રાસચંદ્રિકા/હાલીગોરી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હાલરડું રાસચંદ્રિકા
હાલીગોરી
અરદેશર ખબરદાર
પારણું →
હાલીગોરી

♦ માતા જસોદા જુલાવે પુત્ર પારણે . ♦


મારા લાડકવાયા લાલ, જીવો જગમાં ઘણું !
તું તો છે માતાના કાળજડાની કોર;
મારી દુનિયા તો લાડકડા ! છે તુજમાં વસી,
જ્યાં જાઉં ત્યાં તુજને જોઉં ઠોરેઠોર !
મારા લાડકવાયા લાલ, જીવો જગમાં ઘણું ! ૧

મારા લાડકડાને ગાલ ગુલાબો ઝુલતા,
મારા મોંઘાનું મુખ જેમ પ્રભાત હસંત; -
તારાં નયન નયનમાં ચમકે નિર્મળ તારલા,
તુજમાં વસતી હું તો જાઉં સદાય વસંત !
મારા લાડકવાયા લાલ, જીવો જગમાં ઘણું ! ૨

મારા લાલ ! વધાવું તુજને માણેક મોતીએ,
નાનકડા ! તુજ પર વારી જાઉં હું સહેજ;
તારેહૈયે તારલડાની માળા દીપવું,
આંખલડીમાં આંજું ચાંદલિયાનું તેજ !
મારા લાડકવાયા લાલ, જીવો જગમાં ઘણું ! ૩


કિલકિલ કરતાં કાલુ વચન છે તારાં, કોડિલા !
મારા કાને કરતાં રૂપેરી રણકાર;
સુણતાં હૈયે સાગર જેવી લહેરો આવતી,
લઈ લઈ ચૂમું ચૂમું મુખ તુજ વાર હજાર !
મારા લાડકવાયા લાલ, જીવો જગમાં ઘણું ! ૪

તારાં દુખડાં લઈ લઉં, વહાલા મારા બાલુડા !
તુંને આંચ ન આવે, કરશે પ્રભુ કલ્યાણ ;
તુજ કાજે મુજમાં સો હાથણકેરું જોર છે !
તારે માટે પ્રેમે દઈ દઉં મારા પ્રાણ ! -
મારા લાડકવાયા લાલ, જીવો જગમાં ઘણું ! ૫