રાસચંદ્રિકા/આંસુનાં પૂર

વિકિસ્રોતમાંથી
← દુઃખની દેવી રાસચંદ્રિકા
આંસુનાં પૂર
અરદેશર ખબરદાર
વહાલીડાં ! કેમ કરીએ ? →




આંસુનાં પૂર

♦ પ્યારાને પારણે સોનાનાં બોર. ♦


હૈયાને કાંઠડે આંસુનાં પૂર :
આંસુના પૂર, પરમ નયનાંનાં નૂર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.—

માગ્યાં ન મુખે, નહીં નયને બોલાવ્યાં,
અણધાર્યાં આવી ઊભે હાજરહજૂર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.

વસતાં વેરાન જ્યાં રેતીનાં રણશાં,
એક જ કો સ્મરણે એ રેલતાં જરૂર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.

આભ જ્યાં તપે ને ભવ આખો તપાવે,
ઊછળી આવી તાપ કરતાં એ દૂર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.

ડુંગરના ભાર આવી અંતર દબાવે,
પાળોને તોડી ખાલી કરતાં એ ઉર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.


આનંદ કે શૉકનાં ફાટે સરોવરો,
કહેશો ન કોઈ ત્યારે, કરજો સબૂર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.

ઊડે જ્યાં તણખા ત્યાં ઊડે અમીકણો,
આંસુને ઝીલશે કો હૈયાનાં શૂર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.

આત્મા ભીંજાવજો એ પૂરમાં બહાદૂર હો !
પુણ્યોનાં પૂર, એ તો જન્મોનાં નૂર :
હૈયાને કાંઠડે આંસુનાં પૂર.