રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/તાઇબાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સાહેબકુંવરી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
તાઇબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ચૌબે લોકનાથજીનાં પત્ની →


४६–ताइबाई

થોડાં વર્ષ પહેલાં મુંબઈ ઇલાકામાં કરાડ પ્રાંત ભવાનરાવ પંત પ્રતિનિધિના તાબામાં હતો. ભવાનરાવના મૃત્યુ પછી એ પ્રાંત તેમના પુત્ર પરશુરામ પંતના હાથમાં આવ્યો. પરશુરામ પંતને ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંની એક જાતની ઘાંચણ હતી; પણ એ સૌથી વધારે પતિવ્રતા અને સદ્‌ગુણી હતી. તેનું નામ તાઇબાઈ હતું. પિતાના મૃત્યુ પછી રાજ્યનો કારભાર પરશુરામ પંતના હાથમાં આવ્યો, ત્યારે રાણીઓ ઘણી પ્રસન્ન થઈ અને પરશુરામ પંત પોતે પણ ઘણા ફુલાઈ ગયા. શા માટે ન ફુલાય ? સાધારણ મનુષ્યને પોતાના ઘરનો અધિકાર મળી જાય છે તોયે ખુશ થઈ જાય છે, તો પરશુરામ પંતને તો આખા પ્રાંતનો અધિકાર મળ્યો હતો; પરંતુ પોતાને મળેલા કામને પૂર્ણ પણે નિભાવવાની અને ચલાવવાની મનુષ્યમાં શક્તિ હોય છે, ત્યારે જ તેનું પૂર્ણ સુખ અનુભવાય છે. રાજ્યકારભાર ચલાવવો એ કાંઈ સહેલું કામ નથી. એને માટે તો ઘણી વિદ્વત્તા અને ચતુરાઈની જરૂર પડે છે. પરશુરામ પંતમાં રાજ્ય ચલાવવાની કોઈ યોગ્યતા નહોતી. એ ઘણોજ દુરાચારી હતો, તેથી લોકો તેની ઘણી ઘૃણા કરતા હતા. તાઇબાઈ પતિના બધા દોષો જાણતી હતી અને તેથી રાજ્યની લગામ તેના હાથમાં રહે એ તેને પસંદ નહોતું. જે દિવસે ભવાનરાવ પંતનો સ્વર્ગવાસ થયો, તે દિવસે બીજી બે રાણીઓ તો પોતાના પતિના હાથમાં રાજ્ય આવ્યાથી ઘણી ખુશ થઈ, પણ તાઇબાઈના મનમાં તો નવો ભય ઉત્પન્ન થયો કે, રખેને પતિની અશક્તિને લીધે રાજ્યમાં કોઈ જાતનો ઉપદ્રવ મચે.

પોતાથી બનતું ત્યાંસુધી તાઇબાઈ પતિને ઘણું સમજાવતી અને દુ:ખી પ્રજા ઉપર દયા અને ન્યાય કરવાની શિખામણ આપતી રહેતી; પરંતુ પરશુરામ પંત એ સોના જેવી શિખામણોને એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખતો. જ્યાં સુધી એ તાઇબાઈની પાસે રહેતો, ત્યાંસુધી તો એનાં આચરણ ઠીક રહેતાં, પણ તેનાથી દૂર જતાંવારજ એ પાછો જેવો ને તેવો તોફાની અને દુષ્ટ બની જતો.

આ પ્રમાણે ઘણો જુલમ વેઠવાથી પ્રજા પરશુરામ પંત ઉપર ઘણીજ નાખુશ થઈ ગઈ અને તાઇબાઈએ ઘણુંએ સમજાવ્યા છતાં, પણ તે શાંત થઈ નહિ અને પરશુરામના ઉપર ચઢાઈ કરવા તૈયાર થઈ. પરશુરામની માતાએ જ્યારે આ દશા જોઈ, ત્યારે એમણે રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લેવાનો નિશ્ચય કર્યો, પરંતુ પરશુરામે એમ કરવા દીધું નહિ. લાચારીએ માતાએ બાજીરાવ પેશ્વાની મદદ લીધી.

હવે રાજ્યનો વહીવટ માતાના હાથમાં આવી ગયો અને પરશુરામ મોં તાકતો રહી ગયો; પણ આટલાથી એ સંતોષ પકડીને બેસી રહ્યો નહિ. એણે સતારાના રાજાની મદદથી બાજીરાવ પેશ્વા ઉપર ચડાઈ કરી, પણ પરિણામ એ આવ્યું કે રાજ્ય ઉપર પોતાનો કબજો કરવાને બદલે, પોતેજ પેશ્વાના કબજામાં સપડાઈને કેદ પકડાયો.

આ અરસામાં તાઇબાઈએ થોડુંક લશ્કર એકઠું કર્યું અને મસુરના કિલ્લા ઉપર હમલો કરીને, પતિને પેશ્વાના પ્રતિનિધિ બાપુ ગોખલેના હાથમાંથી છોડાવી લીધો. એટલેથી એ સંતોષ પામીને બેસી ન રહી. એ જાણતી હતી કે, પેશ્વા જેવી જબરજસ્ત સત્તા સાથે યુદ્ધ કરવાથી પોતાનું કાંઈ વળવાનું નથી, પણ પરતંત્ર અવસ્થામાં રહીને, પેશ્વાએ આપેલું અન્ન ખાવું, એ તેના જેવી વીર સ્ત્રીથી કેવી રીતે સહન થાય? એટલા માટે એણે બાસોટાનો કિલ્લો પોતાના કબજામાં લઈ લીધો.

એક સ્ત્રીને હાથે હાર ખાધાથી બાપુ ગોખલે ઘણો શરમાઈ ગયો. એ કલંક ધોઈ નાખવા માટે તેણે સૈન્ય સાથે બાસોટાના કિલ્લા ઉપર છાપો માર્યો. છાપો તો માર્યો, પણ કિલ્લાની અંદર પેસવાનો લાગ મળ્યો નહિ. જે બાપુ ગોખલેએ ટીપુ અને હૈદર જેવા શૂરવીરોને દબાવી દીધા હતા, તેજ બાપુ ગોખલે એક સ્ત્રીથી રક્ષિત થયેલા બાસોટાના કિલ્લાની બહાર આઠ મહિના સુધી તંબૂ ઠોકીને પડ્યો રહ્યો; પરંતુ ઘણા પ્રયત્ન કર્યા છતાં, એ કિલ્લાને તે તોડી શક્યો નહિ. આ વખતે બાપુ ગોખલેને ઘણીજ  શરમ આવતી હતી. લોકો એની પાર વિનાની નિંદા કરતા હતા અને જ્યાં એ જતો, ત્યાં નાનાં નાનાં છોકરાંઓ પણ તાળીઓ પાડીને તેની મશ્કરી કરતાં હતાં.

તાઇબાઈ કિલ્લાની અંદર લશ્કરને સદા તૈયાર રાખતી અને લડાઈની વાટ જોયા કરતી. એ પોતાના સિપાઈઓ સાથે ઘણી માયાળુપણે વર્તતી. તેઓ પણ એને પોતાની માતાની સમાન ગણતા અને એનો હુકમ મળતાંવારજ પોતાના પ્રાણની જરા પણ પરવા ન કરતાં, સળગતી આગમાં પણ પડવા તૈયાર થતા. મનુષ્યના ક્રોધ આગળ તો મનુષ્ય પોતાનું રક્ષણ કરી શકે છે, પણ દેવી કોપ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. બિચારી તાઇબાઈને એ ખબર નહોતી કે કિલ્લામાં પોતે સુરક્ષિત છે, તોપણ વગર લડાઈએ યુદ્ધમાં હાર્યા વગર શત્રુના હાથમાં સપડાવું પડશે; પરંતુ જ્યારે મનુષ્યની પડતી આવે છે, ત્યારે અણધારી આફતો ગમે ત્યાંથી આવી પડે છે. તાઇબાઈના જીવનમાં પણ એજ પ્રમાણે બન્યું. જે ખાઈ મનુષ્યના પ્રાણ બચાવવા માટે ભરવામાં આવી હતી, તેજ ખાઈ મનુષ્યોનો સંહાર કરનારી થઈ પડી. દેવકોપથી અનાજની ભરેલી એ ખાઈમાં કોઈ પ્રકારે આગ લાગી અને બધું અનાજ બળીને રાખ થઈ ગયું. જે અન્ન ખાઈને આઠ મહિના સુધી જરા પણ ગભરાયા વગર તાઈબાઈનું લશ્કર દુશ્મનની સામે ટકી શક્યું હતું, તે અન્ન આમ એકાએક બળી જવાથી તાઇબાઈના લશ્કરના દુઃખનો પાર રહ્યો નહિ. ભૂખને લીધે તેઓ નિર્બળ થઈ ગયા. બહાર ગોખલેને એ વાતની ખબર પડી, એટલે એણે દુશ્મની નબળાઈનો લાભ લઈને કિલ્લા ઉપર ચડાઈ કરી. ચાર દિવસથી બિલકુલ ભૂખ્યા હોવા છતાં પણ, તાઇબાઈના સિપાઈઓ ખૂબ લડ્યા અને પેશ્વાના અનેક સિપાઈઓને ભોંયભેગા કરી દીધા; પરંતુ આખરે ભૂખને લીધે એમનું કાંઈ ચાલ્યું નહિ. પેશ્વાના સૈનિકો તાઇબાઈને કેદ પકડીને બાપુ ગોખલેની પાસે લઈ ગયા. બાપુ ગોખલેએ તેને બાજીરાવની પાસે રજૂ કરી. બાજીરાવે એ સન્નારીની ઘણી પ્રશંસા કરી અને તેને એક જુદા સ્થાનમાં આબરૂભેર રાખીને તેના ખાવાપીવાનો બંદોબસ્ત પણ સારી રીતે કરી આપ્યો.

આ ચરિત્રમાં તાઇબાઈની પતિભક્તિ તથા તેની બહાદુરી વખાણવા લાયક છે.