રાષ્ટ્રિકા/હરિપુરા મહાસભાએ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હિંદનું ઊગતું પ્રભાત રાષ્ટ્રિકા
હરીપુરા મહાસભાએ[૧]
અરદેશર ખબરદાર
દેવીનું ખપ્પર →
પદ [૨]આવો રે આવો રે મોંઘાં ભારત ભાંડુડા સર્વે,
આવો રે ગુણવંતી ગુજરાતે હો જી !
કોડભર્યા ક્રોડ હૈયાં ઝંખે તમ સેવા કાજે,
આજે હૂંફ લઈશું દિલની વાતે હો જી. ૧

હરિધામ જેવી હરીપુરાની આ ઝૂંપડીએ
ભારતમાતાનું રુદિયા ધબકે હો જી :
જુગજુગના દબાયા ભાવો સિંધુશા ઊછાળા નાખે,
આંખે લાખ વીજળીઓ ઝબકે હો જી ! ૨

ગીતાના કહાનાની ભૂમિ, દયાનંદ સ્વામીની ધરણી,
દાદાની ગાંધીની ગરવી જનની હો જી :
ધન ધામ ધારા જેના પુત્રોએ વીરત્વે ત્યાગી
રાખી છે લાખેણી લાજ વતનની હો જી. ૩

ધર્મધજા માતાની આ આભે ફરી ઊડી રહી,
ક્હાનાની બંસરી ફરી બાજે હો જી :
ગામોગામના હો તમે આવો રે ગોવાળિયાઓ,
માતાના મોંઘેરા ઓચ્છવ કાજે હો જી ! ૪

નંદનવનમાં આજે પાછાં રાધાજી રમવાને આવે,
ધેનું દોહી દૂધ તાજાં પાશે હો જી;
ગોપ અને ગોપીઓના રાસ કૈં રચાશે નવા,
ક્હાનુડો નવેલી બંસી વાશે હો જી ! ૫

રામમોહને દયાનંદે સ્મરાવ્યા ભૂલેલા સૂરો,
દાદા ઉઘાડી ઢાંકી આંખો હો જી;
બેઝંટે ટિળકે મહમદઅલીએ ખોલાવ્યાં મુખો,
ગાંધીએ ઉડાવી પ્રાણપાંખો હો જી ! ૬

એક પછી એક પીધા ઝેરના કટોરા ઝાઝા,
ઝેરમાંથી અમૃત નિચોવ્યાં હો જી;
આજે તો આઝાદી કેરાં રણશિંગા ફૂંક્યાં બધે,
પ્રાણે પ્રાણે સેવાવ્રત પરોવ્યાં હો જી. ૭

વહાણેલાં વાયાં છે તોય સૂરજ નથી રે ઊગ્યા,
હજી છે દિગંતે વાદળ ઘાડાં હો જી,
પાંખે પાંખ પ્રાણે પ્રાણ મેળવી ઘસો સૌ સાથે,
વિખેરી દ્યો વાદળ પડ્યાં આડા હો જી ! ૮

સંતોએ વીરોએ તાપ તાપ્યાં છે હજારો, તોયે
હજી યે ન થયાં પ્રાછત પૂરા હો જી :
ભરો રે ભાંડુડા ! હજી ખપ્પર એ કાળકેરાં,
સતની રે કઢાએ પડો શૂરાં હો જી ! ૯

ઘેરાં આ ઘેરતા દીસે ચારે રે દિશાનાં નેણો,
અસુરોનાં પૂર બધે ઉલટે હો જી :
રખે રે ચૂકો હો વ્હાલાં ! નિશાન તમારું કદી,
અંધારા ફોડીને દિન પ્રગટે હો જી ! ૧૦

આજે રે ભાંડુડાં ! જરી માતાકેરી ગોદે બેસી
સુખદુ:ખ કેરી વાતો કરિયે હો જી;
નાનાંમોટાં, કાળાંગોરાં, નબળાંસબળાં, સૌએ સાથે
માતાને મંદિરે જીવન ધરિયે હો જી ! ૧૧

આવો રે આવો રે મોંઘાં ભારત ભાંડુડાં, આવો !
માતા કેરો બોજ લ્યો ઉઠાવી હો જી !
ધર્મ કેરી વાટે પડી કર્મ કેરાં ઘાટ જીતો –
        ક્હાનાની ભૂમિના એ જ ભાવિ હો જી ! ૧૨

નોંધ

  1. ઈ.સ. ૧૯૩૮
  2. ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદ, પિયા ! પરદેશે ન જાના હો જી.” – એ ભજનની રાહ.
-૦-