રાષ્ટ્રિકા/મલબારીના સ્વર્ગસ્થ આત્માને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← એક સ્મરણ (સ્વ. કેખુશરો ન. કાબરાજી) રાષ્ટ્રિકા
પ્રકરણ નામ
અરદેશર ખબરદાર
મહાત્મા ગાંધીને ચરણે →
રાગ કાફી – ધીરાના પદની રાહ


<poem>

દુખીયારાંના બેલી રે, પાંગળિયાંની પાંખડી ! રોતી ગયો શું મેલી રે હિંદ મૈયાની આંખડી !

ઊંચી ઊંચી તુજ મેડી આકાશે, નીચા અમારા વાસ; તોય હૃદય તુજ નીત્ય ધડકતું, દૂભતું બની દીન દાસ: સેવા કીધી સાચી રે, જાણી ના તેં જડઝાંખડી; ભૂલે તે શું ભવમાં રે, હિંદ મૈયાની આંખડી ? ૧

રોતાંને જઇ રોકતો, વીરા ! રોતો આંતર આપ; હિંદ મૈયાના દીન હૃદયની શુદ્ધ બન્યો તું ખાપ; તજી રત્નજડીત મોજડી રે, પહેરી કઠણ પદ ચાખડી; આજે કોણ જ લોહશે રે હિંદ મૈયાની આંખડી ? ૨

પૂર્વના પર્વત ને પશ્ચિમના સાગર ઘૂરકી રહ્યા અંધભાવ ; શ્વેત ધજા તુજ ત્યાં રણ રોપી તેં કીધો અમૃત પ્રસ્તાવ : બંધુતાની બાંધી રે સહુને તેં દિવ્ય રાખડી ; જોતી સ્વપ્ન મોંઘેરા રે હિંદ મૈયાની આંખડી ! ૩

ગાજે ગગન ઘનઘોર ફરી ને વીજ કરે ચમકાર; પડતાં પ્રલયના પડઘા પશ્ચિમમાં ખખડાવે અમ દ્વાર; સૂઝે નવ ત્યાં સીધી રે વાટ દિસે બહુ વાંકડી; ધીરજ ત્યાં ક્યમ ધારે રે હિંદ મૈયાની આંખડી ? ૪

બંધુતા પૃથ્વી ને સ્વર્ગની સાધી તેં, વિભુના વહાલા હો વીર ! તો અમ આશ રહી તુજમાં, તું દૂત બને અમ ધીર: પ્રભુજીને વિનવજે રે, રક્ષે મૈયા રાંકડી, હાસ્ય પૂરીને ઠારે રે હિંદ મૈયાની આંખડી ! ૫

સૂર્ય ચંદા ને તારલા સાથે વરસતા નીત્ય ઉજેશ, ધર્મ અને દેશોન્નતિ કેરા મોંઘા તુજ સંદેશ: મળજો વીર મલબારી રે ફરજ ઊભી જ્યાં જ્યાં ખડી ! ભૂલે સ્મૃતિ શું તારી રે હિંદ મૈયાની આંખડી ? ૬

-૦-