રાસચંદ્રિકા/ગુજરાતની લીલા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વર્ષ મુબારક રાસચંદ્રિકા
ગુજરાતની લીલા
અરદેશર ખબરદાર
હજાર માસની રીત →
ગુજરાતની લીલા

♦ ધોળ* [૧]


એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રુડું !
જ્યારે નવરાત્રીમાં ગરબા રોજ ગવાય ,
જ્યારે ગુર્જરસુંદરીનાં પરીઅંગો ડોલતાં
સ્વર્ગ ઉતારી દે ઠમકે તાળીમાં ત્યાંય !–એ ટાણે૦ ૧


વર્ષા ઊતરે ને જ્યાં આવે શરદ સુહામણી ,
ભરભર છલકે સરવર ને સરિતાનાં નીર ;
છલકી રહી ત્યાં નવઉલ્લાસે ને નવનૂરમાં
રસરમણે ઝીલવા ગુર્જરીઉર થાય અધીર !–એ૦ ૨


આંગણ આંગણ રમઝટ જામી રહે ગરબાતણી ,
નક્ષત્રોશી ફુદડી ફરતી સહિયર સર્વ ;
સુંદર સોહાગે ભવશોભન ગુર્જર સુંદરી
ગુલપગલે ગરબા લેતી ગજવે રસપર્વ !–એ૦ ૩

વૃક્ષે, વિટપે, કુંજનિકુંજે, વનમાં, ખેતરે ,
લોચન ભરતી લૂમેઝૂમે લીલા લાખ ;
પાક્યાં જ્યાં સોનેરી તૂલ બધે ઝૂલી રહે ,
એવી લીલાભર ગુર્જરી ઠારે સહુ આંખ !–એ૦ ૪

લક્ષ્મીનાં પગલાં નવધાન્યે નવકુસુમે પડે ,
છલછલ છલકી રહે કુદરતકેરી રસછાબ ;
કાવ્યે ગીતે નૃત્યે સરસ્વતી આરાધતી
ગરબે ઘૂમતીગ ગુર્જરી વેરે કંઠગુલાબ !–એ૦ ૫

ખીલે પચરંગી ગુલબાસ અને બપ્પોરિયા ,
શોભે કાસતણી માંજર નવધવલે રંગ ;
હીંચે સરવરમાં રાતાં કમળો ને પોયણાં ,
ગાજે ગુર્જરીના ત્યાં ગરવા કલાપ્રસંગ !–એ૦ ૬

માણેકઠારી પૂનમે દૂધપૌંઆ ને ચાંદની ,
દશરાને કુંકુમ દેવીના આશીર્વાદ ;
મંગલ પર્વે પર્વે ઊતરે શા રસપૂજને
મોંઘા ગુર્જર સુંદરીના સૌંદર્યપ્રસાદ !–એ૦ ૭


ધરતીનો સોહાગ સુભગ ભારતનો બાગ આ ,
નંદનવનનું આંગણ, પરીઓની રસકુંજ !
ગુર્જર સુંદરીની જ્યાં ઊડે ચોગમ ચાંદની ,
વરસે દેવોના ય અદલ ત્યાં ફૂલનપુંજ !

એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૮

  1. *“માતા જશોદા ઝૂલાવે પુત્ર પારણે,” —એ રાહ.