રાસચંદ્રિકા/રક્ષાબંધન

વિકિસ્રોતમાંથી
← ભાઇબીજ રાસચંદ્રિકા
રક્ષાબંધન
અરદેશર ખબરદાર
બાપુજી →
શહેરનો સૂબો ક્યારે આવશે રે




રક્ષાબંધન

♦ શહેરનો સૂબો ક્યારે આવશે રે . ♦


મૉર્યા ને મહાલ્યા મેહુલા રે,
ભરભર નીતર્યાં નેવ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
વીરાને આંગણ મહાલવા રે
આવી બહેનાંની વળેવ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! -

આજે શ્રીફળ પર્વણી રે,
ધારે મહેરામણ ધીર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
ગાંજે બહેનીને અંતરે રે
કુળનો મહેરામણ વીર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૧


રંગે ભરી મારી રાખડી રે,
અદ્‌ભુત રચાયું એનું તંત્ર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
ગૂંથી એ વહાલને તાંતને રે,
મોંઘા મળ્યા છે મહીં મંત્ર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૨

લળકે કો દેવની આંખડી રે,
એવું લળકે છે એનું ફૂલ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
બાંધ્યું છે દિલને દોરલે રે
બહેનીનું હેત કંઈ અતૂલ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૩

વીરો કુળાવાડીનો મોરલો રે,
હયું ઠર્યાંનું એક ઠામ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
સાત પેઢીનો થાંભલો રે,
બહેનીની આંખનો આરામ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૪


આવો વીરા ! બાંધું હાથમાં રે,
બહેનીનો સ્નેહઝલકાર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
તૂટ્યા ન તૂટે કોઈથી રે,
ભાઈ બહેનના એ તાર રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૫

મોંઘી બળેવની રાખડી રે,
મોંઘા બહેનાંના ઉરભાવ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
મોંઘો તું વીર કુલદીવડો રે,
મોંઘા જીવનના એ લહાવ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૬

વહેજો અભય તારી વાટડી રે,
જળજો અખંડ તુજ જ્યોત રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે !
ભવમાં અદ્દલ પ્રભુ ! રક્ષજો રે
બહેનીની એકલ ઓથ રે, વીરાજી મારા !
બાંધો બળેવની રાખડી રે ! ૭