રાસચંદ્રિકા/કિરણ

વિકિસ્રોતમાંથી
← પંખીડું રાસચંદ્રિકા
કિરણ
અરદેશર ખબરદાર
પધરામણી →




કિરણ

♦ ઓધવ નંદનો છોરો તે નમેરો થયો જો - ફેરફાર સાથે ♦


એક કિરણ છે ઉતર્યું આકાશથી રે લોલ,
એનાં દેવદીધાં વિશ્વમોંઘાં તેજ જો :
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! -

કિરણ ઝીલાયું એ તારલાના ઝુંડમાં રે લોલ,
ત્યાંથી સર્યું એ જોતજોતાં સહેજ જો :
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! ૧

કિરણ ઝીલ્યું ત્યાં સૂર્યે ને સુધાકરે રે લોલ,
ત્યાંથી સરતું તે પડ્યું મેઘશીર જો :
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! ૨

કિરણ ગૂંચવાયું વીજળીના વાસમાં રે લોલ,
ત્યાંથી સર્યું તે ચીરી એનાં ચીર જો :
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! ૩

કિરણ ઊતર્યું ત્યાં ધરણીને અંતરે રે લોલ !
ત્યાંથી સર્યું તે લ્રકૃતિને પ્રાણ જો :
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! ૪

કિરણ ઝીલ્યું તે વૃક્ષે અને પ્રાણીએ રે લોલ,
ત્યાંથી સરતું તે આવ્યું પ્રભુબાણ જો :
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! ૫

કિરણ ઊતર્યું તે અંતે માનવદેહમાં રે લોલ,
એને મંદિરે છે થાપ્યો એનો ઘાટ જો :
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! ૬

કિરણ ખીલે જો ત્યાં એ સપ્તરંગમાં રે લોલ,
ખીલે એના પ્રકાશ ત્યાં વિરાટ જો !
વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ ! ૭