રાષ્ટ્રિકા/ગુર્જરીનો અશ્રુપ્રવાહ (સ્વ. ગો. મા. ત્રિપાઠી)

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કવિ નર્મદની શતાબ્દી રાષ્ટ્રિકા
ગુર્જરીનો અશ્રુપ્રવાહ*[૧](સ્વ. ગો. મા. ત્રિપાઠી)
અરદેશર ખબરદાર
મટુભાઈ હ. કાંટાવાળા →ગુર્જરીનો અશ્રુપ્રવાહ*[૨]


(મંદાક્રાંતા)

ઊભાં ઊભાં ગહન ગજશાં વૃક્ષ ગંભીર ડોલે,
પંખીડાં ત્યાં મધુર સ્વરથી નાચતાં કંઠ ખોલે;
ધીમે ધીમે રસિક રમતી મીઠડી લ્હેર આવે,
ને પુષ્પોમાં મધુર રસ ત્યાં રેડતી જાય ભાવે. ૧

ઊડી ઊંચે ફુદડી ફરતા મોતી વેરે ફુવારા,
હંસો દોડી રમત કરતા એ ઝીલે દિવ્યધારા;
આજૂબાજૂ વિટપ તરુની છે ઘટા મોહકારી,
ઝુલી જ્યાં ત્યાં નવલ કુસુમો એ વિભા દે વધારી. ૨

આકાશેથી શશી રવિ તથા તારલા તેજ સીંચે,
તેમાં ના'તાં તરુ કુસુમ સૌ વાયુ-ઉત્સંગ હીંચે;
રામાકેરાં રસનયનશા સોહ્ય છે માંહ્ય ક્યારા,
ભૂરે વ્યોમે રસ ટપકતી ઝીલી લે સ્નેહધારા. ૩


પાસે વ્હેતું અમરઝરણું કાલરેખા સમું ત્યાં,
ઊંડા એના ઉરસલિલમાં તત્ત્વ છે કૈંક ગૂંથ્યાં;
એ લીલામાં સુભગ ઝગતી વાટિકા આ હસંત,
આવી જાણે રસરસ થતી આ વિરાજે વસંત ! ૪

(વસંતતિલકા)

એ વાટિકામહીં વસે અધિદેવી એની,
ગાઈ ગયા જગ ઘણા જન કીર્તિ જેની;
પ્રેમી, સુકોમલ, વિલાસી, મીઠી, રસીલી,
દેવી જુએ ફરતી આજ વસંત ખીલી. ૫

જે દેવમૂર્તિ પ્રિય બાલક સ્નેહમીઠાં
પામ્યાં પ્રસાદ અમી દેવીકરેથી દીઠાં,
આ વાટિકામહીં પ્રીતે સહુ તે પધારે,
દેવીતણું ઉર ભરે કલગાનધારે. ૬

બેસી તહીં ઝરણ પાસ વિલાસી દેવી
એ બાળની રમત સ્નેહથી જોય એવી :
કો મોરલી નિજ ઘડીભર ત્યાં સુણાવી
ચાલી જતું પલકમાં નિજને છુપાવી. ૭

કો પુષ્પ સાથ રમતું રમતું હસે છે,
કો પક્ષીને પકડવા ધૂનમાં ધસે છે :
દેવી વિહાર સહુનો હરખાતી જોતી
વેરે અમીકુસુમ સર્વની પાસ મો'તી. ૮

(અનુષ્ટુપ્)

એવા રમ્ય વિલાસોમાં દેવીના દિન જાય છે,
કદી કો બાલવિયોગે દેવીમુખ મુઝાય છે. ૯

તથાપિ બાલકો બીજાં આવીને દેવી રીઝવે,
સૌનાં કાલાં વચનો ને મીઠડાં ગાન ત્યાં સ્ત્રવે. ૧૦


(વસંતતિલકા)

દેવી તહીં ઝરણ આગળ એક દિને

એ વાટિકાતણી વસંત જુએ ઠરીને :
કૈં બાલકો તહીં રમે ફરી આસપાસ,
ને વાટિકામહીં અનન્ય કરે વિલાસ. ૧૧

ગંભીર એક તહીં સુંદર બાળ આવ્યો,
તે મોરલી નિજ સુહસ્ત વિચિત્ર લાવ્યો ;
સ્નેહાંગુલી સહજ ફેરવી વેણુ વાઈ
છાયાં બધાં ઉર અલૌકિક ગાન ગાઈ ! ૧૨

મધ્યે શિરે સરસ્વતી ચંદ્ર શોભે,
પૃગે પ્રભા અતુલ જેહની વિશ્વમોભે;
ને અંગુલીમહીં પ્રફુલ્લ સુગાનભદ્રા
દીપે કરે વિરલ અદ્‍ભૂત સ્નેહમુદ્રા ! ૧૩


દેવીતણે ચરણ બાલક એ પડ્યો ત્યાં,
આશિષ શીર્ષ લઇ કાંઇ લીધી પ્રતિજ્ઞા;
બેઠો પછી ઝરણને તટ એ જઇને,
પ્યારો ઘણો હૃદય દેવીતણે થઇને. ૧૪

જાણે નહીં રજનિ કે દિન બાળ એ તો,
જાણે નહીં કનકપુષ્પપ્રવાહ વ્હેતો;
તે મોરલી નિજ અલૌકિક એકતાને
વાતો ભરે જગત મોહ અપૂર્વ ગાને ! ૧૫

ડોલાવી દીધી સ્વરમાં નિજ વાટિકા તે,
સૌ બાળ પંખી ઝીલી લે સ્વર ભાતભાતે;
દેવી તણી રસિક સુંદર ગાઇ લીલા,
ઊંડા વને વિરલ રાગ ભર્યા રસીલા. ૧૬

દેવી સુણે અમર અદ્‍ભૂત વેણુ એની,
બેસી વિલીન લહરીધૂનમાંય તેની :
ધીમે ધીમે ઝરણવારિ વધ્યાં જ જાય,
ના દેવી કે રસિક બાળ જુએ જરાય ! ૧૭(સોરઠા)

સહસા ધસતો ત્યાંય ખળકો આવ્યો જળતણો,
લઇને નિજ ઉરમાંય, ગયો લપેટી બાળને ! ૧૮


તૂટ્યા તૂટ્યા સૂર રહી ગયા તે વેણુના;
ખળકો ચાલ્યો દૂર, બાળ અદૃશ્ય થઈ ગયો ! ૧૯


(ઉપજાતિ)

અંધાર આકાશ વિષે તણાયો,

અને કડાકો ઝટ સંભળાયો,
ને વીજળી ત્યાં પડી વ્યોમ ચીરી :
દેવી ઊઠી ત્યાં ચમકી અધીરી ! ૨૦

દેખાય ના બાળક તે કિનારે,
ના વેણુના સૂર સુણાય ત્યાં રે !
ધસી ફુંફાડે ઝરણું વહે છે,
રે સ્તબ્ધ ત્યાં દેવી થઈ રહે છે ! ૨૧

અને પડી ત્યાં વીજળી ફરીથી,
તે વાટિકાને ચમકાવી દીધી;
ને દેવીએ દૂર પડેલી દીઠી
તે મોરલી અદ્‍ભૂત, ભવ્ય, મીઠી ! ૨૨

સ્નેહે લઈ વેણુ કરે ઉપાડી,
દાબી ચૂમી તે હૃદયે લગાડી,
દેવી રડે ત્યાં અતિ શોક ઊંડે :
વસંત એ અશ્રુપ્રવાહ બૂડે ! — ૨૩

(ગરબી*[૩])

“મીઠા મોરલીધર ગુર્જરીના બાલુડા !
વિશ્વવિલાસસુવાસભર્યાં તુજ વેણ જો !
ક્યાં તુજ પગલાં પનોતાં પાથરે !
સ્વર્ગપ્રભા ઝરતાં રસિયાં તુજ નેણ જો !
મીઠા મોરલીધર ગુર્જરીના બાલુડા ! ૨૪

ઊંડા દિવ્યપ્રદેશથકી સરી આવતી
મોંઘેરી તારી મોરલીની તાન જો !
મધુરાં, કોમલ, સ્નેહરસ્યાં, સુણાવતી
ગંભીર, ઊંડાં મનુજહૃદયનાં ગાન જો !
દૈવી મોરલીધર ગુર્જરીના બાલુડા ! ૨૫

“સૂની સૂની લાગે આ મુજ વાટિકા :
બાળકડાં પંખીડાં દીન મુઝાય જો !
તું જ્યાં બેઠો ત્યાં નહિ કોઇ ઊડી શકે :
વિલાસ મારા અધુરા રે રહી જાય જો !
મોંઘા મોરલીધર ગુર્જરીના બાલુડા ! ૨૬

"મુજ ઊંડી આશાના વહાલા વીરલા !
મૂકી ગયો જે મોરલી તુજ આ ઠાર જો,
તેમાં તારાં અધૂરાં સ્વપ્ન કળીશ હું :
એ મુજ દંડ અને મુજ કરશણગાર જો !
મંગલ મોરલીધર ગુર્જરીના બાલુડા ! ૨૭


“તુજ રવ મધુરા મધુરા સઘળે સાંભળું :
તેજતિમિરમાં હસતું મુખ તુજ જોઉં જો :
પ્રેમઝરણમાં નિર્મલ ઉર ના'તો દીસે :
એ તુજ રાસ અખંડ વિષે ચિત પ્રોઉં જો !
મોહન મુરલીધર ગુર્જરીના બાલુડા ! ૨૮


(ઇંદ્રવજ્રા)

દેવી રડે છે અતિ શોક ઊંડે,

ને ચક્ષુઓ અશ્રુપ્રવાહ બૂડે;
હાથે ધરી તે પ્રિય મોરલીને
દેવી પડે ત્યાં મુખ આંસુભીને. ૨૯

દેવી રડંતાં સહુ બાળ રોય;
વર્ષા અહીં આજ વસંત જોય !
ને વાટિકા અશ્રુ વિષે તણાય : -
વાયુ ગયો - પુષ્પ તૂટ્યું જણાય ! ૩૦

(દ્રુતવિલંબિત)

તિમિર ત્યાં ખસતું ઝરણાતટે,
તુમુલ વારિ ધીમે જ ધીમે ઘટે;
અકલ એ વિધિચક્ર વિચારતી,
કંઇક દેવી ઊઠે ધીર ધારતી. ૩૧


  1. * સાક્ષરવર્ય ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો સ્વર્ગવાસ : તા. ૪ થી જાન્યુઆરી ૧૯૦૭.
  2. * સાક્ષરવર્ય ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો સ્વર્ગવાસ : તા. ૪ થી જાન્યુઆરી ૧૯૦૭.
  3. * "ઓધવજી સંદેશો કહેજો શ્યામને" - એ ચાલ.