રસિકવલ્લભ/પદ-૭૭
Appearance
← પદ-૭૬ | રસિકવલ્લભ પદ-૭૭ દયારામ |
પદ-૭૮ → |
પદ ૭૬ મું
શિષ્ય વદ્યો એમ સુણી કરજોડીજી, 'સંશય મોટો નાખ્યો તોડીજી;
કામ દામ મોટા અંતરાયજી, મળવા દે નહિ મોહનરાયજી. ૧
સમજે સહુ કો પંડિત પહેલાજી, તે પણ એ બેમાં કેમ ઘેલાજી;
ત્યાગી જ્ઞાની યોગ મળેલાજી, તે પણ મનમાં માયા ચેલાજી. ૨
ઢાળ
ચેલા પ્રકટ કોઈ ગુપ્ત, માયાથી બચ્યું નહિ કોય;
ક્યમ જાણીતા ભૂલા પડે ? આશ્ચર્ય અતિશય હોય.' ૩
એમ સુણી શ્રીગુરુ બોલિયા, ' તુંને થઈ શંકા સત્ય;
એ કૃષ્ણ માયા અતુલ બલ, અકલિત અટપટી અત્ય. ૪
નિજ કસ બળે નિકળાય નહિ, વન શરણ વિઠ્ઠલરાય;
ગજ પંકમાં મૃગ ફંદ બસી, બલ જરે બહુ જકડાય. ૫
ગુરુદ્વાર શ્રી કૃષ્ણની શરણાગતિ ગ્રહે દૃઢ ટેક;
તે જીવ માયાજાળથી, છૂટે ઉપાય જ એક. ૬
તે અનન્યાશ્રય નિરંતર, શ્રી નંદસુતનો ઝાલે;
તો માયા કાળાદિ પરમ બલ કોઈનું નવ ચાલે. ૭
નહિ દેવ દેવી કોઇ હરિ અવતારનો પણ દાસ;
પતિ દયાપ્રીતમ કૃષ્ણ આશા એક દૃઢ વિશ્વાસ. ૮