રાઈનો પર્વત/પરિશિષ્ટ/

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  અંક સાતમો: પ્રવેશ ૬ રાઈનો પર્વત
પરિશિષ્ટ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ


(૧)

(પ્રસ્તાવનામાં કરેલો ઉલ્લેખ)

ભવાઈ સંગ્રહમાં "લાલજી મનીઆર"ના વેશમાં

સાઈઆંસે સબ કુચ હોત હે, મુજ બંદેસે કચુ નાહીં, રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.

આ દુહા નીચે ટીપમાં વાર્તા આપી છે તે નીચે પ્રમાણે છે :-

કોઈ પરબત નામે પાદશાહ હતો. તે એક વખત મધરાત્રે ચાંદની ખૂબ ખીલી રહી છે, તેવામાં પોતાના એક સાથીને લઈ શહેર બહાર પોતાનો એક બાગ હતો ત્યાં ગયો. એ બાગમાં સસલાં, હરણ વગેરે પશુઓ બહુ નુકશાન કરતાં હતાં, તેથી તેનો રખેવાળ માળી રાઈ નામે હતો તેણે વિચાર્યું કે એમાંથી થોડાને મારીશ ત્યારે તેએ કેડો છોડશે. તે રાત્રે કામઠામાં તીર ચડાવીને તૈયાર થઈને બેઠો હતો. એવામાં પાદશાહ અને તેનો સાથી બાગમાં પેઠા. તેમનાં પગલાનો અવાજ સાંભળ્યો કે માળીએ જાણ્યું કોઈ જનાવર પેઠું, ને તે અવાજ ઉપર તીર છોડ્યું. તે પાદશાહની છાતીમાં વાગ્યું, ને તરત તેનો પ્રાણ ગયો. સાથીએ બૂમપાડી કે રાઈ માળી દોડી આવ્યો ને જુવે છે તો પોતાનો ધણી પડ્યો દીઠો. તે ઘબરાયો ને રોવા લાગ્યો. પાદશાહના સાથીએ તેને ધીરજ આપી છાનો રાખ્યો, ને કહ્યું કે , 'ભાઈ તેં અજાણે આ કામ કર્યું છે, માટે તારી તકસીર નથી. પાદશાહના મરણની વાત શહેરમાં જણાશે તો બધું રાજ ઊંધુ વળશે. તખ્તને લેવા સારુ મોટી લડાઈ જાગશે ને બહુ ખરાબી થશે, માટે આ વાત છાની રાખી તને પાદશાહની જગાએ બેસાડું.' પાદશાહનો પોશાક ઉતારી સાફ કરી તેને પહેરાવ્યો, અને પેલા શબને ત્યાં જ દાટ્યું. બંને જણા શહેર ભણી ચાલ્યા. રસ્તામાં પેલા સાથીએ માળીને કહ્યું કે, ' અલ્યા તું જુવાન છે, પાદશાહ ઘરડો હતો; તારી મૂછોના વાળ કાળા છે, પાદશાના સફેદ હતા; તારી શીકલ ને તેની શીકલમાં ઘણો ફેર છે, તે બેગમો અને દરબારી લોકથી ઢાંક્યું રહેવાનું નથી, માટે હું કહું તેમ તદબીર કરવી.' રાત પૂરી થયા પહેલાં બંને જણા મંદિરમાં દાખલ થયા, ને માળીને તેમાંથી એક ભોંએરામાં ઉતાર્યો. સાથીએ સવાર થતાં દરબારમાં જાહેર કર્યું જકે, 'કોઈ મોટો હકીમ પરસદેશથી આવ્યો છે, તેણે પાદશાહને કહ્યું કે જો તમે છ માસ સુધી ભોંએરામાં રહો, કોઇને મળો નહિ, મોઢું દેખાડો નહિ, કોઈની જોડે વાતચીત કરો નહિ, તો એ મુદ્દતમાં હું તમને કેવળ જુવાન કરી દઉં. વાળ ધોળા છે તે કાળા થાય, દાંત પાછા આવે અને ચેરો તો એટલો ફરી જાય કે ઘરનાં માણસ પણ તમને ઓળખે નહિ.' પાદશાહે એ વાત કબૂલ કરી ને હકીમ તથા પોતે ભોંએરામાં ઉતર્યા છે; વજીર રાજકરભાર ચલાવે એવો હુકમ કર્યો છે. આ હુકમ સર્વેએ માન્ય કર્યો. બાદશાહને ભોંએરામાં ખાનપાન લૂગડાં પૂરાં પડે. ફાર્સી જુબાન પણ શીખવી તથા રાજદરબારી બોલવા ચાલવાની રીતથી વાકેફ કરી છ માસ પૂરા થયે બહાર કાઢ્યો. બધાએ છેતરાયા. રાઈ માળી હવે પરબતશાહ કહેવાયો. બુદ્ધિમાન હતો, તેથી રાજ ઠીક ચલાવતો હતો. અંદરની વાત પોતે તથા પેલો સાથી બે જણ જ જાણે. એ સાથી બાદશાહને, નિત્ય રાજમિજલસ મળે તેવારે સલામ કરી છાનું હસીને બેસે. બાદશાહને તેના તાબામાં પણ રહેવું પદે ખરું. નવ વરસ એમ કરતાં ગયાં, ત્યારે બાદશાહે તેને એક મધરાત્રે ચાંદરણી ખીલી રહી છે તે વખત એકાંતમાં કહ્યું, 'ચાલો નદી કાંઠે જઈ સેલ કરીને ફરીએ.' સાથીએ કહ્યું, ' પરબતશાહ કેવો મરી ગયો તે વાત ભૂલી ગયા ! આ વખતે જવું નથી.' બાદશાહે કહ્યું, ' કંઈ ફિકર નહિ, જઈશું.' બેંને જણ નદી કાંઠે આવી ઊભા. ત્યાં એક ચમત્કાર જોયો. વહેતા પાણીમાં દીવા તણાતા દીઠા. એક જાય ને બીજો આવે. પાદશાહે પોતાના સાથીને કહ્યું, 'જાઓ જોઈ આવો એ ક્યાંથી આવે છે.' સાથીએ આનાકાની કરી પણ અંતે જવું પડ્યું. ઉપલાણેથી દીવા આવતા હતા, તેણીમેર ગયો. દીવા આવ્યા જ જાય. જતાં જતાં એક શિવનું દેહેરું આવ્યું. જળાધારી કને માથાવગરનું ધડ પડેલું દીઠું. લિંગના ઉપર ઉંચે ચોટલાવતી માથું લટકતું હતું, તેમાંથી લોહીના ટીપાં લિંગ ઉપર પડતાં હતાં. તે લોહી વહી નીચે ટપકતું હતું, ને તેના દીવા થતા હતા. એ જોઈને તે પાછો વળ્યો ને પાદશાહએ બધો હેવાલ કહ્યો. પાદશાહે પૂછ્યું, 'તે જોઈ તમારા મનમાં શો વિચાર ઉત્પન્ન થયો ? સાચું કહો.' તે ઘબરાયો, પણ પાદશાહે વિશ્વાસ આપ્યો. તેવારે બોલ્યો કે, 'તે વખત મેં એમ કહ્યું, ઓ પ્રભુ ! પેલો માળી પાદશાહ થયો છે તે કરતાં બાપડો વધારે લાએક હતો.' પાદશાહ બોલ્યો, 'તેં બરાબર કહ્યું, ' તેં જેને ત્યાં જોયો એ હું જ છું. એમ ન સમજતો કે તેં મને પાદશાહ કર્યો છે. મને પરમેશ્વરે કર્યો છે.' પાદશાહે પછી પોતાની મૂળની વાત કહી. તે રજપૂત રાજાનો દીકરો હતો. તેને મોટો ભાઈ હતો. બાપ મૂવો ત્યારે મોટા ભાઈને ગાદી મળી ને એને તો જીવાત સારુ એક બે ગામ જ મળ્યાં. તેથી તે નારાજ થઈ બારવટે નીકળ્યો. લશ્કર ભેગું કરવાનો, દેશ લૂંટવાનો તથા પોતાના ભાઇને મારવાનો વિચાર કરતો કરતો તે જંગલમાં અયો, ને પેલા શિવાલય આગળ આવ્યો ત્યાં તેણે વિચાર્યું કે, 'અરે જીવ! મારા સ્વાર્થને સારુ આટલું બધું નુકશાન કરીશ તે કરતાં હું અહીં મસ્તકપૂજા કરું તો મારું કલ્યાણ થાય.' તરત એ મનસૂબો તેણે અમલમાં આણ્યો. તેના સાથીએ કહ્યું, 'જો એવું છે તો તું પાદશાહને પેટે કેમ ન જન્મ્યો?' તેણે જવાબ દીધો, 'મેં એક ભૂલ કરી. તે એ કે આ નદીમાં નાહી ધોઈ શુદ્ધ થયા વિના એમના એમ મેં મારું મસ્તક વાઢ્યું. તેથી માળીને ઘેર જન્મ્યો. તેથી માળીને ઘેર જન્મ્યો !' તું નિત્ય મારી સામું જોઈ હસતો હતો તે હું સમજતો; તું આપણી વાત જાહેર કરી મને ગાદી પરથી કાઢી મૂકવા યત્ન કરીશ તે વ્યર્થ જશે, માટે હોશીઆર રહેજે.' એ સાંભળીને તે સામીએ કહ્યું : 'સાંઈઆં[૧] (પરમેશ્વરથી) સબ કુચ હોત હે.

નોંધ:

  1. સાંઈઆ=સાંઈ=स्वामी 'રાઈ' એ 'રાયજી' , એ નામનો 'જી' કાઢી નાખતા થયેલું નામ છે. 'પરબત નામનો કોઈ પાદશાહ નથી, એને ફારસી કે અરબી ભાષામાં 'પરબત' એવો શબ્દ પણ અન્થી. 'પર્વત' ઉપરથી ભવાઈઆઓએ 'પરબત' કર્યું હોય, અને 'પરબત' કોઈ મુસલમાન પાદશાહ હશે એમ કલ્પ્યું હોય, એમ સંભવે છે. 'રોઈકું પરબત કરે' એનુમ્ ગુજરાતી ભાષાન્તર 'રાઈને પર્વત કરે' એવું થાય; તેને બદલે 'રાઈનો પર્વત કરે' એવું મને વધારે ઠીક લાગ્યું છે.