રાસચંદ્રિકા/દિવ્ય દેશનાં પંખીડાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સંદેશ રાસચંદ્રિકા
દિવ્ય દેશનાં પંખીડાં
અરદેશર ખબરદાર
ગુર્જરી રાસે ઘૂમે રે →
. અહો રાજ! અમે રે પંખીડાં ગરમ દેશનાં.
દિવ્ય દેશનાં પંખીડાં

♦ અહો રાજ! અમે રે પંખીડાં ગરમ દેશનાં. ♦


જુઓ રાજ ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં :
માથે દિવ્યતાના છોગ;
મુખે મરવાણી ભોગ :
રાજ ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં. ૧

જુઓ રાજ ! અમારા નિવાસ આભકુંજમાં :
ઊડીએ ચંદ્રકિરણ્ડાળી,
પડીએ ઘડીક તારકજાળી :
રાજ ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં. ૨

જુઓ રાજ ! રંગ રંગ ભર્યા અમ પિચ્છમાં :
કંઇક ઇન્દ્રધનુશી વેલ,
ભાવકુસુમ મહીં ગૂંથેલ :
રાજ ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં. ૩

જુઓ રાજ ! લાવીએ સંદેશ કંઇ ગેબના :
કંઇક ભૂતભાવિ સોણાં,
જગત દેવઆંખ જોણાં :
રાજ ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં. ૪


જુઓ રાજ ! સર્જન પ્રલય છે અમારી પાંખમાં :
અમે ઊડીએ તીર તીર,
પાઇએ પ્રેરણાનાં નીર :
રાજ ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં. ૫

જુઓ રાજ ! દૃષ્ટિ અમ સદા દિગંતપારમાં :
નવલ સ્વપ્ન, ગાન, આશ,
કરીએ જગત રસપ્રકાશ;
રાજ ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં. ૬