લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/ચાંદની

વિકિસ્રોતમાંથી
← તારકડી રાસચંદ્રિકા
ચાંદની
અરદેશર ખબરદાર
રૂપેરી ચાંદની →
.વનમાં બોલે ઝીણા મોર .


​

ચાંદની

♦ વનમાં બોલે ઝીણા મોર. ♦


આભલે થાળીભર છલકાય
⁠કે ઊજળી ચાંદની રે લોલ,
હૈડાં ઊજળેરાં ઉભરાય,
⁠કે લ્યો લ્યો ચાંદની રે લોલ ! -

આભલે ચંબેલીના વેલા
⁠કે ફૂલડે લચી રહ્યા રે લોલ,
ફૂલે ફૂલે કિરણના રેલા
⁠કે જગને સીંચી રહ્યા રે લોલ. ૧

આભલે દૂધે સીંચ્યો ખીલ્યો
⁠કે એક બટમોગરો રે લોલ :
એની પાંખડીએ છે ઝીલ્યો
⁠રે સુરભૂમિનો ઝરો રે લોલ ! ૨

ઝીલો ઝીલો એ અમીની ધારા
⁠કે સુર લોકથી સરે રે લોલ !
ઊજળી આંખોના અણસારા
⁠કે ઊજળાં હૈયાં કરે લોલ ! ૩

​


ઝીલે મોગરાને અંબેલી
⁠કે ખીલવે પાંખડી રે લોલ !
ઝીલે ગુલછડી કો અલબેલી,
⁠કે કુમુદની આંખડી રે લોલ. ૪

ઝીલે વાદળી, સરિતા, સિંધુ,
⁠કે હંસ ને મોરલા રે લોલ;
ઝીલી ચાંદનીપૂર્યાં બિંદુ,
⁠કે મોતીડાં ધરે કલા રે લોલ ! ૫

આવો, આવો સૌ ઝીલનારાં !
⁠કે ઝીલતાં કાળપ જશે રે લોલ;
ઊજળાં હાસ્ય એ વિધિનાં ન્યારાં
⁠કે ઊજળે હૈયે વસે રે લોલ ! ૬

રસ રસ ચાંદની રે રેલાય
⁠કે પરમ પ્રસાદની રે લોલ :
અમૃત ઊજળેરાં ઉભરાય :
⁠કે લ્યો લ્યો ચાંદની રે લોલ ! ૭