રાષ્ટ્રિકા/હિંદનો મંદવાડ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← રાષ્ટ્રિકા/હિંદના વાસી - સર્વ સંન્યાસી રાષ્ટ્રિકા
હિન્દનો મંદવાડ[૧]
અરદેશર ખબરદાર
રાષ્ટ્રિકા/ભરતસમાજની ભક્તિ →
રાગ પીલુ-તાલ ત્રિતાલ [૨]


આજ પડી મુજ હિન્દ હ્યાં માંદી,
રે કોઇ આવીને ટાળો કુવ્યાધિ ! – આજ

રગરગ રોગ ગયો ખૂબ વ્યાપી,
રે કોણ દુષ્ટ ગયો એમ શાપી ? – આજ ૧

તનખ તનખથકી તફ્ડે બિચારી,
ભારી ખરે પજવે દુ:ખ કારી ! – આજ ૨

લોહી ગયું ને પડી સહુ ફીકી,
શ્વાસ રહ્યો છે હવે તક ટીકી ! – આજ ૩

નહીં નહીં રે એનું મુખડું જોવાયે,
દુ:ખડાં દમંતાં તે કઈપેરે જાયે ? – આજ ૪

બળબુદ્ધિ તો નહિ ચાલી જ કાંઈ;
હારી રહ્યા હવે સર્વ મુઝાઇ. – આજ ૫

આશકિરણ તો હવે સહુ ઊઠ્યાં,
ઊંડા નિરાશાનિધિમહીં બૂડ્યાં ! – આજ ૬

કેવી પડી મુજ હિન્દ રીબાતી;
કાળતણે મુખ ચાલી ચવાતી ! – આજ ૭

છે કોઇ માઈનો પૂત જ શૂરો ?
હિન્દ ઉગારી કરે દુ:ખ ચૂરો ! – આજ ૮

અદલ હવે ધનવંતરી આવો !
આ મુજ હિન્દને પ્રેમે બચાવો ! – આજ ૯

નોંધ

  1. ઇ. સ. ૧૯૦૨
  2. "ઇસ તનધનકી કૌન બડાઇ"-એ રાહ.
-૦-