રાષ્ટ્રિકા/મહાત્મા ગાંધીને ચરણે

વિકિસ્રોતમાંથી
← મલબારીના સ્વર્ગસ્થ આત્માને રાષ્ટ્રિકા
મહાત્મા ગાંધીને ચરણે
અરદેશર ખબરદાર
વિધિની વાટે →
ખંડ હરિગીત
(એમની પચાસમી વર્ષગાંઠને શુભ દિને : રવિવાર તા. ૨૧-૯-૧૯૧૯)



મહાત્મા ગાંધીને ચરણે

(એમની પચાસમી વર્ષગાંઠને શુભ દિને : રવિવાર તા. ૨૧-૯-૧૯૧૯)

ખંડ હરિગીત



ગાંધર્વ આવો ગગનના !
સૂર તમ સુરસદનના
સ્નેહે ભર્યા,
સત્યે ઠર્યા,
દ્યો આજ મોંઘા કવનના !
આવો, ગવૈયા, સ્વર્ગના સુરસાજમાં,
આવો અમારા સત્યસ્નેહસમાજમાં !
ખગ સર્વ મધુકંઠી મળો !
મધુર લહરીઓ ભળો !
પાછા ફરો પડછંદ સામ અવાજમાં !
સંગીતદેવી ! કાવ્યદેવી ! સર્વ આજે આવજો !
અહીં અમર મોહનગાન સહુ સાથે મળી ગવડાવજો !



મોંઘો અમૂલ્ય પ્રસંગ આ,
છે અતુલ્ય ઉમંગ આ;
પ્રિય હૃદયના
સુરવિજયના
મોંઘા અમારા રંગ આ:
એ રંગમાં ક્યમ એકલા અહીં મહાલિયે ?
આ લોક ને પરલોક સાથ ઉજાળિયે :
શિર જેનું અડતું સ્વર્ગને
ધારતું રવિગર્ભને,
ના ભૂલતું તે આ ધરા પણ ભાળિયે :
એ આત્મનો ઉત્સવ ઊજવવા, સુરજનો ! પૃથ્વીજનો !
આવો બધા, અહીં ગાંઠિયે નવપ્રેમગાંઠ પતીજનો !


એ ગાંઠનારો કો હશે,
જગ બધું જે મોહશે
સદ્‌વચનથી
સન્મથનથી
જે આંસુ જનનાં લોહશે?

જેને જડીબુટ્ટી મળી કલ્યાણની,
જેણે ઘડી પૂરી મહત્તા પ્રાણની,
વનવન વિષે જે આથડ્યો,
અસુરશું નિર્ભય લડ્યો,
સત્યે જ જડતો વાત જે નિર્માણની:
માનવહ્રદયના રોગને ઝટ પારખી દે સાર તે,
એવા વસાણાં રાખનારો ગાંધી એક જ ભારતે !


ક્યાં શુદ્ધિ જોઈ ધર્મની,
મન, વચન ને કર્મની ?
ભારત ! ખરે
જુગજુગ ધરે
મોટાઇ એ તુજ મર્મની !
રાખ્યું હરિશ્ચંદ્રે અમોલું સત્ય જે,
ટેકી અડગ પ્રહ્‌લાદ કેરું કૃત્ય જે,
ભારતતણા ઇતિહાસમાં
છે રહ્યું ચિરવાસમાં,
એ સત્યની જુગજુગ બતાવી ગત્ય જે:
તે ના રહે ઢંકાઇ અહીં અજ્ઞાન કેરી આંધીએ;
કળિયુગ વિષે એ સત્ય તો રાખ્યું મહાત્મા ગાંધીએ !



વ્યાપ્યો અધર્મ બધે ઘણો
કારમો માયાતણો;
આ દેશમાં
મન ક્લેશમાં
ચાલ્યાં વિનાશી ધર્ષણો:
દીસે હરાઆં તીર્થ કેરાં તેજ હા,
ના આજ ગંગાસ્નાન તારે સહેજ હા;
ના પેટભર ભોજન મળે,
બાળ ભૂખ્યાં ટળવળે,
છે મેઘ સૂકાયા બધે ગગને જ હા;
એ સત્ય ખૂટ્યું ત્યાં બધે ખૂટે જ સુખના સાધનો; —
એ સત્યને સ્થાપે ફરી આ વીરલો ગુજરાતનો !


એ વીર આજ વધાવિયે,
સ્નેહ પુષ્પો લાવિયે;
નવજીવને
નવઉરધને
એ સત્ય આત્મ સમાવિયે.

જેણે ન જાણી કોઇ દિન પણ ક્રૂરતા;
જેની અખંડ જણાય યૌવનશૂરતા :
જે નિજ મહાસંયમથકી,
ધર્મમય ઉદ્યમથકી,
નિજ શત્રુને પણ સ્નેહપિંજર પૂરતા;
જે કર સર્યા મણકા વિરલ એ ભવ્ય જીવનમાળના,
તે અમ શિરે તપજો સદા ! ન પ્રહાર લાગોઇ કાળના !


મોહન ! અમારા વીર હો !
સાધુ , દાના , પીર હો !
સુકુમારતા
ઉર ધારતા
અલમસ્ત મીર ફકીર હો !
મોહન ! તમારી પ્રાણમોહન બંસરી !
મોહન ! તમારી સત્ત્વદોહન બંસરી !
સહુ મોહને વિસરાવતી,
રસ અખંડ જમાવતી,
મોહન ! તમારી બ્રહ્મસોહન બંસરી !
વાજો અખંડ પ્રવાહથી, સહુ સ્થિર થઈ સુણિયે અમે :
એ રસ ટપકતા શબ્દ ઝીલી આત્મમાં ધૂણિયે અમે !



વીરા ! લળે ઉર કેમ ના?
આ મહોસત્સવ હેમના
ભારત વિષે
થળથળ દિસે:
લ્યો નમન આ અમ પ્રેમનાં !
વીરા ! તમારું તેજ હ્રદય જગાડજો !
અમ જીવને તમ સત્ય બીજ ઉગાડજો !
અમ કુંજ લીલો થાય આ,
ભારતે રસ છાય આ,
ગંગા ફરી દેવત્વભર વહેવાડજો !
તમ જ્યોતથી અહીં ક્રોડ જળજો જ્યોત સત્ય સમાધિની !
ભારત વિષે ઘરઘર થજો જયજય મહાત્મા ગાંધીની !