લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/નવરાજનાં વધામણાં

વિકિસ્રોતમાંથી
← નવા વર્ષનાં હાસ્ય રાસચંદ્રિકા
નવરાજનાં વધામણાં
અરદેશર ખબરદાર
વર્ષ મુબારક →
* ઓધવ, નંદનો છોરો તે નમેરો થાય જો*




નવરાજનાં વધામણાં

♦ ઓધવ, નંદનો છોરો તે નમેરો થાય જો. ♦


સખી ! આવો નવરાજને વધાવીએ રે !
સખી ! સ્નેહભર્યાં તેજમાં સજાવીએ રે ! ૧

સખી ! પુણ્યસોહ્યાં આંગણાં સુહાવજો રે !
સખી ! ચારુ નીતિચોક પૂરી આવજો રે ! ૨

સખી ! વહાણેલાં જો વાયાં શાં સોહામણાં રે !
સખી ! આપે નવરાજનાં વધામણાં રે. ૩

સખી ! કાળી કાળી વાત ડૂબી રાતમાં રે ;
સખી ! આવો અહીં ઊજળા પ્રભાતમાં રે ! ૪

સખી ! ધરણી ઉઘાડે ભવ્ય બારણાં રે,
સખી ! લઇયે નવરાજનાં વધામણાં રે ! ૫

સખી ! સુખભરી થાળ રૂડી લાવજો રે !
સખી ! પ્રેમભક્તિજ્યોતિ મહીં જમાવજો રે ! ૬


સખી ! કંકુ મહીં મૂકજો સૌભાગ્યનાં રે,
સખી ! શ્રીફળ સુહાવજો સુહાગનાં રે ! ૭

સખી ! વેરજો સત્કત્મતણાં ફૂલડાં રે,
સખી ! વધાવો મોતીડાં અણમૂલડાં રે ! ૮

સખી ! વહાલરાગી ગાજો પ્રભુગીતડાં રે !
સખી !આનંદે ઝુલાવો સહુ ચીતડાં રે ! ૯

સખી ! ચાલો નવરાજને વધાવીએ રે !
સખી !કૂળાં એનાં પદ પધરાવીએ રે ! ૧૦

સખી ! હાસ્ય તેજ દીપે એને મુખડે રે,
સખી ! હાક એની વાગે દૂર ઢૂંકડે રે. ૧૧

સખી ! તેજાઆંજી ઊંડી એની આંખડી રે,
સખી ! પ્રેમકૂંળી પ્રિય એની પાંખડી રે. ૧૨

સખી ! મીઠી મીઠી વાય એની મોરલી રે,
સખી ! પુણ્યપોથી હજી એની કોરલી રે. ૧૩

સખી ! આશરંગી પદ એનાં પૂજીએ રે,
સખી ! ભાવિતણાં ગીત ભાવે ગુંજીએ રે. ૧૪

સખી ! તાપ સહુ આપણા એ કાપશે રે,
સખી ! અમીશીળી છાયા રૂડી આપશે રે. ૧૫


સખી ! ઉરના અંધાર સહુ રોળશે રે,
સખી ! હૈડાં હસી હસાવી હીંચોળશે રે. ૧૬

સખી ! આવો એને વહાલથી વધાવીએ રે
સખી !લોલ ને કલ્લોલમાં હુલાવીએ રે ! ૧૭

સખી ! પદે પદે ફૂલડાં ઉછાળીએ રે !
સખી ! ભરીએ નવતેજ એનાં થાળીએ રે ! ૧૮

સખી ! વહાલરાગ ગાઈયે રે એનાં ગીતડાં રે !
સખી !રંગભીનાં લઇયે એનાં મીઠડાં રે ! ૧૯

- આવો, આવો, નવરાજ ! રૂડા આવજો રે !
આવો, પુણ્યસોહ્યાં આંગણાં સુહાવજો રે ! ૨૦