રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/કર્મદેવી

વિકિસ્રોતમાંથી
← દેવળદેવી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
કર્મદેવી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સતી નાગમતી →


१३६–कर्मदेवी

ચિતોડ રજપૂતાનાનું મુકુટમણિ છે. મેવાડ રાજ્યનું જયનિકેતન છે. ચિતોડનો રાણો સમરસિંહ જેવી રીતે બહાદુરી અને રણ કૌશલમાં પ્રખ્યાત હતો, તેવીજ રીતે ધાર્મિકતા અને ચરિત્રની પવિત્રતાને લીધે રૈયતમાં ઘણો શ્રદ્ધાભાજન બન્યો હતો. કવિ ચંદ એનો પરિચય આપતાં કહે છે કે, “રાવલ સમરસિંહ શૂરવીર, શાંત સ્વભાવના અને ધાર્મિક પુરુષ હતા. યુદ્ધમાં જેટલા કુશળ હતા, તેટલાજ રાજકાજમાં સલાહ આપવામાં ચતુર અને ઉત્તમ વક્તા હતા. એમના ઉપર બધા સામંતોનો પૂરો વિશ્વાસ અને પ્રેમ હતો. ચૌહાણ રાજા પૃથ્વીરાજ પણ એમને ઘણા પૂજ્યભાવથી જોતા હતા. શકુન જોવામાં, ઘોડા દોડાવવામાં, ભાલા મારવામાં અને લશ્કર ગોઠવવામાં સમરસિંહ એક્કા હતા, વિશ્રામના સમયમાં કે લડાઈના સમયમાં સામતોને સલાહ લેવાનું ઠેકાણું સમરસિંહનો તંબુ જ હતો. રાજનીતિના સંબંધમાં મેં મારા ગ્રંથમાં જે કાંઇ લખ્યું છે, તેનો ઘણોખરો ભાગ સમરસિંહના ઉપદેશથી લખ્યો છે.” એમ કહેવાય છે કે, ધર્મતેજને લીધે તેમના શરીરમાં એક અપૂર્વ જ્યોતિ દેખાતી, એટલા માટે લોકો તેમને યોગીંદ્ર કહેતા. મહાવીર સમરસિંહ પૃથ્વીરાજની બહેન પૃથાને પરણ્યા હતા. શાહબુદ્દીન ઘોરીની સાથેના યુદ્ધમાં સમરસિંહે પૃથ્વીરાજના પક્ષમાં લડીને અસાધારણ વીરતા બતાવી હતી અને પાંચ હજારથી વધારે મુસલમાન સૈનિકોનો નાશ કરીને વીરગતિને પામ્યા હતા. એ યુદ્ધમાં પતિ અને ભાઈ માર્યા ગયાના સમાચાર મળતાં, પતિવ્રતા રાણી પૃથા ચિતામાં પ્રવેશ કરીને સતી થઈ ગઈ હતી.

સમરસિંહને પૃથા ઉપરાંત એક બીજી રાણી હતી. તેનું નામ કર્મદેવી હતું. એ આપણા અણહિલપુર પાટણના ચૌલુક્યવંશી રાજાની કન્યા હતી. મેવાડમાં શૂરવીર રાણીઓ ઘણી થઈ ગઈ છે, પણ એમાં સૌથી પહેલી વીરાંગના ગુર્જર–દુહિતા આ કર્મદેવી હતી, એ આપણે માટે ઓછા ગૌરવની વાત નથી. પૃથ્વીરાજની મદદે યુદ્ધમાં જતી વખતે સમરસિંહે પોતાના સગીર વયના પુત્ર કર્ણને રાજ્યને કારભાર સોંપ્યો હતો. બાળકપુત્રના વાલી તરીકે કર્મદેવીજ રાજ્ય ચલાવતી હતી. સમરસિંહના મૃત્યુસમાચાર મળતાંવાજ પૃથા તો સતી થઈ ગઈ, પણ રાજધર્મની ખાતર બાળક પુત્રને રાજકાર્યમાં મદદ કરવા ખાતર કર્મદેવી પતિનું અનુગમન કરી શકી નહિ. કઠોર વૈધવ્યવ્રત પાળીને એ પુત્રપાલન તથા રાજ્યનું શાસન ચલાવવા લાગી.

બીજી તરફ મહંમદ ઘોરીએ દિલ્હી જીત્યા પછી બીજે વર્ષે દેશદ્રોહી કનોજરાજ જયચંદને પરાસ્ત કરીને કનોજ લીધું હતું. ધીમે ધીમે તેણે બીજા પણ હિંદુ રાજ્યો સર કર્યા અને આ પ્રમાણે ઉપરાઉપરી વિજય મળવાથી ઉત્સાહિત થઈને શાહબુદ્દીન ઘોરીના સેનાપતિ કુતુબુદ્દીને પુષ્કળ સૈન્ય સાથે વીરભૂમિ રજપૂતાનાના મુખ્ય રાજ્ય મેવાડ ઉપર આક્રમણ કર્યું.

મેવાડનો રાજા કર્ણ એ વખતે સગીર વયનો હોવાથી, કર્મદેવી રાજ્ય ચલાવતી હતી. જે પ્રબળ મુસલમાની શક્તિના પ્રવાહમાં આખું ઉત્તર હિંદુસ્તાન તણાઈ ગયું હતું, તે પ્રબળ પ્રવાહ આજે નાનકડા મેવાડ તરફ વહ્યો. એ પ્રવાહને રોકીને આજ મેવાડ પોતાનું રક્ષણ કરશે ? મેવાડના વીરપુરુષોનો નેતા સમરસિંહ હવે આ સંસારમાં નથી, તો પછી એ મહાવીર યોગિંદ્રના કુલગૌરવનું રક્ષણ કોણ કરશે ? સરદારો અને અમલદારો ચિંતાગ્રસ્ત થયા. બધાએ કર્મદેવીની પાસે જઈને સઘળી હકીકત જણાવી. કર્મદેવીએ કહ્યું: “સરદારો ! તમે આટલા બધા વીર પુરુષો જીવો છો, પછી મેવાડના રક્ષણ માટેની ચિંતા શી ?”

સરદારોએ કહ્યું: “મેવાડની સ્વતંત્રતાના રક્ષણ સારૂ અમે બધા મરવા તૈયાર છીએ. અમે તો મરીશું પણ મેવાડ તો બચશે નહિ ને ?”

કર્મદેવીએ કહ્યું: “તમે બધા જીવસટ્ટે યુદ્ધ કરશો, તો પઠાણોની મગદૂર શી છે કે મેવાડને જીતી લે ?”

સરદારોએ કહ્યું: “માજી ! મૃત્યુથી તો દેશની આબરૂનું રક્ષણ થઈ શકશે, દેશનું નહિ. આજ જો સમરસિંહ હોત તો અમારામાં બળ અને હિંમત આપત. આજ એમની સરદારીમાં લડવાનું હોત, તો સંભવ છે કે અમે આજ મેવાડનું રક્ષણ કરી શકત.”

કર્મદેવીએ કહ્યું: “સમરસિંહ આજ નથી એ વાત ખરી, પણ તેની સહધર્મિણી હું તો હજુ જીવું છું. આજ તમે એની સરદારી ખોઈ છે એ વાત ખરી, પણ મારી સરદારી તો ગુમાવી નથી. હું પોતે યુદ્ધમાં તમારી સરદાર થવા તૈયાર છું.”

વિસ્મય પામેલા સરદારો ચૂપ થઈ ગયા. કર્મદેવીએ ફરીથી કહ્યું: “સરદારો ! હું સ્ત્રી છું, એટલે તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો ? સ્ત્રી હોવા છતાં પણ હું રજપૂતરમણી છું. વીરેંદ્ર, યોગીંદ્ર, સમરસિંહની સહધર્મિણી છું. તેમની સહધર્મિણી હોવાથી હું આટલા દિવસ રાજધર્મનું પાલન કરી શકી છું. તેની સહધર્મિણી તરીકે જે હાથમાં મેં રાજદંડ ધારણ કર્યો છે તે જ હાથમાં રાજનું ખડગ ધારણ કરીને મેવાડના શત્રુનો નાશ કરીશ. યોગીશ્વર મહાતેજસ્વી મહાપુરુષ રુદ્રની સહધર્મિણી સિંહવાહિની દુર્ગાએ, જેમ દાનવોની સાથે યુદ્ધ કરીને તેમનો સંહાર કરી સ્વરાજ્યનું રક્ષણ કર્યું હતું, તેમ સમરસિંહની પત્ની તરીકે હું પણ પઠાણોનું દમન કરીને સ્વર્ગભૂમિ મેવાડનું રક્ષણ કરીશ. નિર્ભયપણે તમે આજ રણક્ષેત્રમાં મારી સાથે ચાલો. મેવાડનું રક્ષણ કદાચ ન પણ થાય, તો રણરંગિની રાણી સાથે રણક્ષેત્રમાં પ્રાણ દઈને મેવાડના ગૌરવનું રક્ષણ કરજો. પરાધીન થઈને જીવન ગાળ્યા કરતાં રણક્ષેત્રમાં મરવું લાખ દરજ્જે સારૂં છે.”

સરદારોના નિસ્તેજ નિરાશ હૃદયમાં આશાનો ઉષ્ણ પ્રવાહ વહેવા લાગ્યો. ઉલ્લાસથી બધા કર્મદેવીની જય બોલાવવા લાગ્યા. વિધવા રાણી વીરવેશમાં સજ્જ થઈ, મેવાડના વીરોને સાથે લઈ, યુદ્ધ કરવા ચાલી. શક્તિસેવક રજપૂત વીરો, શક્તિસ્વરૂપ રણરંગી કર્મદેવીની સરદારી નીચે અદમ્ય ઉત્સાહથી લડવા લાગ્યા. મુસલમાનોથી તેમનું પરાક્રમ સહન થઈ શક્યું નહિ. વીરાંગના કર્મદેવીના સૈન્યથી કુતુબુદ્દીને હાર ખાધી. ભારતવિજયી પઠાણવીર એક ભારતલલનાને હાથે પરાજિત થવાથી શરમાઈને દિલ્હી પાછો ગયો. આ પ્રમાણે વીરાંગનાએ મેવાડનું રક્ષણ કરીને અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી. એ કીર્તિ ભારતના ઈતિહાસમાંથી કોઈ દિવસ ભુંસાશે નહિ. ખરેખર, મેવાડ વીરત્વની લીલાભૂમિજ છે !!