રાષ્ટ્રિકા/ભરતભૂમિનું જયગીત

વિકિસ્રોતમાંથી
← સિંહવીર રાષ્ટ્રિકા
ભરતભૂમિનું જયગીત
અરદેશર ખબરદાર
દેશભક્તની યાચના →



ભરતભૂમિનું જયગીત


લાવણી

ભરતભૂમિના શૂરપુત્ર તે રહ્યા અમે શું રડી રડી ?
રહ્યા અમે શું રડી રડી ?
ખળખળતા ઊછળે બીજા ત્યાં રહ્યા અમે શું પડી પડી ?—

શું ગયા રામ ને કૃષ્ણ અમારા વીરા ?
ભીમાર્જુન આદિ ગયા શું પાંડવ ધીરા ?
શું ગયા દ્રોણ ને કર્ણ, ભીષ્મ ભડ ગાજી ?
પૃથુ, જયમલ, સિદ્ધ, પ્રતાપ અને શિવાજી ?
એ સહુ વીરોએ વરસાવી જ્યાં શૌર્યતણી ખૂબ ઝડી ઝડી,
શૌર્યતણી ખૂબ ઝડી ઝડી,
ભરતભૂમિના શૂરપુત્ર તે રહ્યા અમે શું રડી રડી ? ૧


ક્યાં ગંગા, જમુના વળી બ્રહ્મપુત્ર સરિતા તે ?
ક્યાં સિંધુ, તાપી, નર્મદા, સાભ્રમતી ક્યાં તે ?
ક્યાં કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી ?
ક્યાં મહાનદી ને મહી ? — શૂરજળઘેરી !
એ સર્વ નદીનું પૂર ઊછળતું ગયું હવે શું ચડી ચડી ?
ગયું હવે શું ચડી ચડી ?
ભરતભૂમિના શૂરપુત્ર તે રહ્યા અમે શું રડી રડી ? ૨

ક્યાં ગયું બ્રહ્મનું તેજ ? શૌર્ય ક્ષત્રીનું ?
ક્યાં ગઈ વૈશ્યની વૃત્તિ ? - થયું સહુ હીણું ?
શું ગયા શૂર રજપૂત, ધરા ધ્રૂજાવી ?
શું ગયા મરાઠા વીર, આણ વરતાવી ?
એ સહુની હવે શું કથી કથીને વાત જ કરશું બડી બડી ?
વાત જ કરશું બડી બડી ?
ભરતભૂમિના શૂરપુત્ર તે રહ્યા અમે શું રડી રડી ? ૩

શી યુરોપકેરી ધજા આજ ફરકાયે !
શી વૃદ્ધિ કરી છે આજ અમેરીકાએ !
જાપાન મચ્યું શું આજ, ધરા કંપાવી !
જગ જોઇ રહ્યું છે શૌર્ય, કુતુક દર્શાવી !
શું અમે જ ત્યારે સૂતા થાકી ખૂબ પરસ્પર લડી લડી ?
ખૂબ પરસ્પર લડી લડી ?
ભરતભૂમિના શૂરપુત્ર તે રહ્યા અમે શું રડી રડી ? ૪


"શું હૃદય થયાં છે આજ શૂન્ય કંઇ એવાં,
"લાગે ન કટુવચનબાણ વજ્રનાં જેવાં ?
"શું ગયું હવે ચૈતન્ય ? જડત્વ સમાયું ?
"શું દેશભક્તિનું પ્રેમઝરણું સૂકાયું ?" -
રે વીરબંધુઓ ! એ હીનશબ્દો સુણશું ક્યાં સુધી ઘડી ઘડી ?
સુણશું ક્યાં સુધી ઘડી ઘડી ?
ભરતભૂમિના શૂરપુત્ર શું સદાય રહીશું રડી રડી ? ૫

શું પડશું નહિ મેદાન, શૌર્યથી ઘૂમવા ?
શત્રુને નાખવા હેઠ પાદરજ ચૂમવા ?
કેસરિયાં ધરીને અંગ ઉમંગ ઊમળકે
શું ઘૂમશું નહિ રણમાંહ્ય રુધિર ઊછળતે ?
શું બુઠ્ઠી થઇ તલવાર અમારી, ફરી ન થાશે ખડી ખડી ?
ફરી ન થાશે ખડી ખડી ?
ભરતભૂમિના શૂરપૂત્ર તે રહ્યા અમે શું રડી રડી ? ૬

અમ હૃદય શૌર્ય-અંગાર નથી હોલાયો,
સમયે દાવાનળ સમો ઊલટશે ચાહ્યો !
માતાની ધજાની હેઠ અમે ઘૂમીશું,
જયજય જયજય જયકાર રણે ગજવીશું !
એ આશ અમારી જયગીતે ને જયડંકાએ જડી જડી,
જયડંકાએ જડી જડી !
ભરતભૂમિના શૂરપુત્ર તે સદા ન રહીશું રડી રડી ! ૭