રાસચંદ્રિકા/સુમનવાડી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રાસ રાસચંદ્રિકા
સુમનવાડી
અરદેશર ખબરદાર
આમંત્રણ →
. રાતું રાતું ગુલાબનું ફૂલ ગુલાબમાં મહેકે છે .
સુમનવાડી

♦ રાતું રાતું ગુલાબનું ફૂલ ગુલાબમાં મહેકે છે. ♦


આવી આવી સુમનની સુવાસ, સુમનવાડી આવો !
આવો તનમનમાં ભરતાં ઉલ્લાસ, સુમનવાડી આવો !
મીઠી આવે સમીરની લહેર, સુમનવાડી આવો !
એ તો ઊતરે છે પ્રભુની મહેર, સુમનવાડી આવો ! ૧

આછાં ઊડે તળાવનાં નીર; સુમનવાડી આવો !
આવો રેલતી સરિઅતને તીર, સુમનવાડી આવો !
જુઓ નવલાં સુમનના રંગ, સુમનવાડી આવો !
એમાં ઘૂમે બહુરંગી પતંગ : સુમનવાડી આવો ! ૨

એના સૌરભમાં વિશ્વનો વિરામ, સુમનવાડી આવો !
એની પાંદડીએ દેવોનાં ધામ, સુમનવાડી આવો !
દેવપંખી ત્યાં કરતાં કલ્લોલ, સુમનવાડી આવો !
પાડે પડઘા તેમાં પ્રભુ બોલ ! સુમનવાડી આવો ! ૩

આવો આવો અમારી પૂઠે પૂઠે, સુમનવાડી આવો !
અમ પગલે પગલે કેડી ફૂટે, સુમનવાડી આવો !
નદી નાળાં કે પહાડ નહીં રોધે : સુમનવાડી આવો !
અમે ઊડીએ પછી કો ક્યાં શોધે ? સુમનવાડી આવો ! ૪