રજકણ
| રજકણ ધૂમકેતુ |
પ્રકાશક————————
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ખાનપુર : : : અમદાવાદ.ત્રીજી આવૃત્તિ જાન્યુઆરી ૧૯૪૮
[ સર્વ પ્રકારના હક્ક લેખકને સ્વાધીન ]
કિંમત : ત્રણ રૂપિયા
ગોવિંદલાલ જગશીભાઈ શાહ,
શા ર દા મુ દ્ર ણા લ ય;
પાનકોર નાકા, અમદાવાદ.
વૈવિધ્યવાળી રચના મળે નાં;
છતાં ધર્યાં એમ વિચારી તારે,
પા દા મ્બુ જે ચ ર ણ અં કિ ત ભા ગ્ય પા મે.
મુજકો ચહ ચાહ મેરી, તુઝકો યહ સૂરત તેરી.
✽
ગર ફરિશ્તાવશ હુઆ કોઈ તો ક્યા
આદમિયત ચાહિએ ઈન્સાન મેં.
જિસને દિલ ખોયા ઉસીકો કુછ મિલા
ફાયદા દેખા ઈસી નુકસાનમેં.
પેલા મંદિર પાસે જોયું ?
કેટલી વિવિધરંગી સુંદર માળાઓ ત્યાં માતાને ધરેલી દેખાય છે ? જેમની અત્યંત શાંતસુગંધી અગમ્ય પ્રદેશનું ભાન કરાવે એવાં કેટલાં બધાં મનોહારી પુષ્પો ત્યાં પડ્યાં છે ? ૨ંગ, સુગંધ અને રેખા–ત્રણેના આંતિરક સુમેળને લીધે, જેમને નામ આપતાં નામ પણ ન જડે—એવાં અસખ્ય પુષ્પો ત્યાં વેરાયેલાં પડ્યાં છે.
જુઓ માતાના ચરણની રજ લેવા કેટલાં બધાં માનવ તલસી રહ્યાં છે?
કોઈ મત્ત સુગંધવાળાં પુષ્પોની માળા, માને કંઠે ઘરવા આગળ આવે છે. કોઈ શાંત સુગંધી ફૂલની માળા માને ભેટ
ઘરે છે. કોઈ માત્ર એક જ વિશાળ સુંદર ફૂલ માના ચરણમાં મૂકે છે. કોઈની પાસે ફૂલના ગુચ્છ છે; તો કોઈક વળી થોડાંક ફૂલ ખોબામાં જ લઈને ઊભા છે.
અને પ્રજ્ઞાપારમિતાના ચહેરા પર શોભે એવા શાંત સ્મિત ભર્યાં મૌનથી મા સૌને પ્રોત્સાહન આપે છે.
પણ પેલો મોડો પડવાથી દોડતો, સૌથી છેલ્લો ઊભેલો, લઘરવઘર, નિસ્તેજ, અકિંચન આદમી જોયો? માને નજરોનજર જોવા માટેની કેટલી બધી આતુરતા દેખાય છે? પણ મંદિરદ્વાર બંધ થવાની તૈયારીમાં છે. દર્શનનો સમય પૂરો થવા આવ્યો છે, એ ભલે દોડે, પણ એ મોડો પડશે. ઠેશ વાગી ને એ તો નીચે પણ જઈ પડ્યો. એનાં ગરીબનાં થોડાંક ફૂલ હતાં તે પણ વેરાઈ ગયાં અને આ ... હ .. ! મંદિરનાં દ્વાર પણ દેવાયાં!
એકઠી મળેલી મેદનીમાંથી કેટલાકે ઉપહાસ કર્યો, કોઈકે બેદરકારીભરેલું મૌન ધાર્યું; કેટલાકે જોયું ન જોયું કર્યું; ખોટું
પેલો અકિંચન અજાણ્યો આદની,ફૂલો વિનાના એના ખાલી હાથ, જાણે ફૂલોથી ભરેલા હોય તેમ, માતાને અર્ધ્ય આપવા ઊંચે આગળ ધરી રહ્યો હતો! એમાં ફૂલ હોય ને સ્વીકારાતાં હોય તેમ, માતા અર્થ ભરેલું આછું સ્મિત કરી રહ્યાં હતાં! અને એ જોઈને એની આંખમાંથી આનદનાં અને વેદનાનાં આંસુ વહી રહ્યાં હતાં!
મુગ્ધ બનેલા સૌએ માતાને ફરી નિહાળવા પાછી નજર ફેરવી પણ ત્યાં તો—મંદિરનાં બંધ થતાં દ્વારની
પાછળ, જરાક દેખાતો, જરાક ન દેખાતો, માતાનો ચહેરો અદૃશ્ય થતો હતો. જાણે એમ કહેતો હોય કે — પ્રયત્ન અને નહિ કે પરિણામ — એમાં જીવનપુષ્પની મોટામાં મોટી કસોટી છે.
ત્રીજી આવૃત્તિ પ્રસંગે.
પહેલી આવૃત્તિમાં આપેલા લાંબા નિબંધો ને લેખો જુદા કાઢી નાખ્યા છે. અને આવૃત્તિને તદ્દન નવું રૂપ આપ્યું છે. લગ્ન પ્રસંગે અને પ્રાસંગિક ભેટોમાં આ પુસ્તકનો ઉઠાવ થાય છે: એમાં આ ફેરફાર રુચિકર જણાશે. કાગળની અસહ્ય મોંઘવારીમાં આવૃત્તિ બહાર પાડવી પડી એટલે કિમ્મતમાં જૂજ ફેર જણાશે.
ત્રીજી આવૃત્તિમાં કેટલાંક નવાં રજકણો ઉમેરીને તેને અદ્યતન સ્વરૂપ આપ્યું છે.
હજારો દિવસમાંથી એક જ દિવસ યાદ છે : પ્રકાશનો અને પ્રેમનો.
રોવું હોય ત્યારે હું એકાંત શોધું છું : હસવું હોય ત્યારે મિત્રો.
સમુદ્રને કિનારે તારો પગરવ કેમ સંભળાય છે ? બધે જ તું છે એટલા માટે, કે બીજે ક્યાંય તું નથી, એટલા માટે ?
કોઈ નામ માટે જીવે છે, કોઈ લક્ષ્મી માટે જીવે છે, કોઈ સ્ત્રી માટે જીવે છે: નીલાછમ ટેકરાઓ ઉપર કાંઈ પણ હેતુ વિના રખડવા માટે તો, હું એકલો જ જીવું છું.
ઘણી વખત રાત્રિ ગંભીર હોય છે, ચળકતા તારા તેને વધારે ગંભીર બનાવે છે, ત્યારે એક જ અણઉકલ્યો સવાલ હૈયામાં આવે છે : ‘આ બધું કોણે કર્યું અને શા માટે?’
ઊંચામાં ઊંચા શિખર ઉપર બેસવા માટે હું એક હજાર ને એક જિંદગી ગુમાવવા તૈયાર છું : પણ શરત એટલી કે તે ઊંચામાં ઊચુ હોવું જોઈએ.
મધરાતના સુમસામ અંધકારમાં કોઈ વખત જરા જેટલો શબ્દ થઈ જતો સાંભળ્યો છે? આત્માનો અવાજ એટલો જ શાંત હોય છે, ને એટલો જ વેધક.
ઘણા પ્રકારની મીઠાશ દુનિયામાં છે : છાના દર્દની તોલે આવે એવી એમાંની એકે નથી.
એણે કહ્યું કે તમે દુઃખથી હાર્યા છો : મેં કહ્યું કે તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી.
સ્વર્ગમાં ને પૃથ્વીમાં બહુ ફેર નથી. શ્રમ ને પ્રેમ બે સાથે હોય ત્યાં સ્વર્ગ, એ બે જુદાં એટલે પૃથ્વી.
વિયોગનાં આંસુને ચૂમનાર બાળક છે ત્યાં સુધી ફિલસૂફીનાં થોથાં કોણ ઉઘાડે?
નીરસ સંયમ એ આપઘાત છે. ધર્મના અંચળામાં એ છુપાવેલો છે એટલું જ.
આવેશ જ્યારે ઉલ્લાસનો ઝબ્બો પહેરે છે ત્યારે, અને પુરાણી જ્યારે એક જ સૂરે કથા વાંચે છે ત્યારે, એક અદૃશ્યમૂર્તિ ધીમે ધીમે ત્યાં સંતોષથી હસે છે: અને તે મૂર્તિ સેતાનની છે.
નિરાશાના રામુદ્ર જેવા મોટા રણમાં તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે, તે મજાની ખાતર, હું ધોળાં ફૂલ, રૂપેરી ચાંદની અને કોયલનો સૂર ત્રણે જતાં કરું.
દુનિયાનું મોટામાં મોટું કરુણ નાટક, માણસના હૃદયમાં હરેક પળે ભજવાઈ રહ્યું છે.
મને બે ચીજ સૌથી વધુ વહાલી છે : શ્રમ અને દુ:ખ. દુ:ખ વિના હૃદય નિર્મળ થતું નથી : શ્રમ વિના મનુષ્યત્વ સમજાતું નથી.
એણે કહ્યું કે તમે નિરાશાવાદી છો. મેં કહ્યું કે સાથે બેસીને ઘડેલું સ્વન છિન્નભિન્ન કરનાર કોઈ મિત્ર તમને મળ્યો નથી.
હું નિરાશ થયો છું? પરાજયથી હાંફી ગયો છું? ના, ના, એવું કાંઈ જ નથી. વિશ્વાસના સમુદ્રમાં પડેલું, ઝેરનું એક બિંદુ ધેાવા માટે, આટલી જહેમત ઉઠાવી રહ્યો છું.
પાનખર ઋતુ જોઈ ને વૃદ્ધાવસ્થા યાદ આવી, – પણ આ શું? વૃક્ષની છેક છેલ્લી ટોચની ડાળે સુંદર પ્રભાતના રંગ જેવી, કુમળા પાનની ટીશી ક્યાંથી?
પરાજય ? – પરાજયથી તો હું ભડકતો નથી. નાના નાના વિજય જોઈ ને ગભરાટ છૂટે છે. એવા નાના નાના વિજયમાં સંતોષ માનીને, પરાજયનો આનંદ ગુમાવનારા ઘણા હોય છે, એવો તો હું નહિ અની જાઉં ના ?
એણે કહ્યું કે તમે મનુષ્યને ધિક્કારો છો. મેં કહ્યું કે મીઠી જબાનવાળા, વિવેકી મનુષ્યનો તમને પરિચય નથી.
હું ગાંડો છું? ઉદ્ધત છું? ના, વધારે સ્પષ્ટ છું. એમાં કૂનેહ નહિ હોય, પણ સિદ્ધાંતવાદી વળી, કૂનેહનાં રમકડાંથી રમે ખરો?
દિવસે તો, ફિલસૂફ જેવા ભાવહીન આકાશ કરતાં મોજમાં ઉછળતો સમુદ્ર વધારે સુંદર લાગે છે. પણ રાત્રે?
પવિત્ર સ્ત્રીના પડછાયામાં ઊભા રહ્યા પછી આ કલાકારને એવું તે શુ ઘેલું લાગ્યું છે કે એ કલાની વાતો કરે છે? કલાના સાન્નિધ્યમાં તો એ ઊભો જ હતો.
જેણે જીવનમાં વિરહ અનુભવ્યો નથી, એણે જીવનની મીઠાશ પણ ક્યારે અનુભવી છે ?
તમે કલાની વાત કરો છો કાં ? હા, હા, સમજ્યો. એવી વસ્તુ, જેને લોકો જીવનમાંથી બહાર કાઢે છે : અને પ્રદર્શનમાં જોવા જાય છે. એ જ કલા કે ?
તું આવજે એમ મેં ક્યારે કહ્યું ? તું ન આવવાનો સંકલ્પ કરી રાખજે.
જે મજા સંગ્રામમાં છે તે મજા ખોઈ ને મૂરખાઓ વિજય વાંછે છે! વાંછવા દો. વિજયના જેવો મહાન પ રા જ ય જોઈ ને કોણ નથી પસ્તાયું ?
મારી વાટ જોવાની ધીરજ પાસે, તારી વાટ જોવરાવવાની શક્તિ નમે એ તો મારા જીવનસંગ્રામનો પાયો છે. તું આવજે એમ વિનતિ કરીને હું કાંઈ જીવનનો પાયો ખોદી નાખું ? તું ન આવતી, ન આવતી, કલાની અધિષ્ટાત્રી ન આવતી.
મેં તો ઈશ્વર પાસે એટલું જ માગ્યું હતું: હમેશાં આનંદી – મોજીલું એવું હૃદય ન આપતો, થોડું ઘણું વિષાદમય અંતર પણ આપજે. ઈશ્વરે સ્પષ્ટ ના પાડી. ‘અલ્યા તારે જીવનનો અમૂલ્ય રસ ‘વિષાદ’ જોઈએ છીએ ? એ તે ક્યાંય મગાતો હશે ?–અને વળી એ માગ્યે મળે પણ ખરો? એ તો તારા જીવનમંથનનું રત્ન છે. એને તો તું જ શોધી લેજે. જેને જેને એ રત્ન, આનંદસાગરને તળિયેથી મળ્યું છે, તેને જીવનભર બીજી કાંઈ વાંછના રહી નથી : એમને મન અંતરનો ઘેરો અવાજ એ જ જીવનસર્વસ્વ બની રહેલ છે.
વિલાસને કલા માનો, નિષ્ક્રિયતાને આનંદ ગણો, અસમાનતાને ગૌરવ લેખો, વ્યવહારને ’ધર્મ‘ સમજો. ક્રાન્તિનાં બીજ તમે રોપી ચૂક્યા. હવે માત્ર એના ફળની જ રાહ જૂઓ.
તમે સુખને શોધો છો ? શોધો માં, એટલે સુખ તમને શોધશે.
જીવનની સર્વોત્તમ પળ જાણવી છે ? બધી જ પળ સર્વોત્તમ છે, અથવા એકે નથી.
મશ્કરી શા માટે કરો છો? માનપત્ર એ પણ ક્રૂર મશ્કરી જ છે નાં?
પેલા એકલડોકલ થાક્યા મુસાફરે નહિ જેવી લીલેાતરી જોઈને આશ્વાસન મેળવ્યું: ધર્મ મંદિરનો પાયો નાખનાર ત્યાં કોઈ હતું નહિ એટલું જ. માકી મંદિર તો ત્યાં હતું જ.
જીવનનો આનંદ માણવાની એક જ સાચી રીત છે: મનુષ્યની સઘળી નબળાઈઓ કોઈ પણ હેતુમાંથી જન્મે છે એમ ન માનતાં ‘અજ્ઞાન’માંથી જન્મે છે એમ માની લેવું.
ઝાડનાં સૂક્કાં ઠૂંઠાં બોલી ઊઠ્યાં: ‘શું જોઈને હસો છો? શું અમારા પાન વિનાનાં ઠૂંઠાં શરીર જોઈને તમને મશ્કરી કરવાનું સૂઝે છે? તમારું નિત્યનું ધ્યેયવિનાનું જીવન નિહાળોને, એવું પણ એવું જ છે. અમે પણ એકાંત રાત્રિમાં ક્યારેક એ જોઈને હસીએ છીએ ખરાં.’
ઘણાં મનુષ્યોને લક્ષ્મીનો મોહ હોય છે: એનો પ્રેમ બહુ થોડાને છે. લક્ષ્મી ઉપભોગનું જ સાધન છે એવી માન્યતા ઘણાની છે: એનો ઉપયોગ પણ હોઈ શકે એ માન્યતા બહુ થોડાની છે.
હસો છો ? હસો હસો ! ભૂતકાળમાં કોઈ દિવસ નજર નાખવાની જેને ટેવ નથી, તક નથી કે વખત નથી એ સઘળા જ હસે છે. હસવાના પણ પ્રકાર છે. નિર્દોષ બેદરકારભર્યું જીવનની અફળતાને પણ એક અટ્ટહાસ્યથી ઉડાવી દેનારું રામબાદશાહી હાસ્ય : અને પાંચ રૂપિયાના ‘પ્રમેાશન’થી ભજિયાં ઉડાવી, ચાનો પ્યાલો હાથમાં રાખી, ઘડીએ ઘડીએ અતિતૃપ્તિ ભર્યું કારકુનીહાસ્ય: અને એવાં ઘણાંક. તમારું હાસ્ય પણ આવું કાંઈક.
મુશ્કેલી મેળવવામાં નથી, સાચી રીતે વાપરવામાં છે.
જરુરીઆત વિનાનો શબ્દોચ્ચાર એ કેદખાનું નથી કે લોકો સળિયાનાં કેદખાનાં કરતાં હશે?
લાખો માણસો હણાઈ જાય એવું લોહીભીનું યુદ્ધ એ પણ એક વખત તો માત્ર ભાવનાના બીજ રૂપે જ હતું.
અંતે થાક લાગ્યો. ભૂખ લાગી. ગિરિશૃંગને છાંયે – સાદા ઝરણા પાસી ગયો.
એક પહાડી નીકળ્યો. તેની પાસેથી એકાદ ફળ માગી લીધું.
–એ ફળમાં એટલો સ્વાદ હતો કે એવો સ્વાદ ઘણાને આખા જીવનમાં પણ નહિ મળતો હોય.
ત્યારે જ લાગ્યું કે વૈભવ માત્ર સાચી જરૂરિયાતમાંથી જ જન્મે છે, વસ્તુસંગ્રહમાંથી નહિ.
–ત્યારે જ જણાયું કે વસ્તુસંગ્રહ – વસ્તુઓનો ઠઠારો જેને લોકો વૈભવ કહે છે, એ તો હલકા પ્રકારનો વિલાસ છે.
અને– ત્યારે જ સમજાયું કે વૈભવ જેટલો એક ફળની પ્રાપ્તિમાં હોય, તેટલો રત્નલાભમાં ન પણ હોય.
મુશ્કેલી મેળવવામાં નથી, સાચી રીતે વાપરવામાં છે.
જરૂરિયાત વિનાનો શબ્દોચ્ચાર એ કેદખાનું નથી કે લોકો સળિયાનાં કેદખાનાં કરતાં હશે ?
મેં અધાપો માગ્યો હતો, ધ્યેય સિવાય બીજે દૃષ્ટિ જાય નહિ માટે.
અને તેં આપ્યો; ધ્યેયનું જ દર્શન થાય નહિ માટે. હવે ધ્યેય ન દેખાય તો કાંઈ નહિ, મારી નજર આગળનુ એક પગલું સ્પષ્ટ દેખાય એટલું તો કરી દે. અને તે હસ્યો: “ભલા માણસ! એક એક કરીને અનંત પગલાં ભરવાની શક્તિ એનું નામ જ ધ્યેયદર્શન. અનંત પગલાને છેડે ધ્યેય છે, એવું ખોટું તને કોણે બતાવ્યું? ધ્યેય તો પહેલા અને બીજા પગલાની વચ્ચે જ છે?”
સાધનામાં જ માનનારાઓને ઉપહાસ તરફ નજર કરવાની ફુરસદ પણ હોય ખરી ?
અરે ! ગુલાબની પાંખડી જેવા પંખી ! તારે પણ વિરહનાં આંસુ ને વિયોગની રાત્રી છે?
તારી નાની સૃષ્ટિમાં પણ પ્રેમની ભસ્મ અને આશાનાં રૂદન ભરેલાં છે.
તને ડોકું હલાવી હા પાડતું જોઈ મને કેટલો આનંદ થાય છે!
આવા એકાકી અંધારઘેરા જંગલમાં તું પણ તારી અનોખી સૃષ્ટિ જાળવી રહ્યું છે? ત્યારે તો તું મારા કરતાં વધારે અનુભવી હશે.
ત્યારે તું જ મને કહે કે આ લાંબી લાંબી પગદંડી—જ્યાં હું ઊભો છું ત્યાં જ વધારે મજાની છે કે છેડે ?
યાદ રાખજો કે પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનર્વિધાન છે.
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
