રાષ્ટ્રિકા/ભારતયજ્ઞની જ્વાળા

વિકિસ્રોતમાંથી
← સાવધાન ! રાષ્ટ્રિકા
ભારતયજ્ઞની જ્વાળા
અરદેશર ખબરદાર
રણહાક →
લાવણી






ભારતયજ્ઞની જ્વાળા


• લાવણી •


થંભો, થંભો ! રવિ, શશી, તારા, સુરવર, મુનિવર, થંભો !
જગતે જુદ્ધ ન જોયું કદી તે જોવા ઘડીભર થંભો !
જયજય ભારતે હો !

તીર નથી, તરવાર નથી, નથી બંદુક તોપ તમંચા :
એક આત્મનું બળ સત્યાગ્રહ : વ્યર્થ સકળ જડ સંચા !
જયજય ભારતે હો !

સગપણ તોડ્યાં, સ્વજન વછોડ્યાં, અંતર સ્નેહી છોડ્યાં :
એક માત ભારત માટે આ ક્રોડ જીવન છે જોડ્યાં !
જયજય ભારતે હો !

ઝેર નથી, કો વેર નથી, નથી અરિ પર કહેર ગુજરતો ;
હાડ તૂટે, કે શીશ ફૂટે, પણ પાય અડગ ડગ ભરતો !
જયજય ભારતે હો !


થંભો, થંભો ! અરિ વરસાવે આભ થકી અંગારા :
બળતી લાહ્ય ન એ પિગળાવે અંતર હિમના ભારા :
જયજય ભારતે હો !

હો વીરા ! વીજળી સમ પડતી શીશ તડોતડ લાઠી :
એ લાઠી જ થશે આખર તો ભારતધ્વજની કાઠી !
જયજય ભારતે હો !

બળબળતી લૂ વરસે શિર કે મેઘ જ મૂશળધારે :
ધન્ય સહનતા ક્ષમા ધરાની ભારતજન સંસ્કારે !
જયજય ભારતે હો !

મરવું છે જીવવાને માટે, લડવું છે ફરી ચહાવા :
સ્નેહ ક્ષમા છે માનવ કેરી માનવતા જ ગણાવા :
જયજય ભારતે હો !

વિશ્વ સકળ ઝબકારી રહી આ ભારતયજ્ઞની જ્વાળા :
જયો જયો ! ભડ અદલ વીરો ! હો ભારતયશ રખવાળા !
જયજય ભારતે હો !