રાસચંદ્રિકા/બહેનને આંગણે

વિકિસ્રોતમાંથી
← મારી બહેની રાસચંદ્રિકા
બહેનને આંગણે
અરદેશર ખબરદાર
ભાઇબીજ →
સનખપુરા સાચી મા બહુચરા




બહેનને આંગણે

♦ સનખપુરા સાચી મા બહુચરા. ♦


આવો, વીરા આવોની મારે આંગણે !
વેરું સ્નેહનાં કુસુમ સારે આંગણે. ૧

વીરા, છાંટું સુધાનો છંટકાવ જો,
ભરું બારને પ્રભાતનો પ્રભાવ જો ! ૨

આજે માતજાયો આવે મારે ઝૂંપડે,
એની બહેનડીનું હૈયું વીલું શું પડે ! ૩

આજે હૈયાના મર્મ કંઈ ખોલશું ;
સુખદુઃખના બે બોલ કંઈ બોલશું. ૪

મારા વીરાનાં લેઉં સહુ દુઃખડાં,
થજો કાળાં પાપીનાં ભૂંડા મુખડાં ! ૫

ભૂંડું જગત કરે ને વદે વાકડું,
નડો તે ના વીરાનું ઉર રાંકડું ! ૬

મારા વીરાને તે નહીં સંતાપશે,
વીરા માટે બહેની આ પ્રાણ આપશે ! ૭


વીરા, બોલોની બોલ મધુમીઠડા !
હૈયાહર્ષ રહે ન અણદીઠડા. ૮

વીરા, વહાલે વધાવું હીરા રત્નથી;
એવો વીરો જડે ન લાખ યત્નથી ! ૯

'મારો વીરો' કહેતાં ભરાય મુખ જો !
વીરા, ધન્ય કહેવાડો માતકૂખ જો ! ૧૦

મારા તાતજાયા !કુળને દીપાવજો !
જગે કુંદનશું કીરતિ અંકાવજો ! ૧૧

મેઘ ગાજે ને ગરજે ગગનમાં,
એવા ગાજો, વીરા, આ ધરાજનમાં ! ૧૨

પિતૃવેલીને છાંય શીળી આપજો,
અમી સીંચીની તાપ સહુ કાપજો ! ૧૩

દીન બહેની અંતર સદા માગતી :
મારા વીરાની જ્યોત રહો જાગતી ! ૧૪

આવો, વીરા, આવોની વારી જાઉં જો !
મણિમુખડું દેખી હું મલકાઉં જો ! ૧૫

વીરા, આવો, વિરાજો મારે આંગણે !
ભર્યાં દીપે છે તેજ સારે આંગણે ! ૧૬