રાસચંદ્રિકા/નવા વર્ષનાં હાસ્ય
Appearance
← દીવાળી | રાસચંદ્રિકા નવા વર્ષનાં હાસ્ય અરદેશર ખબરદાર |
નવરાજનાં વધામણાં → |
નવા વર્ષનાં હાસ્ય
♦ સારું સારું રે સૂરત શહેર, મુંબઇ અલબેલી. ♦
વહાલાં ! નીતરે હરિના નેહ,
આનંદભર આજે !
એબા ઘરઘર વરસો મેહ,
આનંદભર આજે !
મોંઘી જગતની છાબડી ને મોંઘી હૈયાની થાળ રે;
મોંઘા રે રસ જગનાથના હો ! ઝીલો જગતનાં બાળ !
આનંદભર આજે ! ૧
કાળી દીવાળીની રાતડી, તેમાં ઝબકે દીવા ભરતેજ રે:
નાથ હસે ત્યારે ઊજળા દીપાવે ઊંડા અંધાર ઉર એજ;
આનંદભર આજે ! ૨
હૈયાં હીરા, મન મોતીડાં, તે મઢો હરિને હેમ રે;
પુણ્યની આંગળીએ પહેરી શોભાવો આત્માનો અવિચળ પ્રેમ !
આનંદભર આજે ! ૩
હસે આકાશ, હસે વાદળાં, ને હસે પ્રભાત નવરંગ રે,
હસે જગત ફૂલ વેરતું, વહાલાં, હસો સદા સુખસંગ !
આનંદભર આજે ! ૪