રાસચંદ્રિકા/પનિહારી ચંદા

વિકિસ્રોતમાંથી
←  રૂપેરી ચાંદની રાસચંદ્રિકા
પનિહારી ચંદા
અરદેશર ખબરદાર
ચંદાનું ગાન →
. કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે .




પનિહારી ચંદા

♦ કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે. ♦


કે પાણીડાં ગઇ'તી અમીસરોવરે રે,
કે બેડલું રેલાતું ચોધાર :
છલોછલ છલકે મારું બેડલું રે.
કે ઢળી ઢળી જાતાં અમી એ વાટમાં રે,
કે હસતો છૂપતો સૂર્યકુમાર :
છલોછલ છલકે મારું બેડલું રે. ૧

કે કુંજમાં વાટડલી જઉં પાડતી રે,
કે પગલે પડતા અમી છંટકાવ :
છલોછલ છલકે મારું બેડલું રે.
કે રેલા અમીના ઊતરે આભલે રે,
કે આભલે ઊઘડે રૂપલા ભાવ !
છલોછલ છલકે મારું બેડલું રે. ૨


કે કુંજથી વિચરું ધોરી વાટમાં રે,
કે લટકે બેડું ઝોલાં ખાય :
છલોછલ છલકે મારું બેડલું રે.
કે પળપળ ઊડતાં ઝળહળ બિંદુડાં રે,
કે છાંટણાં ચોગમ એ છંટાય :
છલોછલ છલકે મારું બેડલું રે. ૩

કે રૂપલા વાડી ખીલતી આભની રે,
કે ખીલતી ધરણી નવનવ રંગ :
છલોછલ છલકે મારું બેડલું રે.
કે અમી આ પાજો ભરભર આત્મને રે,
કે ખીલજો એમાં અમીમય અંગ !
ઉતારો, રસિયાં ! મારું બેડલું રે ! ૪