રાસચંદ્રિકા/આવજો, જોગીડા !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નવચેતન રાસચંદ્રિકા
આવજો, જોગીડા !
અરદેશર ખબરદાર
ત્રિકાલ →
આવજો, જોગીડા !

♦ હીંચ : પાલવડો મારો મેલો, મોહનજી. ♦


ડુંગરે ડુંગરે દેવોની દેરડી,
સીમડે સીમડે દેવોની વાટ ;
વગડે વગડે દેવોના ડાયરા,
નદીએ નદીએ દેવોના ઘાટ :
આવજો જોગીડા !

લૂમખે ઝૂમખે લહેરે છે આંબલા,
લૂંબડે લૂંબડે ઝૂલે છે મૉર ;
ટહુકી ટહુકી કોયલ હલકારતી,
આભને આંગણે છાયા બપોર :
આવજો જોગીડા !

ઢૂંઢતાં ઢૂંઢતાં વિલાતી આંખડી,
હીંડતાં હીંડતાં વધતી દિગંત ;
આભલે આભલે ઝબૂકતી વીજળી :
આભલે ઊડતાં આવે ક્યાં અંત ?
આવજો જોગીડા !


ડુંગરે ડુંગરે ખાડાને ટીંબલા,
સીમડે સીમડે બળતી મસાણ ;
વગડે વગડે ધગધગતા વાયરા :
આવજો, જોગીડા ! દઈએ એંધાણ :
આવજો જોગીડા !

પગલે પગલે દેવોની વાટડી,
નયને નયને દેવોનાં હાસ,
આતમે આતમે દેવોના ગોખલા,
હૈડી હૈડે દેવોના વાસ !
આવજો જોગીડા !