રાસચંદ્રિકા/ચાંદલિયા ! ફર તો જરા રે!

વિકિસ્રોતમાંથી
← પોયણી રાસચંદ્રિકા
ચાંદલિયા ! ફર તો જરા રે!
અરદેશર ખબરદાર
કમળતલાવડીનો હંસલો →
. ગોવાળિયે ઘેલાં કીધાં રે .




ચાંદલિયા ! ફર તો જરા રે!

♦ ગોવાળિયે ઘેલાં કીધાં રે. ♦


ફર તો જરા, છે જોવું મારે,
ચાંદલિયા ! ફર તો જરા રે ! —

રોજ રોજ એક તારું મુખડું બતાવે,
જેમ આવે તેમ હઠે કાં રે ?
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૧

ઘાટ ઘાટ રચે તારું નાવડું રૂપેરી,
તેનું તે જ દેખી મન હારે :
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૨

નાવડું આ તારું સરે આભને સરોવરે,
તોય ના ઉતારે પેલી પારે :
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૩

શાંત ને સુધાભરી આ આંખ તારી ઓપતી,
પેલી ગમની કેવી પલકારે ?
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૪

સ્વર્ગના સુવર્ણના છે દેવરંગ દોહ્યલા,
કે છે આત્મઝલક તે દિદારે ?
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૫

એક વાર તો બતાવ છે શું તે છુપાવ્યું ?
અણદીઠાં તે સ્વપ્ન જોઉં ક્યારે ?
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૬

જગતથી ભલે છ્પાવ તારો આ ખજાનો,
હું તો સ્નેહી, જોવું સર્વ મારે !
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૭