રાષ્ટ્રિકા/કવિ નર્મદનું મંદિર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સ્વ. જાલભાઈ દો. ભરડાના પુણ્યસ્મરણને રાષ્ટ્રિકા
કવિ નર્મદનું મંદિર
અરદેશર ખબરદાર
કવિ નર્મદની શતાબ્દી →
.ધ્વનિત*[૧] .


વીર નર્મદ ! તું જંગમાં લડી જંગ ગયો;
તુજ વીરછબી નિરખી ચખ અશ્રુ ભરે !
કંઇ પુષ્પ નવાં ખીલતાં તુજ પ્રેમ-કરે
સ્થળ સર્વ વિખેરી દઈ કૃતકૃત્ય થયો;

તુજ પ્રેમઝરો નિશદિન અખંડ વહ્યો,
ભરી બંધુઉરે ભૂમિ કારણ દાઝ ખરે,
જહીં તેહ અમાસ પછી જ્યમ આભઉરે
ચઢતો અમીચંદ્ર દીપે ત્યમ દીપી રહ્યો !

તુજ પુષ્પ સુવાસિત છે હજી નૂતન હ્યાં,
દિનદિન નવીન સુભાવ ઉરે જગવે;
તુજ લેખ સ્વદેશની ભક્તિનું મંદિર છે,

જહીં દેશપૂજા પ્રીતથી કરવા શીખવે,
વળી પ્રેમ સુશૌર્ય બન્યું વીરજીવન જ્યાં,
ગુરુ નર્મદ ધન્ય ઊભો તહીં તું વીર છે !

નોંધ

  1. *મૂળ ઇટાલિયન કાવ્યસાહિત્યમાં ઉદ્‍ભવેલા "સોનેટ"ના પ્રકારને અંગ્રેજી સાહિત્ય મારફતે ગુજરાતી કાવ્યસાહિત્યમાં લાવવાનો દાવો રા. બ.ક. ઠાકોર કરે છે, પણ તે માત્ર ચૌદ લીટી પૂરતો અને વિચારના એક જ બિંદુ પર થતા કાવ્યના ઉઠાવના સંબંધમાં છે. બાકી એમણે લખેલાં કહેવાતાં સોનેટોમાંનું એક પણ સોનેટ યુરોપીય સાહિત્યમાં એની સિદ્ધ થયેલી વ્યાખ્યા પ્રમાણે લખાયેલું નથી જ. સોનેટની દેહરચના માટે આવૃત સંધિવાળા પ્રવાહી છંદની તેમજ પ્રાસાનુપ્રાસની જે ખાસ વિધિ યુરોપમાં સિદ્ધ થયેલી છે, તે એ સોનેટોમાં જળવાયેલી નથી જ. એ મૂળ વિધિ પ્રમાણે ખરેખરું સોનેટ ઇ.સ. ૧૯૦૩માં આ "કવિ નર્મદનું મંદિર" પ્રથમ જ લખાયેલું છે. એ ઐતિહાસિક સત્ય નોંધવું અહીં ઇષ્ટ ધાર્યું છે.
-૦-