રાસચંદ્રિકા/ભાઇબીજ

વિકિસ્રોતમાંથી
← બહેનને આંગણે રાસચંદ્રિકા
ભાઇબીજ
અરદેશર ખબરદાર
રક્ષાબંધન →
વહેલા આવજો હો લાલ




ભાઇબીજ

♦ વહેલા આવજો હો લાલ . ♦


બીજના ચાંદલિયાશો ઝગમગતો જરી આવજે, હો વીર !
ઉર ઉછળાવજે, હો વીર !
મારી અંધારી રાતડલીને વિલસાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર !—

લાંબા પટ આકાશના, લાંબા મહિયર પંથ;
ધગઘગતો દિન દોહ્યલો, નહીં રજનીનો અંત:

બાંકા ચાંદલિયાશો ધમધમતો જરી આવજે, હો વીર !
ઉર ઉછળાવજે, હો વીર !
મારી ચણચણતી રાતડલીને ચમકાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર ! ૧

નહીં સાગર પર શઢ ઊડે, નહીં વાટે કો વેલ;
વરસ વરસના વાયાઅ, આંખડલીના ખેલ;

હસતા ચાંદલિયાશો રુમઝુમતો જરી આવજે, વો વીર !
ઉર ઉછળાવજે, હો વીર !
મારી વનઘેરી રાતડલીને મલકાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર ! ૨


સુખદુખ કેરી ગોઠડી, મીઠી મહિયર યાદ;
સાઠ ઘડીનાં સોણ્લાં, ભૂલવે વર્ષવિષાદ:

ઊજળા ચાંદલિયાશો ઝળહળતો ફરી આવજે હો વીર !
ઉર ઉછળાવજે, હો વીર !
મારી અંધારી રાતડલીને અદ્દલ હુલાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર !