રાસચંદ્રિકા/રજની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સંધ્યા રાસચંદ્રિકા
રજની
અરદેશર ખબરદાર
તારકડી →
. આશાભર્યાં તે અમે આવિયાં.
રજની

♦ આશાભર્યાં તે અમે આવિયાં ♦


ભરે ભરે ને રજ ઠાલવે,

ને એનાં ઘેને સુવાડે સહુ લોક રે :
રજની રજે ભરે રે :

ટપકી ટપકી એનાં આંસુડાં
ભરી દે છે ગગનના ગોખ રે :
રજની રજે ભરે રે. ૧

ઓળી સમાર્યાં નિજ કેશને,
એના પ્રીતમની જોતી વાટ રે :
રજની રજે ભરે રે :

રંગે ભીની ઊભી દ્વારમાં,
પણ પ્રીતમ ચાલ્યા બીજે ઘાટ રે !
રજની રજે ભરે રે. ૨

આવો, પ્રીતમ ! મારે ઓરડે,
છાંટું મોંઘા મુખે સુધાનીર રે :
રજની રજે ભરે રે :

પોઢો મારે પ્રાણઢોલિયે,
ચાંપું થાક્યાં ચરણ ને શીર રે :
રજની રજે ભરે રે. ૩

થાળી ભરી ભરી ઠાલવ્યાં
મૃદુ સેજે શાં તારકફૂલ રે !
રજની રજે ભરે રે :

આવોને પ્રાણપરોણલા !
ઘડી લ્યોને ઉતારા અમૂલ રે !
રજની રજે ભરે રે. ૪

મૂક્યું ઓશીકું નભગગનું
મારા પોઢણહારને કાજ રે :
રજની રજે ભરે રે :

ચાંદાનું ગાલમસૂરિયું
ગાલે દાબી પોઢો, મારા રાજ રે !
રજની રજે ભરે રે. ૫


પોઢો, પોઢો, મારા રાજવી !
મારાં હૈયાં હીંચોળાં ખાય રે :
રજની રજે ભરે રે :

ગાઉં અનંતતાનાં ગીતડાં,
સજો, વહાલમ ! ત્યાં નીદરમાંય રે ! -
રજની રજે ભરે રે. ૬

હૈયે અંધારાં છે લખ્યાં,
તેને કર્મે જનમના વિજોગ રે :
રજની રજે ભરે રે :

સાઠે ઘડી તપી ઘૂમવું,
તેની રામાને શા રસભોગ રે ?
રજની રજે ભરે રે. ૭

પૂર્વે પ્રભા રતૂડી ઊડે,
હાય ! પ્રીતમના રથ જાય દૂર રે :
રજની રજે ભરે રે :

પલકી પલકી પડું આખરે,
મારી ભાગ્યની પોથી કાં ક્રૂર રે ?
રજની રજે ભરે રે. ૮