લખાણ પર જાઓ

રાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૧ લો

વિકિસ્રોતમાંથી
←  અંક બીજો: પ્રવેશ ૫ રાઈનો પર્વત
અંક ત્રીજો: પ્રવેશ ૧
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ત્રીજો: પ્રવેશ ૨ →


અંક ત્રીજો


પ્રવેશ ૧ લો

સ્થળ : દુર્ગેશનું ઘર.

[દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.]
 
દુર્ગેશ : પ્રિય ! આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે.
કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી.
દુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી.
કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો.
દુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના ઉપકારના ઋણમાં તો આપણે જીવનપર્યંત બંધાયાં છીએ. તેમના વિનાનું બીજું કોણ તારા પિતાની સખતાઈને મુલાયમ કરી શકત? જ્યાં બીજાને હાથે ભંગ થાત ત્યાં તેમને હાથે કમાન વળી છે.
કમલા : કન્યાદાન દેતી વખતની મારા પિતાની સંપૂર્ણ પ્રીતિ એ સર્વ ભૂતકાલનું વિસ્મરણ કરાવે છે.
દુર્ગેશ : એ સર્વ ઘટનાના નાયક અને મને કનકપુરમાં આણનાર ભગવન્ત કલ્યાણકામના હ્રદયની ઉદાત્તતાના દર્શનથી મારું હ્રદય વિકાસ પામ્યું છે. પાછળ દૃષ્ટિ કરું છું તો મારા ચિત્તમાં વસેલી સ્વાર્થી રાજ્યલોભની અને અધમ
રાજ્યદ્રોહની બુદ્ધિ કેવી નષ્ટ થઈ છે ! પ્રાણેશ્વરી ! તારા પ્રેમપ્રસાદ વિના એ સર્વ સુભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત !

તેં પ્રેમ પ્રેરિ ઉરને ગતિ ઊર્ધ્વ આપી,
તેં નેત્ર-વ્યંજક વડે છવિ દિવ્ય છાપી;
ધોઈ સુધાથિ કર્યું તેં મુજ ચિત્ત સ્વચ્છ,
ને તેથિ આત્મબળની થઈ પ્રપ્તિ શક્ય. ૩૧

કમલા : અબલાનું તમે બહુ મહત્ત્વ કલ્પો છો.
દુર્ગેશ : શક્તિ અબલા રૂપે પ્રકટ થાય છે, એ રસિક કલાવિધાન જ છે.
કમલા : સાવિત્રીદેવીએ મહિષાસુર મર્દિનીનું ચિત્ર કાઢ્યું છે. તેમાં દુર્ગાને ચંડી નહિ, પણ સૌમ્ય આકૃતિવાળી ચીતરી છે. તેની હાથમાંનું ખડ્ગ ફૂટતી કૂંપળોવાળી ડાળીનું છે. તેના પગ નીચે દબાયેલો મહિષ તે મનુષ્યની જડતા છે એમ ફલિત કરવા સારુ માથું મારતાં ભાંગેલા શિંગડાં વચ્ચેનું તેનું કપાળ અને આંખો સ્થૂલ બુદ્ધિના માણસ જેવાં કાઢ્યાં છે, તેના કાન અને તેનું નાક થોડાં માણસ જેવાં અને થોડાં પશુ જેવા કાઢ્યાં છે. સહુને એ ચિત્ર બહુ હ્રદયંગમ લાગે છે. માત્ર વંજુલ કહે છે કે 'પાડાને તોપૂંછડું હોય અને શિંગડા હોય; પાડો તે વળી માણસ જેવો કાઢ્યાથી શોભતો હશે? અને વળી, દુર્ગા તો ચંડી જ હોય. તેને તો વિકરાલ અને લોહીની તરસી જ કાઢવી જોઈએ.
દુર્ગેશ : શ્રીમતીની પરમ તીવ્રતાવાળી બુદ્ધિમાંથી અને અનુપમ કોમળતાવાળા હ્રદયમાંથી નીકળતી રસસૃષ્ટિની એ જડસાને શી પરીક્ષા હોય? ક્યાં જડતામાં બંધાઈ રહેલી એની બુદ્ધિ અને ક્યાં શ્રીમતીની ઉચ્ચ ભાવના !
કમલા : પહેલાં મને એમ લાગતું કે શ્રીમતી અને ભગવન્તની ગંભીરતા તથા પ્રૌઢતામાં પ્રેમનો અવકાશ નહિ હોય, પણ આપણા લગ્ન પહેલાંના વૃતાન્તમાં મારે એમનો બહુ પરિચય થયો ત્યારે ખબર પડી કે એમનો પ્રેમ અગાધ છે. અને એમની આસક્તિમાં રાગ માતો નથી એટલો ભરપૂર છે. માત્ર એક વાત આશ્ચર્ય જેવી લાગી. 'પ્રિયા' અને 'પ્રાણનાથ' અને એવાં પ્રેમના સંબોધનોના ઉચ્ચાર કરતાં મેં તેમને કદી સાંભળ્યા નથી. બહુ કુતૂહલ થવાથી તેમનાં એકાન્ત સંભાષણ મેં છાના રહી એક બે વાર સંભળેલાં, પણ , એવાં વચનો તેમના મુખમાંથી નીકળેલા નહિ.
દુર્ગેશ : પ્રિયતમે ! મને તો એમ લાગે કે તને પ્રેમવાચક વચનોથી સંબોધન કર્યા વિનાની એક ઘડી ગઈ હોય તો તે સૃષ્ટિના ઇતિહાસમાં નિરર્થક ગઇ.
કમલા : પ્રાણવલ્લભ ! તમારી આ અશેષ ભક્તિ કોઈ કોઈ વાર મને ભયભીત કરે છે કે એમાં અણુમાત્ર શિથિલતા કોઈ કાળે થશે તો હું તે શી રીતે સહન કરીશ.
દુર્ગેશ : તને મારા પ્રેમની નિશ્ચલતા પર શ્રદ્ધા નથી?
કમલા :

હ્રદય સકલ મારું અર્પિયું જેહને મેં,
થઈ અનુરત જેમાં દૂભવ્યા તાતને એ;
જિવતર મુન જેના પ્રેમ માટે જ ધારું,
હ્રદય અચલ તેનું પૂર્ણ શ્રદ્ધાથિ માનું.


લગ્ન પહેલાં શ્રીમતીએ મને કહેલું કે 'ગયેલું યૌવન પાછું મેળવવાનો ઉપચાર મહારાજ પર્વતરાયને જડ્યો છે, પણ ગયેલો પ્રેમ પાછો મેળવવાનો ઉપચાર કોઈને જડ્યો નથી. માટે, પ્રેમમાં નિરંતર દૃઢ રહેવાનું મનોબળ તમારા બન્નેમાં છે એમ તમને લાગતું હોય તો જ લગ્ન
કરજો. ફીણના ઊભરાથી પાણીની ઊંડાઈનું માપ થતું નથી, માટે ઊભરો શમી જાય ત્યારે પાણી કેટલું રહેશે એનો ખ્યાલ પ્રથમથી કરી મૂક્જો.
દુર્ગેશ : તે પછી મારા મનોબળ વિષે તેં મને પૂછ્યું કેમ નહિ?
કમલા : મારા મનોબળથી તમારા મનોબળનું માપ હું કરી શકી હતી. એક ધરી પર ફરનારાં બે ચક્રમાં એકની ગતિ સરખી જ બીજાની ગતિ હોય છે.
દુર્ગેશ : પ્રાણપ્રિયા ! તારા હ્રદયની ઉદાત્તતા પરથી તું મારા હ્રદયની ઉદાત્તતાનું અનુમાન કરે છે, તો ભવિષ્યમાં તારું હ્રદય શિથિલ નહિ થાય અને મારું હ્રાદય શિથિલ થશે એવી અન્યાયભરેલી શંકા શા માટે કરે છે?
કમલા : હ્રદયેશ્વર ! હું તમને અન્યાય નથી કરતી. મને માત્ર આપણા સુખની પરિપૂર્ણતા જોઇ અધીરાઈના વિચાર આવે છે કે રખેને એ પરિપૂર્ણતા કાળની ચંચળતા પંજામાં સપડાય ! તમારા મિત્ર તે દિવસે કહેતા હતા કે કાળને મન સહુ સરખા છે.
દુર્ગેશ : એમના વચનનો અર્થ એવો હતો કે કાળ એકની પાસે ઊભો રહે અને બીજા પાસેથી ચાલ્યો જાય એમ બનતું નથી.
કમલા : એમને આવવાનો હવે વખત થયો છે. એમણે કહ્યું હતું કે 'તમારા લગ્નાના માસિક ઉત્સવમાં સામેલ થવા સારુ નિત્ય કરતાં આજે હું વહેલો આવીશ.' એ પોતાનું નામ કહેતા નથી, તેથી એમને માટે સર્વનામ જ વાપરવા પડે છે.
દુર્ગેશ : એમણે પોતાનું નામ અને વૃતાન્ત ગુપ્ત રાખ્યાં છે, તે છતાં એમની સાથે અકસ્માત્ સમાગામ થયો તે જ ક્ષણથી મારે એમના પર સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. એ કહે છે કે 'તમે મારો વિશ્વસ કરો છો તે કરતાં હું તમારો વધારે વિશ્વાસ કરું છું, અને તે વખત આવ્યે સમજાશે.'

કમલા : એમની ગુપ્તતામાં મહાતેજ ઢંકાયેલું છે, એમ લાગ્યા વગર રહેતું નથી. અહો ! આ એ જ આવે છે.
[રાઈ પ્રવેશ કરે છે અને બેસે છે.]
 
રાઈ : તમે બન્ને મારી નિંદા કરતાં હતાં એમ જણાય છે.
કમલા : જેની સંપૂર્ન સ્તુતિ અશક્ય હોય તેને અપૂર્ણ સ્તુતિ નિંદા જ છે.
રાઈ : પોતાને માટે તો તમે કહેતાં હતાં કે વિવાહિત દંપતીને માટે જગતમાં સર્વ સંપૂર્ણ જ છે. તેથી, દુનિયામાં વધેલી અપૂર્ણતા કુંવરાઓને બક્ષિસ આપી દેતાં હશો !
કમલા : તમે કુંવારા છો એટલું પણ અત્યારે જ જાણી છીએ. તેથી એ બક્ષિસની કલ્પના સંભવતી નથી.
રાઈ : આટલો બધો તમારો કૃપા પાત્ર છતાં હું તમારાથી અંતર રાખું છું એ મને બહુ ખૂંચે છે, પરંતુ જ્યારે એ અંતર દૂર કરવાને સમય આવશે ત્યારે મારું વાજબીપણું તમે કબૂલ કરશો.
દુર્ગેશ : એ વિષે અમને સંદેહ છે જ નહિ, માત્ર કમલાને જિજ્ઞાસા દાબી રાખવી બહુ કઠણ પડે છે.
કમલા : પુરુષોની જિજ્ઞાસા સ્ત્રીઓ જેટલી જ તીવ્ર ન હોય તો ખોળતા ખોળતા તેઓ પાતાળ સુધી જાત નહિ.
દુર્ગેશ : અત્યારે તો અમારી જિજ્ઞસા તારા મનોરમ સંગીત માટે છે લે આ સારંગી.
[ઊઠીને સારંગી આપે છે]
 
કમલા : [સારંગી વગાડીને ગાય છે]

(ખમાચની ઠુમરી)

રસ સુખકર ઘન શો વરસી રહ્યો !
વરસી રહ્યો, વરસાવી રહ્યો! રસ૦
પ્રેમ ગગન કેરો કંઈ આણી,
પુલક પુલક વિકસાવી રહ્યો. રસ૦

મર્મ ઉપર સિંચી રસ જ્યાં ત્યાં,
સુરભિ સુરભિ પ્રકટાવી રહ્યો. રસ૦
ઊર્મિમાળા ધરા મહીં ઘેરી,
સરિત સરિત ઉછળાવી રહ્યો. રસ૦
ભિંજવિ કેસર પાંખડિ તંતુ,
કુસુમ કુસુમ નિતરાવી રહ્યો. રસ૦

રાઈ : શી સંગીતની મધુરતા ! એ મિષ્ટતાથી પ્રસન્ન થઈ ચિત્ત ઉત્તુંગ પદે આરોહણ કરે છે, અને કવિતાથી ઊઘડતી કલ્પનાની પાંખે ચઢી ઘનવર્ષણમાં ગર્ભિત રહેલી ખૂબીની ઝાંખી કરે છે.
કમલા : એ માત્ર સૌજન્યનો પક્ષપાત છે.
રાઈ : કોરી ઋતુમાં પણ મારા સરખા કોરાને આર્દ્રતાનો અનુભવ થવાથી ઉપકારબુદ્ધિ થાય તેને પક્ષપાત કેમ કહેવાય?
દુર્ગેશ : તમારી સહ્રદયતામાં કોરાપણાને અવકાશ નથી.
રાઈ : તે છતાં કોરાપણું લાગતું હોય તો મને સહિયર મેળવી આપશો, એટલે તે શી રીતે જતું રહ્યું તે પણ ખબર નહિ પડે.
રાઈ : મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.
દુર્ગેશ : મહારાજ પર્વતરાય રાજ્યતંત્ર પાછું હાથમં લે ત્યારે તમારે રાજસેવામાં દાખલ થવું એવી મારી સૂચના છે.
રાઈ : ઇશ્વરેચ્છા હશે તેમ થશે. ગમે તે પ્રકારે લોકસેવા કરવી એ મારી ઉત્કંઠા છે. મહારાજના પાછા આવવા સંબંધમાં લોકો કેવી વૃત્તિ છે?
દુર્ગેશ : મહારાજને પાછા જોવા લોકો ઘણા ઉત્સુક છે.
રાઈ : લોકોને મહારાજ વૃદ્ધ હોય તે વધારે પસંદ પડે કે મહારાજ જુવાન હોય તે વધારે પસંદ પડે?
દુર્ગેશ : એ તો કહી શકું નહિ; હું પોતે પસંદ કરું છું તે કહી શકું.
રાઈ : લોકો શું પસંદ કરે છે તે મંત્રી મંડળે જાણવાની જરૂર નથી.
દુર્ગેશ : જરૂર હોય તોપણ એવા વિષયમાં લોકોનાં મન શી રીતે જાણાવાં?
રાઈ : તમે સંમત થાઓ તો રાત્રે વેશ બદલી આપણે નગરચર્યા જોવા નીકળીએ.
દુર્ગેશ : યોજના ઉત્તમ છે.
કમલા : મને ઘરમાં એકલી મૂકીને બહાર નીકળી પડાવાની યોજના તો ઉત્તમ છે, પરંતુ અત્યારે તો નદીતટે વિહારગૃહમાં જવાની યોજના પાર પાડવાની છે. ચાલો , હવે વિલંબનું કારણ નથી.
[સર્વ જાય છે.]