રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/દેવળદેવી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વીરકન્યા તાજકુંવર રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
દેવળદેવી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
કર્મદેવી →


१३५–देवळदेवी

ઉદાર હૃદયની વીરમહિલા પ્રસિદ્ધ વીર આલ્હા અને ઉદલની માતા હતી. ટૉડ સાહેબે તેના સંબંધમાં લખ્યું છે કે, દેવળદેવીએ નીચે લખેલા પ્રસંગ ઉપર જેવી સ્વામીભક્તિ પ્રકટ કરી હતી તેવી સ્વામીભક્તિનું દૃષ્ટાંત આખી દુનિયાની કોઈ જાતિમાં નહિ મળે. એ વૃત્તાંત ઉપરથી રજપૂત સ્ત્રીઓના આચારવિચાર, ઉચ્ચ ભાવના, આત્મસન્માન તથા આત્મોસર્ગનો પરિચય મળે છે.

પૃથ્વીરાજ, યાદવવંશીય રાજા વિજયપાલની રાજકુમારી સાથે વિવાહ કરીને થોડીક સેના સાથે દિલ્હી પાછો જઈ રહ્યો હતો. એટલામાં શાહબુદ્દીન ઘોરીની મોટી સેનાએ તેના ઉપર આક્રમણ કર્યું. ઘોર યુદ્ધ થયા પછી શાહબુદ્દીનની હાર થઈ. એ લડાઈમાં શાહબુદ્દીનના ૫૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને એ પોતે પણ કેદ પકડાચો હતો. છેવટે ૮૦૦૦ ઘોડા દંડ તરીકે આપીને એ બંધનમાંથી છૂટ્યો હતો. પૃથ્વીરાજ એ યુદ્ધમાં વિજયી થઈને દિલ્હી ચાલ્યો આવ્યો, પણ એની સેનામાંના કેટલાક ઘાયલ થયેલા સેનિકો પાછા આવતી વખતે રસ્તો ભૂલી ગયા. ભટકતા ભટકતા તેઓ મહોબા જઈ પહોંચ્યા. સાયંકાળે તેઓ મહોબાનગરની સમીપ આવ્યા ત્યારે પ્રચંડ આંધી સાથે વરસાદ વરસવા લાગ્ય. પાસેજ મહોબાના રાજા પરમાર ચંદેલનો બગીચો હતો. ઘાયલ સૈનિકો વિશ્રામ કરવા સારૂ એ બાગમાં પેસવા લાગ્યા, પણ બાગના માળીએ તેમને રોક્યા. એથી ગુસ્સે થઈને પૃથ્વીરાજના એક સૈનિકે તેનું શિર કાપી નાખ્યું. માળીની સ્ત્રી રોતી રોતી રાણીની પાસે પહોંચી અને પોતાના પતિના મૃત્યુ માટે ઘણો વિલાપ કરવા લાગી. રાણીએ એ દુર્ઘટનાના સમાચાર રાજાને કહ્યા. રાજાએ ચૌહાણ ચોદ્ધાઓને દમન કરવા સારૂ સૈનિકોનું એક દળ મોકલ્યું; પરંતુ પૃથ્વીરાજના વીર સૈનિકો ઘાયલ હોવા છતાં પણ એવી વીરતાથી લડ્યા કે અનેક ચંદેલ યોદ્ધાઓનો તેમણે જોતજોતામાં વધ કરી નાખ્યો. એ સમાચાર પણ પરમાર રાજાની પાસે પહોંચ્યા. તેથી તેને ઘણો ગુસ્સો આવ્યો અને તેણે એ ઘાયલ સૈનિકોને પકડી લાવવાનો ઉદલને હુકમ આપ્યો. ઉદલે કહ્યું: “મહારાજ, ઘાયલો ઉપર શસ્ત્રોનો પ્રહાર કરવો એ વીર પુરુષોનો ધર્મ નથી.” પરંતુ રાજા પરમારના બે મંત્રીઓ ઉદલ ઉપર અંદરખાનેથી ઘણો દ્વેષ રાખતા હતા. તેમણે તેનું કાસળ કાઢવાનો આ લાગ સાધીને કહ્યું કે, “મહારાજ, ઉદલ પૃથ્વીરાજથી બીએ છે, માટે આવું બહાનું કાઢે છે.” કાચા કાનના રાજા પરમારે પોતાની આજ્ઞા પાળવા માટે ઉદલને વિશેષ આગ્રહ કર્યો; ઉદલે લાચાર થઈને ઘાયલ થયેલા શત્રુઓ ઉપર આક્રમણ કર્યું. એ વખતે ચૌહાણ સૈનિકોની સંખ્યા વીશની હતી, એમ છતાં પણ તેમણે ઉદલ જેવા વીરયોદ્ધા સાથે ઘણી સારી પેઠે ટક્કર ઝીલી. એ જાણતા હતા કે, અમારાં શરીર પહેલેથીજ ઘાયલ થયેલાં છે અને બળવાન શત્રુ સાથે યુદ્ધ કરવાનું છે, એમ છતાં પણ તેમણે શત્રુને શરણે ગયા કરતાં યુદ્ધક્ષેત્રમાં મરવું વધારે યોગ્ય ધાર્યું.

એમનામાં કનક ચૌહાણ નામનો એક મોટો વીર યોદ્ધો હતો. એ બધાનો સરદાર બનીને ઘણી હિંમતથી યુદ્ધ કરવા સારૂ ઉદલની સામે આવ્યો. એકે એકે બધા ચૌહાણ યોદ્ધાઓએ યુદ્ધમાં સંપૂર્ણ વીરતા પ્રગટ કરી અને વીરગતિને પ્રાપ્ત થયા. એ નાનું સરખું યુદ્ધજ આલ્હા અને ઉદલના વંશના નાશનું કારણ થયું. પૃથ્વીરાજે જ્યારે પોતાના ઘાયલ થયેલા યોદ્ધાઓના સંહારના સમાચાર સાંભળ્યા, ત્યારે તેના ક્રોધનો પાર રહ્યો નહિ. ઘણી મોટી સેના સાથે મહોબા ઉપર ચડાઈ કરવાને તેણે પ્રસ્થાન કર્યું. માર્ગમાં ચંદેલા રજપૂતાનાં એકેએક ગામને બાળતા બાળતા પૃથ્વીરાજના સૈનિકો મહોબા તરફ ચાલ્યા. એ ચડાઈ વખતે પરાક્રમી યોદ્ધા આલ્હા અને ઉદલ કનોજમાં હતા. એ મહોબા છોડીને ચાલ્યા ગયા હતા. તેમનું મહોબા છોડીને ચાલ્યા જવાનું કારણ એ હતું કે, એક વાર રાજા પરમાર કાલિંજર ગયો હતો. એ કાલિંંજર દેવળદેવીના સ્વામી જસરાજને મહોબાના રાજા તરફથી તેની સેવાઓના બદલામાં જાગીર તરીકે મળ્યું હતું. મહોબાના રાજાને આલ્હાની એક ઘોડી ઘણી પસંદ પડી ગઈ, તેથી એ ઘોડી તેની પાસેથી લેવાની તેણે ઈચ્છા કરી. આલ્હાએ ઘોડી આપવાની ના કહી. મહોબાના રાજાએ એ બહાદુર યુવકની આગલી સેવાનો કાંઈ પણ વિચાર કર્યા વગર તેને ત્યાંથી ચાલ્યા જવાની આજ્ઞા આપી. રાજાની આજ્ઞા માનીને એ બન્ને ભાઈઓ મહોબાની હદમાંથી ચાલ્યા ગયા અને કનોજમાં જઇને રહ્યા. ત્યાં એમને સારી નોકરી મળી ગઈ તથા પ્રતિષ્ઠા પણ ઘણી વધી પડી.

રાજા પરમારને પૃથ્વીરાજના આક્રમણના સમાચાર મળ્યા, ત્યારે તેને આલ્હા અને ઉદલનું સ્મરણ થયું. તેને પોતાની વર્તણૂંક માટે ઘણો પશ્ચાત્તાપ થયો. તેણે પોતાના મંત્રીઓ અને સરદારોને બોલાવીને યુદ્ધના વિષયમાં વિચાર ચલાવવાને એક સભા ભરી. મંત્રીઓએ સલાહ આપી કે, “મહોબાના કિલ્લા ઉપરથીજ લડાઈ થવી જોઈએ.” રાજાએ તેમની સૂચના માન્ય પણ રાખી; પરંતુ રાજકુમાર બ્રહ્માજિત્‌ને એ સલાહ પસંદ ન પડી. તેણે ઊભા થઈને કહ્યું કે, “વૃદ્ધાવસ્થામાં તમારા બધાની ઇંદ્રિયો શિથિલ થઈ ગઈ છે અને બુદ્ધિ મંદ પડી ગઈ છે. સ્ત્રીઓની પેઠે ઘરમાં બેસી રહીને માતૃભૂમિની દુર્દશા રજપૂત જોઈ શકે કે ? હાય ! પૃથ્વીરાજની સામા થવા જેટલી શક્તિ ચંદેલાઓમાં નથી કે ? શું ચંદેલાઓ પોતાના પૂર્વજોની કીર્તિ એકદમ ભૂલી જશે ? તેમને પોતાના પૂર્વજોનું સ્મરણ પણ નથી આવતું ? જન્મીને મરતું કોણ નથી ? પરંતુ જે કંઈ જન્મીને સ્વદેશની સ્વાધીનતા માટે મરે છે, તેનું જ મૃત્યુ પ્રશંસનીય છે.” કુમાર બ્રહ્માજિત્‌નાં આ વચનો સાંભળતાં વાર જ યોદ્ધાઓની નસો જોરથી ચાલવા લાગી અને ઘણા આવેશમાં આવી જઈને તેમણે અસીમ પરાક્રમ બતાવવાની દૃઢ પ્રતિજ્ઞા કરી. મલખાન, અરિસિંહ, વીરસિંહ અને નરસિંહ એ ચાર સરદાર સેના લઈને પૃથ્વીરાજને રોકવા માટે આગળ ગયા. સિરસાવા નામક સ્થાનમાં બન્ને સેના વચ્ચે ચુદ્ધ જામ્યું. બન્ને પક્ષના સૈનિકો ઘણી વીરતાથી લડ્યા; પરંતુ અંતમાં પૃથ્વીરાજની સેનાનોજ વિજય થયો. એ પરાજયના સમાચાર મહોબા પહેાંચ્યા ત્યારે આખા શહેરમાં શોક પ્રવર્તી રહ્યો. બધાએ પરસ્પર સલાહ લઈને નિશ્ચય કર્યો કે, આલ્હા અને ઉદલને મહોબા પાછા બોલાવવા જોઈએ. તેમણે બીજી તરફથી પૃથ્વીરાજને એક માસ સુધી યુદ્ધ બંધ કરવાની વિનંતિ કરી. પૃથ્વીરાજ વીરપુરુષ હતો તેથી તેણે ઘણી ઉદારતાથી પરમારની પ્રાર્થના માન્ય રાખી.

જગમાલ નામનો ભાટ રાજાની આજ્ઞાથી આલ્હા અને ઉદલને બોલાવવા માટે કનોજ પહોંચ્યો અને તેમની પાસે જઈને પૃથ્વીરાજની ચડાઈનું વૃત્તાંત સવિસ્તર કર્યું તથા જણાવ્યું કે, “મહોબાના રાજા તમારી મદદ ચાહે છે. તમને રાણી મીનળદેવી ઘણાં સંભારે છે. તમારૂં સ્મરણ થતાંવારજ તેમની આંખમાં અશ્રુ આવે છે અને રોતાં રોતાં કહે છે કે, “હાય, એ બે ભાઈઓના ચાલ્યા જવાથી અમારા રાજ્યમાંથી ચંદેલવંશની બધી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા લુપ્ત થઈ ગઈ છે. તમે મહોબા નહિ આવો તો પછી પસ્તાવું પડશે, માટે હમણાંજ મહોબા આવવાને તૈયાર થાઓ.”

એ ભાઈઓએ જગમાલ ભાટની વિનતિ ઉપર જરા પણ લક્ષ આપ્યું નહિ. એમણે કહ્યું: “તમારા મહોબા ઉપર ધૂળ પડો ! અમારે એની શી ગરજ છે ? જે રાજાએ વગર કારણે અમને દેશનિકાલ કર્યા છે, તેમની મદદે અમે નથી આવવાના. તમારા રાજાને અમારી તરફથી કહી દેજો કે, આ વખતે એકલા પૃથ્વીરાજની સાથે લડે. અમારા બાપે મહોબા રાજ્યની જિંદગીપર્યત સેવા કરી અને તેમની તરફથી અનેક યુદ્ધો કરીને રાજ્યની મર્યાદા વધારી. અમે પણ દેવગઢ, ચંદેરી વગેરે મજબૂત ગઢ જીત્યા છે.”

વળી આલ્હાએ કહ્યું: “મેં કછવાહા રાજાને જીત્યો, ગયામાં વિજય મેળવ્યો, રૈપુરા જીત્યું, ગંગા અને યમુનાના પ્રદેશમાં અપૂર્વ વીરતા બતાવી, મેવાતનો નાશ કર્યો, સાત લડાઈઓમાં હું ઘાયલ થયો અને પિતાના મૃત્યુ પછી ચાલીસ યુદ્ધમાં મેં વિજય પ્રાપ્ત કર્યો. ત્રણ મોટા મોટાં યુદ્ધમાં હું મરતાં મરતાં બચ્યો. ચંદેલ રાજ્યની પ્રતિષ્ઠા મારી મહેનતથી સચવાઈ રહી છે, પણ તેને બદલે મને એ મળ્યું કે જન્મભૂમિમાંથી અમે દેશનિકાલ થયા.”

તેમને તેડવા ગયેલા દૂતે કહ્યું: “રાજા પરમારની બાલ્યાવસ્થામાં એમના પિતા ગુજરી ગયા હતા અને અંતકાળે રાજાની સંભાળ રાખવાનું કામ તમારા પિતા જસરાજને સોંપ્યું હતું. તમારા પિતા રાજાના પિતાસ્થાને હતા. તમે એમના ધર્મબંધુ છો. રાજા ઉપર આવી પડેલી આ આફતને સમયે તમારે તેમને છોડી દેવા ન જોઈએ. જે રજપૂત આપત્તિ સમયે પોતાના રાજા સાથે વિશ્વાસઘાત કરે છે તે અંતે નરકગામી થાય છે. તમારા પિતાની પેઠે સ્વામીભક્ત બની રહો. તમારા જન્મના ઉત્સવમાં રાજાએ લાખો રૂપિયા ખર્ચ કર્યો હતો અને તમે તેને આપત્તિગ્રસ્ત થઈને સુખેથી કનોજમાં બેસી રહે એ વાજબી છે કે ? મીનળદેવી રાણી તો તમને પોતાના પુત્રતુલ્ય ગણે છે અને તમને મળવાને માટે ઘણીજ ઉત્સુક છે. તેમણે મારી સાથે તમારી માતાને કહેવરાવ્યું છે કે, ‘બહેન ! તમે વારેઘડીએ કહેતાં હતાં કે, હું મરણપર્યંત મહોબા નહિ છોડું, આજે એ પ્રતિજ્ઞા પૂર્ણ કરો.’ જે મનુષ્ય પ્રતિજ્ઞાનો ભંગ કરે છે તે નરકમાં જાય છે.”

દેવળદેવીએ રાણીનો આ સંદેશો સાંભળીને ઊંચે સ્વરે કહ્યું: “પુત્રો ! ઊઠો અને જલદી મહોબા પહોંચો.” આલ્હા તો માની આજ્ઞા સાંભળીને ચૂપ રહ્યો, પણ ઉદલે ઉત્તર આપ્યો કે, “મહોબા સાથે અમારે કાંઈ લાગતુંવળગતું નથી. જે દિવસે રાજાએ અમારૂં અપમાન કરીને દેશમાંથી કાઢી મૂક્યા હતા, એ દિવસ હજુ અમે ભૂલી ગયા નથી. હવે તો કનોજ અમારૂં નિવાસસ્થાન છે.” દેવળદેવીએ એકદમ ગુસ્સે થઈને કહ્યું: “હાય ! હું વાંઝણી શા માટે ન રહી ? રજપૂતોની મર્યાદા વિરુદ્ધ આપત્તિમાં આવી પડેલા રાજાની મદદે નહિ જનારા પુત્રો મેં શા સારૂ જણ્યા ?” પછી દુઃખપૂર્ણ હૃદયે આંખમાં આંસુ સાથે કહેવા લાગી: “હે ઈશ્વર ! શા માટે તે કુળને કલંક લગાડનાર આ પુત્રોનો મારે પેટે જન્મ આપ્યો. ખરો ક્ષત્રિય હોય છે, તે તો યુદ્ધનું નામ સાંભળતાંવારજ ઉમંગમાં આવી જાય છે અને પોતાનું પરાક્રમ બતાવવાનો પ્રસંગ મળ્યાથી ખુશખુશ થઈ જાય છે; પરંતુ આ દુષ્ટો તો એવા કપૂત નીકળ્યા કે એમને જસરાજનાં સંતાન કહેતાં પણ શરમ આવે છે.”

માતાનાં આ કોધવચન સાંભળીને બન્ને પુત્રો ઉદાસ મુખે અને શોકાશ્રુપૂર્ણ નયન સાથે ઊભા થયા અને કહેવા લાગ્યા: “આજે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે, મહોબાના રક્ષણને માટે રણક્ષેત્રમાં અમે અમારા કુળની આબરૂ અમર રહે એવાં પરાક્રમ નહિ કરીએ, ત્યાં સુધી અમે તમને મોં નહિ બતાવીએ.”

આખરે કનોજના રાજાની રજા લઈને આલ્હા અને ઉદલ મહોબા ગયા. જતી વખતે કાંઇક અપશુકન થયા. તેમને તેડવા આવેલા કવિરાજે એ અપશુકનોનું ફળ જણાવ્યું; પણ એ બે વીર ભાઈઓએ હસીને કહ્યું કે, “ધર્મયુદ્ધમાં જનાર ક્ષત્રિય વીરોને માટે મૃત્યુ હર્ષદાયક છે, શોકજનક નથી. ક્ષાત્રધર્મ ઘણો કઠણ છે, કંટકમય છે; પરંતુ અમે એને જરા પણ કષ્ટસાધ્ય નથી ગણતા. જે થવાનું હોય તે થાય. અમે યુદ્ધમાં હર્ષપૂર્વક મરવાને માટે સદા તૈયાર છીએ.” આ પ્રમાણે કહીને બન્ને ભાઈઓએ ઘોડાઓને વેગપૂર્વક ચલાવ્યા. મહોબામાં પેસતાંવારજ તેમણે કેસરિયાં વસ્ત્ર ધારણ કર્યાં. રજપૂતોને જ્યારે મરવાનો સમય આવે છે, ત્યારે તેઓ એવાં વસ્ત્ર પહેરીને યુદ્ધમાં ઊતરી પડે છે અને મરણિયા થઈને લડે છે. મહોબનો રાજા એ બે વીરોનું સ્વાગત કરવા સામે આવ્યો. રાણી મીનળદેવીએ પણ તેમનો ઘણો સત્કાર કર્યો તથા પોતાની મદદે આવવા માટે ધન્યવાદ આપ્યો. તેણે બન્ને ભાઈઓને પોતાની પાસે બોલાવીને માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ દીધો. બન્નેએ નીચા નમીને રાણીને દંડવત્ કર્યા. આલ્હાએ કહ્યું: “મારૂં શિર મહોબાને અર્પણ છે.” રાણીએ એક રત્ન ભરેલો થાળ તેના માથા ઉપરથી ન્યોચ્છાવર કરીને ગરીબોને વહેંચી દીધો. તેમને તેડી લાવનાર દૂતને ચાર ગામ બક્ષિસ મળ્યાં.

પૃથ્વીરાજને આલ્હા અને ઉદલના આવ્યાના સમાચાર મળ્યા, ત્યારે તેણે દૂત મોકલીને કહેવરાવ્યું કે, “યુદ્ધને માટે તૈયાર થઈ જાઓ, કાં તો મહોબા અમને સોંપી દો.” પરમાર રાજાએ ઉત્તર મોકલ્યો કે, “રવિવારે યુદ્ધ થશે.” પરંતુ પૃથ્વીરાજે રવિવારને બદલે શુક્રવારને દિવસે જ રણવાદ્ય વગાડ્યાં અને કહેવરાવ્યું કે, “તમને જેટલો અવકાશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેટલો અવકાશ મળી ચૂક્યો, હવે વધુ સમય આપી શકાય એમ નથી.” દિલ્હીની સેના યુદ્ધને માટે તૈયાર થઈ અને યુદ્ધનો ઝંડો જે મેદાનમાં દાટ્યો હતો, તે મેદાનમાં બધા એકઠા થયા.

યુદ્ધમાં જતાં પહેલાં મહોબામાં યુદ્ધ સંબંધી વિચાર કરવા માટે એક દરબાર ભરાયો હતો. મીનળદેવી અને દેવળદેવી પણ પડદામાં બેસીને સભાનું કામ જોતી હતી. મીનળદેવીએ કહ્યું: “આલ્હાની મા ! પૃથ્વીરાજ ઉપર વિજય કેવી રીતે મળી શકશે ? આ યુદ્ધમાં આપણો પરાજય થશે, તો મહોબા હાથથી જશે. વળી જો આપણે યુદ્ધ કર્યા વગર જ પૃથ્વીરાજના ખંડિયા રાજા બનીએ છીએ, તો તેથી આપણા કુળનું ગૌરવ જાય છે.”

એના જવાબમાં દેવળદેવીએ કહ્યું: “પહેલાં સરદારો શી સલાહ આપે છે, તે આપણે સાંભળીએ.” માતાના આ શબ્દો સાંભળીને આલ્હા બોલી ઊઠ્યો: “હે મા ! તમારા પુત્રની વાત ધ્યાનપૂર્વક સાંભળો. ક્ષત્રિયોને પોતાના સ્વામીની સાથે નિમકહલાલી કરવાની હંમેશાં ઈચ્છા હોય છે. જે ક્ષત્રિયમાં સ્વામીભક્તિ છે, તે તો હંમેશાં પોતાના સુખનો વિચાર કર્યા વગર પ્રાણ સમર્પણ કરશે. ચૌહાણોની સાથે યુદ્ધ કરીને હું એવું પરાક્રમ બતાવીશ કે, જે સદા યાદ રહેશે. હે મહારાજ ! હું મારા બાળક પુત્ર ઇદલને તમારે શરણે મૂકું છું. મારૂં મૃત્યું થાય તો એની સંભાળ રાખજો. મારી માતા માટે મારે કાંઈ કહેવાનું નથી. એ બધી રીતે યોગ્ય છે અને પોતાનું કર્તવ્ય ઘણી સારી રીતે સમજે છે.”

દેવળદેવીએ કહ્યું: “શૂરવીર પુત્ર ! તે ઠીક કહ્યું.”

સભામાં બિરાજેલા બધા આલ્હાને ધન્યવાદ દઈ પ્રશંસા કરવા લાગ્યા.

કેટલાક કાયર પુરુષોએ સલાહ આપી કે, “પૃથ્વીરાજ ચૌહાણનું લશ્કર ઘણું વધારે છે, તેની સામે આપણાથી ટક્કર ઝીલી શકાશે નહિ; માટે એમની સાથે સંધિ કરીને ખંડણી આપવાનું વચન આપવું એજ વધારે ડહાપણભરેલું છે.” પરંતુ એ દોઢડાહ્યાઓની સલાહના જવાબમાં ઉદલે કહ્યું: “તમે બધા અત્યારે ડાહી ડાહી વાતો કરવા આવ્યા છો, પણ પૃથ્વીરાજના ઘાયલ થયેલા માણસોની સામે ધર્મવિરુદ્ધ પ્રહાર કર્યા હતા, તે વખતે તમે બધા ત્યાં ગયા હતા ? એ વખતે વિચાર નહોતો કર્યો કે, પૃથ્વીરાજ આનો બદલો લીધા વગર છોડશે નહિ ? હવે તો છેવટનો નિશ્ચય તલવારથીજ થશે, હવે તો તમે બધા તલવાર ખેલીને એવું પરાક્રમ બતાવો કે, તમારા માબાપનું નામ જગતમાં વિખ્યાત થઈ જાય. જુઓ, પૃથ્વીરાજના સૈનિકોએ આપણી પ્રજામાંથી જેમનાં ઘરબાર લૂંટી લીધાં છે, ખેતરપાદર સળગાવી મૂક્યાં છે તેઓ અહીંયાં આપણી પાસે ફરિયાદ કરવા આવ્યા છે. તેમને ઈન્સાફ આપશો કે નહિ ? એમની ખાતર આપણે યુદ્ધ કરવું જોઈએ કે નહિ ? હે યોદ્ધાઓ ! ઊઠો અને ચંદેલ રાજ્યની પ્રાચીન પ્રતિષ્ઠાને કલંક ન લગાડો. જ્યાંસુધી મારા દેહમાં જીવ છે, ત્યાંસુધી મહોબાને હાથમાંથી નહિ જવા દઉં.”

દેવળદેવી પોપિતાના શૂરવીર પુત્રની વાત સાંભળીને ગદ્‌ગદ થઈ ગઈ અને કહેવા લાગી કે, “આજ મારી કૂખને ધન્ય છે. આજ તારાં વચનો સાંભળીને હું ઘણી પ્રસન્ન થઈ છું. મારી ખાતરી છે કે તારા પરાક્રમના સંબંધમાં પણ હું ઘણી પ્રશંસા સાંભળીશ.”

યુદ્ધનો સમય જેમ જેમ પાસે આવતો ગયો, તેમ તેમ શૂરવીરોનો ઉત્સાહ વધતો ગયો અને કાયરોનાં હૈયાં ગભરાવા લાગ્યાં.

રાજાએ કહ્યું કે, “કાલે શનિવાર છે એટલે પરમ દિવસે શત્રુની સેના સાથે યુદ્ધ થશે.”

આ શબ્દો સાંભળીને આલ્હાએ કોધપૂર્વક કહ્યું: “આ૫ સર્વે શત્રુનું પ્રજાપીડન અને આક્રમણ જોઇ રહ્યા છો, છતાં પણ યુદ્ધને પરમદિવસ ઉપર મુલતવી રાખો છો ! જે ક્ષત્રિય એવા પ્રસંગે શિથિલતા રાખે છે, તે અવશ્ય નરકગામી થાય છે અને જે યોદ્ધાઓ બીજી કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર પોતાનું કર્તવ્યપાલન કરે છે, તે સ્વર્ગનું સુખ ભોગવે છે અને તેનું નામ ચિરકાળ સુધી ઈતિહાસમાં પ્રસિદ્ધ રહે છે.”

રાજા ચૂપચાપ રાણી મીનળદેવીની પાસે ગયો. તેણે પણ તત્કાળ યુદ્ધમાં જવાની સલાહ આપી અને કહ્યું કે, “હમણાં ને હમણાં તમે આપણી સેનાના અધ્યક્ષ બનીને યુદ્ધક્ષેત્રમાં સિધાવો.”

વીરયોદ્ધાઓ એ રાતે શાંતિપૂર્વક સૂઈ રહ્યા. પ્રાતઃકાળે ઊઠીને ધર્મ સંબંધી નિત્ય નિયમિત કાર્યો કરીને, પોતાની માતાઓ તથા પત્નીને મળીને તેઓ યુદ્ધને માટે વિદાય થયા. જતી વખતે આલ્હાએ પોતાની માતા આગળ પોતાની પ્રતિજ્ઞા ફરીથી કહી સંભળાવી કે, “આજ હું યુદ્ધમાં મારૂં અને મારા પિતા જસરાજનું નામ પ્રસિદ્ધ કરીશ. આજ હું જગતને બતાવી આપીશ કે, હું દેવળદેવી જેવી વીર માતાનો પુત્ર છું.”

ઉદલે કહ્યું: “હું પણું આપનું અનુકરણ કરીશ.”

દેવળદેવીએ કહ્યું: “જાઓ, બેટા જાઓ. ઈશ્વર તમારા સંકલ્પ પૂર્ણ કરશે.”

એ યુદ્ધમાં આલ્હા અને ઉદલે એટલું બધું પરાક્રમ બતાવ્યું કે, આજ પણ ‘આલ્હાખંડ’ ઉત્તર હિંદુસ્તાનમાં ઘેરઘેર વંચાય છે અને દુર્બળ હૃદયમાં પણ અપૂર્વ વીરતાનો સંચાર કરે છે.

આલ્હા અને ઉદલનાં આખ્યાનોથી સાબિત થાય છે કે, વીરમાતાના પુત્રોજ વીર નીવડે છે. દેવળદેવીએ તેમને યોગ્ય સમયે સ્વામીભક્તિનો ઉપદેશ ન કર્યો હોત તો પોતાનું પરાક્રમ દર્શાવવાનો એ સરસ પ્રસંગ ફરીથી તેમને ન મળત.