રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/જસમા ઓડણ

વિકિસ્રોતમાંથી
← શિલા ભટ્ટારિકા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
જસમા ઓડણ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મણયલ્લદેવી →


११८–जसमा ओडण

વિક્રમની બારમી સદીમાં ગુજરાત દેશમાં સિદ્ધરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો. અણહિલપુર પાટણમાં તેની રાજધાની હતી. સિદ્ધરાજ ઘણો પ્રતાપી અને વીર રાજા હતો. પ્રજાની ઉન્નતિ અને સુખને સારૂ એ સદા પ્રયત્નશીલ હતો. પોતાના પાટનગરમાં એક સારા જળાશયનો અભાવ જોઈ ને તેણે એક વિશાળ તળાવ બંધાવવા માંડ્યું હતું. એ તળાવ સહસ્ત્રલિંગ તળાવના નામથી પ્રસિદ્ધ છે. આ તળાવનાં અવશેષ આજે પણ પાટણમાં દૃષ્ટિગોચર થાય છે. આ તળાવ ઘણું જ વિશાળ અને ગોળાકૃતિ હશે, તથા તેની આસપાસ શિવાલય બાંધ્યાં હશે એમ તેના ‘સહસ્ત્રલિંગ’ નામ ઉપરથી અનુમાન થાય છે.

એ તળાવ ખોદવા માટે સિદ્ધરાજ જયસિંહે માળવા પ્રાંતના ઓડ જાતિના કુશળ અને મજબૂત મજૂરોને બોલાવ્યા હતા. એ કામ ઉપર ઓડ જાતિનાં અનેક સ્ત્રીપુરુષ લાગેલાં હતાં. તળાવનું કામ તપાસવા સારૂ સિદ્ધરાજ ઘણી વખત સાંજને સમયે એ તળાવ ઉપર જઈ બેસતો. એક દિવસ એ બેઠો બેઠો મજૂરનું કામ તપાસી રહ્યો હતો એવામાં જસમા નામની એક ઓડણ ઉપર તેની દૃષ્ટિ પડી, ઓડ જાતિની એક સાધારણ મજૂરણ હોવા છતાં પણ જસમાનું સૌંદર્ય અપ્રતિમ હતું. એ ઘણી નાજુક અને ગૌર વર્ણની હતી. તેનું મુખ સુકોમળ અને નિર્મળ ચંદ્રમાના જેવું તેજસ્વી હતું. તેના કેશ લાંબા અને કાળા હતા, નેત્ર કમળના જેવાં હતાં, નાસિકા અણીદાર હતી; આખું અંગ ઘાટદાર હતું, તેનો હાવભાવ ચિત્તાકર્ષક હતો. આ બધાં કારણોને લીધે એ એક અપ્સરા સમાન જણાતી હતી અને આવું દૈવી સૌંદર્ય ઓડ જેવી જાતિમાં પરમાત્માએ શા સારૂ મૂક્યું હશે, એ સંબંધી ઘણાને આશ્ચર્ય લાગતું. ઓડ જાતિના વંશપરંપરાનો ધંધો ખાણમાંથી પથ્થરો ખોદવા તથા કૂવા, તળાવ વગેરે ખોદવાનો હતો. એવી જાતિમાં જન્મેલી જસમા ઓડણ કાંઈ ભણેલી ગણેલી નહોતી, એ તો વગર કહ્યેજ સૌ કોઈ સમજી શકે એમ છે; પરંતુ એ ઘણીજ સુશીલ, વિવેકી અને સદાચારી સ્ત્રી હતી. સૌંદર્યનું અભિમાન તેના મનમાં કદી પણ ઉત્પન્ન થતું નહોતું. એ સદા થોડું બોલતી, પણ તેની વાણીમાં એટલી મીઠાશ હતી કે સાંભળનાર તેના ઉપર મુગ્ધ થયા વગર રહે નહિ.

રાજા સિદ્ધરાજની દૃષ્ટિ જે વખતે જસમા ઉપર પડી તે સમયે જસમા માટીનો ટોપલો લઈને જતી હતી. કામ કરવાથી જસમાના આખા શરીર ઉપર માટી ચોંટી રહી હતી, છતાં પણ એ માટીના આવરણમાંથી પણ તેનું અસાધારણ સૌંદર્ય સ્પષ્ટ જણાઈ આવતું હતું. રાજાએ તેનું સુંદર મુખારવિંદ સ્પષ્ટ જોયું, તેના પ્રત્યેક અંગનો ઘાટ દેખ્યો, તેના આખા અંગની સુંદરતા અવલોકી; નખથી તે શિખા સુધી સિદ્ધરાજ એ ઓડણને જોતો જ રહ્યો. અનેક વાર તેણે તેના રૂપ અને યૌવનનું અવલોકન કર્યું, પણ તેની તૃપ્તિ થઈજ નહિ. જસમાની ઉંમર એ વખતે લગભગ અઢાર વર્ષ ની હતી. યૌવને પોતાનું સામ્રાજ્ય જસમા ઉપર પૂર્ણ રૂપે જમાવ્યું હતું. તેને જોતાં વારજ સિદ્ધરાજ પોતાનું રાજપદ ભૂલી ગયો. સિદ્ધરાજે પોતાનું હૃદય એ ઓડણ સુંદરીને સમર્પણ કરી દીધું અને નાતજાતનો જરા પણ વિચાર કર્યા વગર એ સુંદરીથી પોતાના રાજભવનને વિભૂષિત કરવાનો તેણે વિચાર કર્યો. રાજાએ ઈશારો કરીને જસમાને પોતાની તરફ બોલાવી, પણ જસમા તો પૂરી પતિવ્રતા હતી. એ પરપુરુષને ભાઈ સમાન ગણતી હતી. રાજાના ઈશારા ઉપર જરા પણ લક્ષ આપ્યા વગર એ તે પોતાનું કામ કરતી જ રહી. રાજાની તરફ તેણે દૃષ્ટિપાત પણ ન કર્યો.

સિદ્ધરાજ તો એજ દિવસે મિથ્યા પ્રેમના સાગરમાં ઊંડો ડૂબી ગયો હતો. તેને ખાવાપીવાનું ભાન રહ્યું નહોતું. રાજકાજમાં તેનું ચિત્ત ચોંટતું નહિ. ઉદાસ ચિત્તે એ મહેલમાં જઈને પલંગ ઉપર પડ્યો રહ્યો અને પડ્યે પડ્યે જસમાને પોતાના હાથમાં લેવાની યુક્તિઓ શોધવા લાગ્યો. વળી બીજે દિવસે એ પાછો તળાવ ઉપર ગયો અને એક મનુષ્યદ્વારા જસમાને કહેવરાવ્યું કે, “તારો પતિ બે હજાર ઓડોનો પટેલ છે, તું પટેલની સ્ત્રી છે, તારે માથા ઉપર ટોપલો ઊંચકીને કામ ન કરવું જોઈએ. તું એવા હલકા કામને યોગ્ય નથી. તું તો રાજ્યના મહેલમાં ચાલ, ત્યાં તારે માટે બધી સારી સોઈ અને સગવડ કરી આપવામાં આવશે.”

જસમાએ કહ્યું કે, “તમારા રાજાજીને કહેજો કે, હું તો મજૂરણ છું. માટીના ટોપલા ઊંચકવા એ તો અમારો વંશપરંપરાનો ધંધો છે. એ કામ કરવામાં મને જરા પણ હીણપત નથી. રાજાના મહેલમાં જવું મને પસંદ નથી. તેમને કહેજો કે મને માફ કરે. મને મારી હાલતમાં પૂરો સંતોષ છે.”

આ ઉત્તરથી રાજાને સંતોષ ન થયો. એ વધારે વ્યાકુળ બનીને જાતે જસમા ઓડણની પાસે ગયો અને કહેવા લાગ્યો “તું કોમળ સ્ત્રી છે, તારૂં શરીર આટલો બધો પરિશ્રમ વેઠવા યોગ્ય નથી, જો, તારા કોમળ હાથોની ગૌરતા ચાલી ગઈ છે. મહેનતને લીધે તારૂં ચંદ્રવદન લાલચોળ થઈ ગયું છે. તારા આખા અંગમાં પરસેવો છૂટી રહ્યો છે, તારી આવી દશા જોઈને મને ઘણી દયા આવે છે. તું મારા મહેલમાં ચાલ, હું તારે માટે જુદા મકાનનો તથા સ્વાદિષ્ટ ભોજન વગેરેનો બંદોબસ્ત કરી દઈશ.”

જસમાએ ઉત્તર આપ્યો: “મહારાજ! હું આપના મહેલમાં રહેવા કરતાં અહીં જંગલમાં રહીને મારા ધણીની સેવા કરવી વધારે પસંદ કરું છું. મને એમના દર્શનથી જેટલું સુખ મળે છે તેટલું સુખ સ્વર્ગમાં પણ મળવાની મને આશા નથી.”

રાજાએ ફરીથી કહ્યું: “ જસમા ! મારૂં કહ્યું માન! તને ઘણું સુખ મળશે. હું તને મારી રાણી બનાવીશ. તું આખા રાજ્યની અધીશ્વરી બની જઈશ. આખા શહેરમાં તારી આણ વર્તાશે. હજારો દાસીઓ તારી સેવામાં રાતદિવસ હાજર રહેશે. તું ગાદી તકિયા ઉપર બેસીને અમનચેનમાં જીવન ગાળીશ. હમણાં તો તારે ટાઢતડકા અને વરસાદમાં ફરતાં ફરવું પડે છે, સૂકા રોટલા ખાવા પડે છે અને ભોંય ઉપર સૂઈ રહેવું પડે છે; પણ મારું કહ્યું માનીશ તો તને સ્વાદિષ્ટ ભોજન ખાવાને મળશે અને મશરૂ તથા મખમલની તળાઈઓમાં સૂવાનું મળશે.”

રાજાએ તેને ઘણા પ્રકારની લાલચો બતાવી તથા મીઠી મીઠી વાતોથી તેને ફસાવવાનો ઘણોજ પ્રયત્ન કર્યો પણ જસમાના પવિત્ર હૃદય ઉપર તેના શબ્દોની જરા પણ અસર થઈ નહિ. સાક્ષાત્ મહાકાળીના જેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને એ બોલીઃ  “બસ, બસ, મહારાજ ! ઘણું થયું. હવે મને ક્ષમા કરો. હું આપની વાતો સાંભળીને મારા કાનને અપવિત્ર કરવા નથી માગતી. તમને આવી ગેરવાજબી વાત કહેતાં શરમ નથી આવતી ? રાજાનો ધર્મ એજ છે કે? હુ પતિવ્રતા નારી છું અને આપની ઇચ્છા કદી પણ કબૂલ રાખી શકું એમ નથી. તમે પ્રજાના રક્ષક છો અને પ્રજાને બાળક સમાન ગણીને તેનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે. તમે મારી આગળ મિથ્યા બકવાદ કરી રહ્યા છો. આપનું એમાં કાંઈ વળવાનું નથી. ચોરીમાં જે પુરુષનો હાથ મેં ઝાલ્યો છે તેને હું કદી છોડવાની નથી. કોઈ નજીવી વસ્તુ પણ કોઈને અર્પણ કરી દીધા પછી પાછી લઈ શકાતી નથી; તો આ દેહ કોઈને એક વાર સમર્પણ કર્યા પછી બીજા કોઈને કેવી રીતે આપી શકાય? હું સુખની ભૂખી નથી. મારે આપના મહેલના વૈભવ નથી જોઈતા. સૂકા રોટલા ખાઈને આખી જિંદગી ગાળવી પડે તેની મને પરવા નથી, પરંતુ હું મારા પતિથી એક ઘડીને માટે પણ વિખૂટી થવાની નથી. આ૫ મને વધારે આગ્રહ કરશો તો હું આપઘાત કરીને તમારે શિર સ્ત્રીહત્યાનું કલંક ચોંટાડીશ.”

રાજા નિરાશ થઈને મહેલમાં પાછા આવ્યો અને પોતાના દીવાનને બોલાવીને જસમા સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રકટ કરી તથા જસમા સાથે પોતાનું ચોકઠું બેસાડી આપે તો સારું ઈનામ આપવાની લાલચ પણ બતાવી; પરંતુ સિદ્ધરાજનો દીવાન સ્વાર્થી મનુષ્ય નહાતો. ઈનામની લાલચમાં ફસાઈને ગેરવાજબી અને નિંંદનીય કૃત્ય કરવા તૈયાર થઈ જાય એવો એ નહોતો. એ ઘણો જૂનો નોકર હતો તથા નીતિવાન, બુદ્ધિશાળી અને રાજકાજમાં પરમનિપુણ હતો. તેણે રાજાને ઘણું સમજાવ્યો તથા જસમાનો વિચાર છોડી દઈને કોઈ સારા ઘરની કન્યા સાથે વિવાહ કરવાની સલાહ આપી પણ કામાંધ રાજાને ગળે કોઈ પણ વાત ન ઊતરી.

પેલી તરફ જસમાએ પોતાના પતિની પાસે જઈને રાજાની અનીતિનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો અને જણાવ્યું કે, “અહીંયાં ઝાઝો વખત રહેવાથી મારી લાજ લૂંટાવાનો સંભવ છે માટે આપણે અહીંથી નાસી જવું જોઈએ.” એ સલાહ મુજબ જસમાનો પતિ તેને લઈને પાછલી રાતે ઘોર અંધકારમાં પલાયન કરી ગયો. વહાણું વાતાંવારજ રાજને એ વાતની ખબર પડી એટલે એ કેટલાક સવારોને લઇને જસમાને પકડી આણવા સારૂ ચાલ્યો. જસમા અને તેનો પતિ થોડે દૂર ગયાં હતાં એટલામાં રાજાના સવારોએ તેમને પકડી પાડ્યાં, જસમાની સાથે તેમની નાતના બીજા પણ અનેક ઓડ હતા. ઓડ લોકો અને રાજાના સવારો વચ્ચે સારી ઝપાઝપી ચાલી. એ લડાઈમાં ઘણા ઓડ મરી ગયા. આખરે જસમાના પતિને પણ એક સખ્ત ફટકો લાગ્યો અને તેને બચવાની આશા ન રહી. પતિનો મરણકાળ સમીપ આવેલો જોઈને જસમાએ પણ પોતાની છાતીમાં ખંજર ભોંકી દીધું તથા ક્રોધ કરીને રાજાને કહ્યું: “દુષ્ટ ! હું તો પતિના પહેલાં જ મરણ પામીને સ્વર્ગલોકમાં જાઉં છું. એક ક્ષણ પછી મારા નાથ પણ સ્વર્ગમાં મને આવી મળશે, એટલે હું તો ત્યાં એમની સાથે અખંડ સુખ ભોગવીશ. મને તો તું કાંઈ પણ નુકસાન પહોંચાડી શક્યો નથી, પણ તને તો હું મરતી વખતે શાપ દેતી જાઉં છું કે તારાં આ સહસ્ત્રલિંગ તળાવમાં પાણી રહેશે નહિ.” આટલું કહીને સતી જસમાએ શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો.

જસમાના પતિવ્રત્યનો ભાસ આપનાર એક રાસડો ગુજારાતમાં પ્રચલિત છે, ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ પ્રગટ કરેલા ‘રાસમાળા’ નામના અમૂલ્ય પુસ્તકમાંથી વાચક બહેનોના વિનોદ ને સારૂ અમે તેને નીચે ઉતારીએ છીએ.

(રાસડો)

રાજા બેઠો ભરી સભાએ, જાચક આવ્યા જાચવા;
સર્વે નારી ભણે રાજા–ટેક.
રાજા રે ! જસમાનું રૂપ, એ રે નારી તમ ઘર શોભતી; સર્વે○
રાજાએ મેલ્યા બારીગર બે ચાર, કે જાઓને જસમાને તેડવા. સર્વે○
ગાયો ચારતલ ભાઇ રે ગોવાળ, કે ક્યાંરે વાંસો આડાતણો ? સર્વે○
ખિરખરીઆરડી વાડ, કે ઘૂઘરિયાળો ઝાંપલો. સર્વે○
કાગળ દીધો જસમાને હાથ કે જસમાએ વાંચીને માથું ધૂણિયું. સર્વે○
જસમાએ દીધો સસરાને હાથ, સસરે વાંચીને માથું ધૂણિયું. સર્વેo
વહુ ! તારું રૂપ સુરૂપ, એણે રે રૂપે લાંછન લાગશે. સર્વે○
સસરા ! તું હઈડે મ હાર, નહિ રે ટળું જસમા ઓડણી, સર્વે○
જસમાને વારે છે બાપ, મ જાજો ધીઅડી રે ગઢ માંડવે. સર્વે○
ઘેલા બાપા ઘેલડું શું બોલ, એક વાર જાઉં ગઢ માંડવે, સર્વે○
હારો રે દળાવ્યા જસમાએ ઘઉં, કળશી દળાવ્યો જસમાએ બાજરો.
વિજયા દશમ કેરી રાત, ઓડોએ ઉચાળા ખડકીયા. સર્વે○

શરદ પૂનમ કેરી રાત, ઓડોએ ઉચાળા પલાાણિયા, સર્વે○
ઓડોને ઉતારા દેવરાવો, કે જસમાને ઉતારા મેડિચે, સર્વે○
મેડિયે તારી રાણીને બેસાડ, અમે રે ઓડોને ભલાં ઝૂંપડાં. સર્વે○
ઓડણોને દાતણિયાં દેવરાવ, જસમાને દાતણ દાડમી. સર્વે○
દાતણ તારી રાણીને દેવરાવ, અમે રે ઓડોને ભલી ઝીલડી. સર્વે○
ઓડણોને ભોજનિયાં દેવરાવો, જસમાને ભોજન લાડવા. સર્વે○
લાડવા તારી રાણીને જમાડ, અમે રે ઓડોને ભલી રાબડી, સર્વે○
ઓડણોને મુખવાસિયા દેવરાવ, જસમાને મુખવાસ એલચી. સર્વે○
એલચી તારી રાણીને ખવરાવ, અમે ઓડોને ભલી મોથડી. સર્વે○
ઓડણોને પોઢણિયા દેવરાવ, જસમાને પોઢણ ઢોલિયો. સર્વે○
ઢોલિયે તારી રાણીને સુવરાવ, અમે રે ઓડોને ભલી ગોદડી. સર્વે○
જસમા ઓડણ હાલો મારે દ્વાર, કહો તો બતાવું મારી રાણીઓ.
જેવું તારું રાણીઓનું રૂપ, તેવી રે મારે ઘેર ભોજાઈઓ. સર્વે○
જસમા ઓડણ અમારે ઘેર હાલ, કહો તો બતાવું મારા કુંવરો. સર્વે○
જેવું તારા કુંવરોનું રૂપ, તેવા રે મારે ઘેર ભત્રીજા. સર્વે○
જસમા ઓડણ હાલો મારે દ્વાર, કહો તો બતાવું મારા હાથીઓ. સર્વે○
જેવું તારા હાથીઓનું રૂપ, તેવી રે મારે ઘેર ભેંસડી. સર્વે○
કેવડું ખણાવશો તલાવ ? કેવડી ખણાવસો તલાવડી? સર્વે○
લાખે ખણાવશું તલાવ, અરધ લાખે તલાવડી. સર્વે○
જસમા તારો પરણ્યો દેખાડ, કિયો રે જસમા તારો ઘરધણી. સર્વે○
સોનઈયો હીંસ છે હાથ, રૂપલા વેઢ ઓડો તણા. સર્વે○
જસમા માટી થોડેરી ઉપાડ, તારી રે કેડે લિચ્ચક લાગશે, સર્વે○
ઘેલા રાજ ઘેલડું શું બોલ? એહ રે અમારો કસબ થયો. સર્વે○

આ રાસડો અધૂરો છે, પણ એટલા ઉપરથી જ જસમાના સતીત્વ, પતિભક્તિ અને આત્મગૌરવનો પરિચય મળે છે. આ રાસડો રચનારનો ઉદેશ પણ સ્ત્રીઓમાં પાતિવ્રત્યના મહિમાને પ્રચાર કરવાનો હોવો જોઈએ.