લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/તારકડી

વિકિસ્રોતમાંથી
← રજની રાસચંદ્રિકા
તારકડી
અરદેશર ખબરદાર
ચાંદની →
. શીખ સાસુજી દે છે રે કે વહુજી રહો ઢંગે .




તારકડી

♦ શીખ સાસુજી દે છે રે કે વહુજી રહો ઢંગે. ♦


ઝીણી ઝીણી કંઇ ઝબકું રે ઝીણી હું તો તારકડી,
ઊંચે આભને કંઠે રે લાડુ સદા લાડકડી ;
ઘરદીવડી જેવી રે જાગું સારી રાત ઝગી,
આવે નીંદ ન કેમે રે, રહે ઉર આગ ધગી. ૧

છૂટી ગંગામાતાથી રે પડી હું તો એકલડી,
ઘૂમી ઘૂમીને ઊડું રે, ઠરું નહીં એક ઘડી :
જવું આગે ને આગે રે, નિરખવું ન પાછું ફરી ;
દૂર દૂર કો ઠેલે રે, નહીં ત્યાં થોભાય જરી. ૨

આભ ઊડું ઊદેરું રે રહે કંઇ છપવી સદા,
વધૂં તેમ તેમ વાધે રે, ન કોથી મપાય કદા;
અણસમર્યા સમયથી રે અનંતનો પંથ વહું,
નહીં અંતરની કથની રે કદી હું તો કોને કહું. ૩


જેવાં ભાગ્યે લખાયાં રે ભવે તેવાં ભોગવવાં,
સારાં નરસાં સંતોષે રે જગે જીવી જોગવવાં;
અણૌકલ્યા અંદારે રે દિસે વાટ વસમી ઘણી,
તોય એકાકી ઊડવું રે ગતી એ સૌ જીવતણી ! ૪

નહીં ભાઈ કે ભાંડું રે, નહીં સખી સહિયર કો,
નહીં વહાલું વડેરું રે, નહીં સગું અંતર કો;
ભર્યા વ્યોમની વચ્ચે રે ઉરે લાગે એકલડું,
ઊડે સૃષ્ટિવંટોળે રે એવું જીવપાંદરડું ! ૫

નહીં કોઈના પથમાં રે કદી હું તો આડી પડું,
નહીં કોઈના સુખમાં રે કદી વચ્ચે આવી નડું :
પડ્યું વિશવ વિશાળું રે ત્યાં ખોળ્યે ખૂટે ન કશું,
એક જીવને સાટે રે વૃથા થવું ઘાતક શું ! ૬

ઝીણી ઝીણી કંઇ ઝબકું રે, ઝીણી એવી તારકડી,
સ્વયંજ્યોતિ હું ઘૂમું રે, વિરાટની બાળકડી !
આવે અંધારાં સામે રે, વીંધી તોય વાટ વધું;
મારા અંતર ઝબૂકા રે, જીવન ઝબકાવે બધું ! ૭

જુઓ, જુઓ જગતના રે વિભુબાળ વહાલપડાં !
નાની મોટી સૌ જ્યોતિ રે વીંધે આભ કાળપડાં;
કદી અનંતને આરે રે ન શોધ્યાં કો સુખ જડશે :
સ્વયંજ્યોતિ ઉધાડિ રે ! અદ્દલ પદ સાંપડશે ! ૮