રાસચંદ્રિકા/વિશ્વદેવીનું ગાન
← ગુર્જરી રાસે ઘૂમે રે | રાસચંદ્રિકા વિશ્વદેવીનું ગાન અરદેશર ખબરદાર |
નંદનવનનો મોરલો → |
વિશ્વદેવીનું ગાન
♦ અલબેલી રે અંબે માત, જોવાને જઇએ. ♦
કોટિ કોટિ મારા જ્યોતિઝબકાર,
હો! ભીંજે મારી આંખડલી !
તોય હૈયે મારે ઊંડેરા અંધાર :
હો ! ભીંજે મારી આંખડલી !
જોગી છુપાયો મારો જોગ ગુફામાં,
વાટ હું જુગજુગ જોતી રે,
ઝીણા ઝીણા કો એના આવે ઝબૂકલા,
જોતી જોતી ને રહું રોતી :
હો ! ભીંજે મારી આંખડલી ! ૧
એક ઉઘાડું મારી આંખ તપેલી,
બીજી ઉઘાડું અમી ઝરતી રે;
ઉઘાડું ઢાંકું એવી અંતરની દેવડી ;
નેવે નેવે એ રહે નીતરતી :
હો ! ભીંજે મારી આંખડલી ! ૨
આવે આવે ને શમે જુગજુગનાં સોણલાં,
પલકે દીઠાં-અણદીઠાં રે;
જોગી છુપાયો મારી પાંપણની ધારમાં,
સરતાં આંસુ ત્યાં મારાં મીઠાં :
હો ! ભીંજે મારી આંખડલી ! ૩
હીરગૂંથી છે મારી ઘેરી રસચૂંદડી'
ધનગૂંથી છે મારી માળા રે;
ખૂંચે શણગાર જેને હૈયે સૂનકાર હો :
રહેતા શેં જોગી એ નિરાળા ?
હો ! ભીંજે મારી આંખડલી ! ૪
આધા આધા છે તોય પંથ છે પાસે;
અદીઠ તોય વાયુ જેવા રે;
અળગી રાખીને સદા અળગા રહે હસતા :
એ રે જોગી શેં મારા એવા ?
હો ! ભીંજે મારી આંખડલી ! ૫
આવો, આવો રે જોગી ! હૈયાં ખોલાવો;
તપી તપીને નેણાં તૂટ્યાં રે;
સંધ્યાના જેવાં સૌમ્ય તેજે રેલાવો !
રહીએ અખંડ અણછૂટ્યાં !
હો ! ભીંજે મારી આંખડલી ! ૬