રાસચંદ્રિકા/દાણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ગોરસ રાસચંદ્રિકા
દાણ
અરદેશર ખબરદાર
દૂધડાં દોહતી →


રહોને શામળિયા ! નંદના નાનડિયા
આંતરવાં નહોય કદી એવાં રે લોલ:
ગોકુળમાં દાન કદી ગોપે ન દીઠલાં
ઘેલાં તમારાં આ તે કેવાં રે લોલ ? -
રહોને શામળિયા ! ૧

જા રે મહિયારણ ! જા રે ગોવાલણ !
દાણીનાં દાણ નહીં ખોટાં રે લોલ :
મટકીનાં મૂલ્ય તારાં કરશે વ્રજવાસીઓ,
મટકાનાં મૂલ્ય તારાં મોટાં રે લોલ ! -
જા રે મહિયારણ  !

સુણો શામળિયા ! વાંકા વાંકડિયા !
દિલડું દુભાય મારું દાણે રે લોલ :
કહો તો ચખાદું મારાં મોંઘેરા મહીંડાં,
ગોરસના ગુણ ગુણી જાણે રે લોલ  ! -
રહોને શામળિયા ! ૩

જો રે મહિયારણ ! હૈયાં લોભાવણ !
મહીડાં ચાખ્યે ન દાણ ચૂકે રે લોલ
તું રે ભોળી શું એમ ભૂરકી ભરમાવતી !
મહીડાંમાં એ શું હૈડાં મૂકે રે લોલ ? -
જો રે મહિયારણ ! ૪

શાણા શામળિયા ! દાણી દૂધલિયા !
ગોરસ છે મારાં અતિ ગોરાં રે લોલ
આવો, બેસાડું ઘડી મારી મટુકીમાં,
છેતરાશે ગોકુળનાં છોરાં રે લોલ ! -
શાણાં શામળિયા ! ૫

વાહ રે મહિયારણ ! ગોકુળ ઉજાળણ !
કાળાં ગોરાં શું દાણ માટે રે લોલ?
હું તો શામળિયો ને તું તો છે ગોરડી,
મહીડાં ને લેઉં હૈડાં સાટે રે લોલ ! -
વાહ રે મહિયારણ ! ૬

ઠગણા શામળિયા ! કપટી પાતળિયા !
જુગની ઠગાઈ મેં તો જાણી રે લોલ !
હૈડાં દીધાં ને દીધા પ્રાણ પણ દાણમાં:
લ્યો, લ્યો ચતુર મારા દાણી રે લોલ !
ઠગણા શામળિયા ! ૭

(પૂર્ણ)