી એકમાત્ર સંસ્થા વર્ધાની પાસે શ્રી મનોહર દીવાન કેવળ પ્રેમભરી સેવા કરવાના આશયથી ચલાવે છે. એ સંસ્થાને શ્રી વિનોબા ભાવેની પ્રેરણા તેમ જ દોરવણી છે. હિંદુસ્તાનમાં જો સાચે જ નવજીવનનો સંચાર થયો હોય, અને આપણે સૌ જો સત્ય ને અહિંસાને માર્ગે ટૂંકામાં ટૂંકા વખતમાં પૂર્ણ સ્વરાજ મેળવવાને અંતરથી ઝંખતા હોઈએ તો હિંદમાં એક પણ રક્તપિત્તનો રોગી કે એક પણ ભિખારી વણનોંધાયેલો કે સંભાળ વગરનો રહે નહીં. રચનાત્મક કાર્યક્રમની આ સુધારેલી આવૃત્તિમાં આપણા રચનાકાર્યની સાંકળના એક અંકોડા તરીકે રક્તપિત્તના રોગીને અને તેની સેવાને હું મુદ્દામ ઉમેરું છું કેમ કે આજે આપણે ત્યાં પતિયાંની જે દશા છે તે જ, આપણે જો આપણી આજુબાજુ બરાબર ધ્યાનથી નિહાળીએ તો, સુધરેલી આધુનિક દુનિયામાં આપણી છે. દરિયા પારના દેશોમાં આપણા ભાંડુઓની દશાનો ખ્યાલ કરવાથી મેં જે વાત કહી છે તે સાચી છે એમ સૌની ખાતરી થશે.