રામની વાડીમાં રામ આવીને ઊતર્યા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

રામની વાડીમાં રામ આવીને ઊતર્યા રે,

રામને શાનાં બેસણ દેશું, હે રામ !

કાયા વાડી રે રામે દાડમી.

રામની વાડીમાં જમરાનાં ઝાડ રે,

રામે વેડ્યાં છે દાડમ દરાખ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

ભાઇનો પાદર લગી રે સગો છોકરો રે !

ભાઇનું સ્મશાન લગી સગું કુટુંબ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

ભાઇની સોનલા કેરી ચિહા સીંચાઇ,

ભાઇની રૂપલા કેરી કાયા બળે, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

ભાઇનો સોનલા કેરો ધુમાડો રે,

ધુમાડો તો જાય રે આકાશ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.