રાષ્ટ્રિકા/ઘંટા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ગુર્જર વીરાંગના રાષ્ટ્રિકા
ઘંટા
અરદેશર ખબરદાર
ધર્મને પંથે →


ગાઢ થયાં અંધારાં, વીરા ! તારા જાય ઝુમાઈ :
અવસર થયો ઉષાનો, ઊઠો ! પ્રભુની આવી વધાઈ :
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !--

સૂર્ય ફરી ઊગશે ન કદી શું ? ઊંઘ નહીં શું ઊડશે ?
આશાની નૌકા શું સદાની એ અંધારે બૂડશે ?
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૧

નહિ, નહિ, વીરા ! શબ્દ સનાતન ઊતર્યા ફરી પ્રભુકેરા :
જગત બધું આ ધૂણી ઊઠ્યું : છે એ સંકેત અનેરા !
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૨

નહિ જ તિમિરનાં સૈન્ય ડગાવે, નહિ જ દિગંતદિવાલો :
પૂર પ્રભાનાં ચડ્યાં, પછી શો તિમિરતણો ભય ઠાલો ?
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૩

માંડે ધરતી ધગધગવા ને બળતાં ચડે ગગનમાં :
પાંખ પ્રસારી ધસે ગરુડ ત્યાં, તેજ ભરી એ તનમાં !
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૪

વિધિનું વહાણું વાયું, વીરા ! પી લ્યો પ્રાણકટોરા !
ઘંટા વાગે : શું ન તમારે હૈયે પડ્યા ટકોરા ?
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૫

શું વાદળનાં જૂથ ડરાવે ક્રોડ કિરણના ભાલા ?
એક સૂર્ય પૂર્વે ઊગે ત્યાં સૌ તમબંધ નમાલા !
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૬

જન્મ કશો, ને મૃત્યુ કશું ? સૌ છે જીવનની લીલા :
આજ કરો કર્તવ્ય જ વીરા ! એક બનો ટેકીલા !
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૭

જાગે તેનાં છે અજવાળાં, નહિ તેનાં અંધારાં :
ઘંટા વાગે : અંતર જાગે : ધનધન થયાં સવારાં !
ઘંટા ઘણઘણ ઘણઘણ થાય !-- ૮

-૦-