રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/જયંતી

વિકિસ્રોતમાંથી
← શ્રીમતી (બીજી) રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
જયંતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુનંદા (અભયકુમારની માતા) →


२१–जयंती

રાજા સહસ્ત્રાનિકની પુત્રી અને કૌશામ્બીના રાજા ઉદયનની ફોઈ હતી. રાજા તેનું ઘણું સન્માન કરતો હતો.

શ્રીમહાવીરસ્વામી એ સમયમાં ભારતવર્ષમાં જૈનધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. ફરતા ફરતા એ કૌશામ્બી નગરીમાં જઈ પહોંચ્યાં. ઉદયન રાજાએ એમના આગમનથી આખી નગરીને ઉત્તમ રીતે સજાવી અને ઘણીજ શ્રદ્ધાપૂર્વક મહાવીરસ્વામીની પધરામણી કરી, યથાવિધિ પૂજન કર્યું.

રાજકુટુંબની મહિલાઓ પણ મહાવીર સ્વામીનાં દર્શને આવી. બીજી બધી સ્ત્રીઓ તો પાછી ગઈ, પણ જયંતી જે પરમ વિદુષી અને જ્ઞાનપિપાસુ હતી તે ત્યાંજ બેસી રહી અને સ્વામીનો ઉપદેશ સાંભળવા લાગી. ઉપદેશ પછી તત્ત્વજ્ઞાનના કેટલાક ગૂઢ પ્રશ્નોની શંકાઓનું સમાધાન કરવાના હેતુથી તે પૂછવા લાગી: “હે ભગવન્ ! જીવ ભા૨કર્મી કેવી રીતે થાય છે ?”

મહાવીરસ્વામીએ ઉત્તર આપ્યો “જયંતિ ! અઢાર પાપકર્મ કર્યાથી જીવ ભારકર્મી થાય છે.” અને પછી તેમણે જીવહિંસા, અસત્ય ભાષણ, ચોરી, વ્યભિચાર, હદ ઉપરાંત ધન વગેરે એકઠાં કરવાનો લોભ, ક્રોધ, અહંકાર, માયા, છળકપટ, લોભ, અતિશય દ્વેષ, કલહ–કલેશ, ખોટું આળ ચડાવવું, ચાડી ખાવી, કોઈના ઉપર આસક્તિ, પરનિંદા, મૃષાવાદ અને મિથ્યાપણું એ અઢાર દોષ ગણાવી તે સંબંધી વિસ્તારથી વિવેચન કર્યું. ત્યાર પછી જયંતીએ પૂછ્યું: “ભવસિદ્ધિપણું જીવોને સ્વભાવથીજ છે કે પરિણામથી ? ભવસિદ્ધિવાળા બધા જીવો સિદ્ધિને પામશે કે કેમ ?” તેના મહાવીર સ્વામીએ ખુલાસા કર્યા. એટલે ફરી એણે પૂછ્યું: "ભગવન્ ! મનુષ્ય સ્વપ્નાવસ્થા કરતાં જાગ્રતાવસ્થામાં ઘણાં કર્મોનો બોજ બાંધે છે, માટે જીવો સૂતા હોય તો સારા કે જાગતા હોય તો સારા ?”

આ પ્રશ્નથી પ્રસન્ન થઈને મહાવીર પ્રભુ બોલ્યા: “જે જીવો ચારિત્ર્યધર્મને અનુસરીને ચાલતા ન હોય, જે વડીલની આજ્ઞા ન માનતા હોય, જેઓ ધર્મનો ઉપદેશ બીજાને ન કરતા હોય, ધર્મના ઉપર જેની ભક્તિ ન હોય, કુળાચારનું જે પાલન ન કરતા હોય, અનીતિ અને દુરાચારનું સેવન કરતા હોય, એવા મનુષ્યો પથારીમાં પડ્યા પડ્યા ઘોર્યા કરે એજ સારૂં; કેમકે તેઓ જાગતા રહે તો બીજા પ્રાણીઓને દુઃખનું કારણ થઈ પડે. એથી ઊલટું જેઓ સદાચારી, ધાર્મિક, પરોપકારી, સાધુસંત અને વડીલની સેવા કરનાર, નીતિ અને ધર્મને અનુસરીને ગુજરાન ચલાવનારા છે, તેઓ જાગતાજ સારા; કેમકે તેઓ જનસમાજનું તથા બીજા પ્રાણીઓનું અનેક પ્રકારે કલ્યાણ કરી શકે છે.”

ત્યાર પછી જયંતીએ પૂછ્યું: “જીવ બળવાન સારો કે નિર્બળ ?” તેનો ઉત્તર પણ ઉપર મુજબજ વિસ્તારથી સ્વામીજીએ આપીને જણાવ્યું કે, “પૂર્વે જણાવેલા પાપી જીવો દુર્બળ હોય તેજ સારૂં; કેમકે તેમના દુર્બળ હોવાથી બીજાં પ્રાણીઓ દુઃખથી બચે છે. વળી ઉપર જણાવી ગયો છું તેવા ધર્માત્મા જીવો બળવાન હોય તેજ સારૂં, કેમકે તેઓ પોતાના બળથી બધા પ્રકારના જીવનું રક્ષણ તથા કલ્યાણ કરે છે.”

જયંતીએ ફરીથી પ્રશ્ન કર્યો: “જીવો ઉદ્યમી સારા કે આળસુ ?” તેના ઉત્તરમાં સ્વામીજીએ જણાવ્યું કે, “ઉપર જણાવેલા ધાર્મિક જીવો ઉદ્યમી સારા; કેમકે તેઓ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, વિદ્યાર્થી, સંઘ તથા જનસમાજની સેવા કરે છે. વળી ઉપર જણાવેલા પાપી જીવો આળસુ રહે એજ સારૂં છે, કેમકે એટલો વખત તેઓ દુષ્કર્મથી નિવૃત્ત રહે છે.”

જયંતીએ જ્ઞાનને લગતા બીજા પણ પ્રશ્નોનાં સમાધાન કરાવ્યાં હતાં, તે ઉપરથી એની અસાધારણ વિદ્વત્તા અને શાસ્ત્રમાં પારંગતતાનો પરિચય મળી આવે છે.

હિંદુઓની મૈત્રેયી અને ગાર્ગીની બ્રહ્મજિજ્ઞાસાનો વારસો જૈન આર્યાઓમાં પણ પૂરેપૂરો ઊતરી આવ્યો હતો, એ જાણીને આપણને સગર્વ આનંદ થાય છે.