રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/મખદૂમ–ઈ–જહાં–બિદરની બેગમ

વિકિસ્રોતમાંથી
← સાધ્વી રૌશનાઆરા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
મખદૂમ–ઈ–જહાં–બિદરની બેગમ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ગંગાદેવી →


१५२—मखदूम-ई-जहां-बिदरनी बेगम

ક્ષિણમાં ઈ. સ. ૧૩૪૭ માં અલાઉદ્દીન હુસેન ગંગુ નામના એક અફઘાન મુસલમાને પોતાના આગલા સ્વામીના સમરણાર્થે ‘બ્રાહ્મણી વંશ’ ની સ્થાપના કરી હતી. એ વંશમાં કેટલાએ પ્રતાપી બાદશાહ થયા. બેએક સ્ત્રીઓ પણ થઈ ગઈ. પ્રસિદ્ધ સુલતાના ચાંદબીબી એજ વંશની હતી. એનાં શૌર્ય, પ્રતા૫ અને રાજનીતિનો પરિચય તેના ચરિત્રમાં આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. એના પણ પહેલાં એ વંશમાં એક વીર, ચતુર અને રાજકાર્યમાં કુશળ સુલતાના થઈ ગઈ છે.

આ વંશની રાજધાની પહેલાં ઇતિહાસપ્રસિદ્ધ બિદ૨ નગરમાં હતી. એ શહેર અહમદશાહ સુલતાને ભીમા નદીને કિનારે એક સુંદર અને રમણીય સ્થાનમાં વસાવ્યું હતું. કાળચક્રની ગતિથી બિદરનો પુરાણો વૈભવ આજ રહ્યો નથી. હવે તો એ નાનું સરખું કસબાનું ગામ છે. બિદરના નાશનું મુખ્ય કારણ એના રહેવાસીઓનો કુસંપ હતું. ત્યાં આગળ દેશી અને પરદેશી એવા બે ભાગ પડી ગયા હતા. જે મુસલમાનો ત્યાં ઘણા લાંબા સમયથી વસ્યા હતા, તે દેશી ગણાતા હતા અને નોકરીધંધાની ખાતર આવી વસેલા ઈરાની, કાબૂલી વગેરે પરદેશી કહેવાતા હતા.

સુલતાન અલાઉદ્દીન બીજાના મૃત્યુ પછી ઇ. સ. ૧૪૫૮ માં એનો પુત્ર હુમાયુ શાહ ગાદીએ બેઠો, એ હુમાયુ આપણી ચરિત્રનાયિકાનો પતિ થાય. એના સમયમાં દેશી અને પરદેશી પક્ષોમાં પરસ્પર મોટો કજિયો ઉભો થયો હતો. દેશી પક્ષનો આગેવાન ખ્વાજા જહાં હતો અને પરદેશીઓનો નેતા મહમૂદ ગવાં હતો. એ બન્નેમાં બહુજ સખ્ત હરીફાઈ ચાલતી હતી. ગવાં ઘણો બુદ્ધિમાન અને હોશિયાર હતો. સુલતાને તેને ‘મલિક ઉત્-તજ્જારનો ખિતાબ આપ્યો હતો તથા બિજાપુરનો સૂબો બનાવ્યો હતો. ખ્વાજા જહાંથી એની ચડતી દેખી શકાઈ નહિ. અદેખાઈનું જોર દિવસે દિવસે એનામાં વધતું જ ગયું.

હુમાયુ ઘણો કઠોર રાજ્યકર્તા હતો, મૂર્ખતાની તો એ મૂર્તિ હતો. એના જેવા અયોગ્ય રાજકર્તા દક્ષિણમાં ભાગ્યેજ બીજો કોઈ થયો હશે. એની વૃત્તિઓ ઘણીજ રાક્ષસી હતી, એક વાર એ રાજ્યની તપાસ કરવા સારૂ ક્યાંક ગયો હતો, એ વખતે રાજમહેલમાં કાંઈ ગડબડ થઈ ગઈ. કોનો વાંક છે, તેની તપાસ ન કરતાં એકદમ હજારો કમનસીબ માણસો જીવતાં બળતી કઢાઈઓમાં ઉકાળીને મારી નાખ્યાં. પોતાના સગા ભાઈ હસનખાંને પણ ક્રૂરતાથી મારી નંખાવ્યો હતો. કોઈ કહે છે કે, જીવતાં એની આંખો ફોડાવી નાખી હતી, તો કોઈ કહે છે કે, વાઘના મોં આગળ છોડી દઈને એનો પ્રાણ લેવરાવ્યો હતો. રાજગાદી, વૈભવ અને સત્તા મળ્યા પછી પ્રમાદી મનુષ્ય ઉન્મત્ત બની જઈને શું શું નથી કરતો ? નિર્દોષ મનુષ્યો ની હાય કદાપિ ખાલી જતી નથી. ભરજુવાનીમાં ગંભીર મંદવાડ ભોગવીને દુરાચારી બાદશાહ મરણ પામ્યો. મરતી વખતે એ પોતાના આઠ વર્ષના સગીર પુત્રને યુવરાજ, ગવાંને મુખ્ય મંત્રી, ખ્વાજાને સહાયક અને બેગમને પોતાની વારસ બનાવતો ગયો. હવે અમે બેગમ સાહિબાના સંબંધમાં કાંઇક લખીશું.

હુમાયુનું મૃત્યુ બ્રાહ્મણી રાજ્યને માટે ખરેખર લાભદાયી નીવડ્યું, “ઝાલિમ” (અત્યાચારી–આતતાયી) નામથીજ પ્રસિદ્ધ થયેલ એ બાદશાહ લાંબો વખત જીવ્યો હોત, તો રૈયતને કોણ જાણે કેટલી જાતનાં દુઃખ દેત ! બાદશાહ જેટલો કઠોર અને સાંકડા મનનો હતો, તેટલી જ તેની બેગમ દયાળુ, સદાચારી અને ઉદાર મનની હતી. કાદવ અને કમળના સંયોગ જેવો એમનો સંબંધ મનાતો હતો. પતિના મૃત્યુ પછી બેગમે પુત્રને યુવરાજ તરીકે ગાદી ઉપર બેસાડવાની ક્રિયા કરી અને પોતાના રાજનીતિ સંબંધી ઉત્તમ જ્ઞાનને લીધે ગવાં જેવા મંત્રીની સહાયથી રાજ્યની અવ્યવસ્થાને જલદી સુધારી દીધી,

હુમાયુના મૃત્યુના સમાચાર બીજા પ્રાંતોમાં પહોંચતા વારજ માળવાના સુલતાનની દાનત બગડી અને તેણે વિચા૨ કર્યો કે, બાદશાહ મરણ પામ્યો છે, રૈયત અસંતુષ્ટ અને દુઃખી છે, શાહજાદો બાળક છે; બિદર જીતવાને માટે આના કરતાં સારો લાગ ફરીને મળવાનો નથી.” એટલા માટે જલદી એક મોટી સેના તૈયાર કરીને એણે બિદર ઉપર ચડાઈ કરી. એક નિરાધાર અબળાનું રાજ્ય વગર વાંકે પડાવી લેવાનો પ્રયત્ન કરવો એ માળવેશ્વરને માટે ઘણી શરમની વાત હતી, પરંતુ લાભ મનુષ્યનો પરમ શત્રુ છે. એ વિકારને વશ થઈ મનુષ્ય ગમે તેટલાં અન્યાયી કામ કરે છે.

બેગમને જ્યારે સમાચાર મળ્યા કે, માળવાનો મુસલમાન રાજા પોતાના રાજ્ય ઉપર ચડાઈ કરવા સારૂ આવી રહ્યો છે, ત્યારે એના ક્રોધનો પાર રહ્યો નહિ. એ ગભરાઈને આકળી ન થઈ ગઈ, પણ પુખ્ત વિચાર કરીને માળવેશ્વરની સાથે યુદ્ધ કરવા સારૂ એક મજબૂત સૈન્ય જલદી તૈયાર કરવાની સેનાપતિને આજ્ઞા આપી અને પોતે પણ વીરવેશ ધારણ કરીને યુદ્ધક્ષેત્રમાં સેનાપતિ તરીકે જવા તૈયાર થઈ. બેગમનું સાહસ, વીરતા અને શૌર્ય દેખીને સૈનિકો પ્રસન્ન થયા. એની સરદારી નીચે તેઓ પ્રાણ આપીને પણ બિદરની સ્વતંત્રતાનું રક્ષણ કરવા તૈયાર થયા.

માળવેશ્વર બિદરની સીમા ઉપર આવી પહોંચ્યો. બેગમ લશ્કર સહિત વીરાંગનાને છાજે એવી રીતે તેની, સામે ટક્કર લેવા તૈયાર થઈને ગઈ. બન્ને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બેગમના શૌર્ય અને પરાક્રમથી માળવેશ્વર છક્ થઈ ગયો; યુદ્ધમાં સ્ત્રી પણ આવી વીરતા દાખવી શકે છે, એ એણે પહેલી જ વાર જોયું. એ બહાદુર સ્ત્રી આગળ પોતાનું કાંઈ ચાલવાનું નથી, પરાજય નિશ્ચિત છે, એમ ધારીને રાજા શરમિંદો થઈને વીલે મોંએ પાછો માળવા પહોંચ્યો. બિદરની બેગમે બાલ્યાવસ્થામાં જ સ્વદેશપ્રેમ, રાજનીતિ, વીરતા અને યુદ્ધવિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું. એજ શિક્ષણને અમલમાં મૂકીને આ વખતે એણે પોતાના રાજ્યનું શત્રુના આક્રમણમાંથી રક્ષણ કર્યું.

બેગમે શત્રુ તરફની આ આફતને મહામહેનતે ટાળી હતી, એવામાં એના ઉપર બીજી વધારે ગંભીર દૈવી આપત્તિ આવી પડી. સગીર સુલતાનનું લગ્ન નક્કી થઈ ચૂક્યું હતું, એવામાં અચાનક એનું મૃત્યુ થયું, માતાના ઉપર વજ્રનો ઘા થયો; પણ એ બેગમ ઘણી ધૈર્યવાળી સ્ત્રી હતી. રાજ્યની લગામ હાથમાં લીધા પછી સ્ત્રી હોય કે પુરુષ, પણ તેને હૃદય કઠણ કર્યા વગર ચાલતું નથી. પથ્થર સરખી છાતી કરીને એણે પોતાના બીજા શાહજાદા મહંમદને ગાદીએ બેસાડ્યો અને પોતે પ્રજાના હિતની ખાતર પહેલાંની પેઠે જ રાજ્ય ચલાવવા લાગી.

ખ્વાજા જહાં અને મહમદ ગવાંના એકબીજા પ્રત્યેના દ્વેષની બાબત અમે આગળ કહી ગયા છીએ. મહંમદ ગવાં ખરો સ્વામીભક્ત, પ્રમાણિક અને સદાચારી હતો; પરંતુ ખ્વાજા જહાં સ્વભાવથી જ ક્રૂર અને કુટીલ હતો. બેગમને આપત્તિમાં પડેલી જોઈને એણે પોતાની ક્રૂરતાનો આરંભ કરી દીધો, ગવાં જેવા સજજન અને બેગમ જેવી સતી એના છળકપટને એકદમ સમજી શક્યાં નહિ. ખ્વાજા જહાંના પ્રપંચોને પહેલેથી કોઈ સમજી ન શક્યું, તેનું પરિણામ ઘણું ભયંકર આવ્યું. ધૂર્ત ખ્વાજા જહાંએ ખાસ બિદરનો રાજ્યપ્રબંધ પોતાના હાથમાં લઈ લીધો અને બાકીના આખા દેશનો વહિવટ મહમદ ગવાંને સોંપ્યો; એટલે ગવાંને ઘણુંખરૂં બિદરની બહાર જ રહેવું પડતું. ખ્વાજા નગરમાં રહીને રાજ્યપ્રબંધ કરવા લાગ્યો અને ધીમે ધીમે રાજ્યના બધા અધિકારોને પોતાના હાથમાં લેતો ગયો. એને ખાતરી હતી કે, ગવાં બહાર રહે છે, સુલતાન બાળક છે, બેગમ પડદામાં રહેનારી છે; એને મારા છળપ્રપંચની શી ખબર પડનાર છે ? પણ એને ખબર નહોતી કે, પડદાની આડમાંથી પણ બેગમ એનાં બધાં કાર્યોને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ રહી હતી. બેગમે જ્યારે જોયું કે, એ ધૂર્ત પોતાના પ્રપંચની જાળ ફેલાવતો જ જાય છે, ત્યારે એણે સુલતાનને કહ્યું: “બેટા ! આ માણસ વિશ્વાસઘાતી છે. કોણ જાણે કયી વખતે શું કરી બેસે તે કહેવાય નહિ; માટે કાલેજ ભર્યા દરબારમાં એનો ફેંસલો કરી દે.”

બીજે દિવસે અમીરઉમરાવોની સામે સુલતાને મહંમદ જહાંની વિશ્વાસઘાતકતાનું પોગળ ઉઘાડું પાડ્યું અને એનો ઈશારો થતાં એક સૈનિકે દરબારની વચમાં જ એનું શિર ઉડાવી દીધું. બેગમની આ ચતુરાઈની અસર જહાંના મળતિયા, બીજા ગુપ્ત શત્રુઓ અને નિમકહરામ નોકરો ઉપર ઘણી સારી થઈ. દુરાચારી જહાંને બરાબર બદલો મળેલો જેઈને બીજા લોકો પણ ચેતી ગયા કે, આપણી કોઈ હિલચાલ આ ચતુર અને દૂરંદેશી બેગમથી છાની રહેવાની નથી અને કાવતરાંની ખબર પડી જતાં બેગમ બદલો વાળ્યા વગર પણ રહેવાની નથી. તેના આ કૃત્યથી રાજ્યમાં ધાક બેસી ગઇ.

મનુષ્યોને પારખવાની શક્તિ બેગમમાં ઘણી સારી હતી. મહંમદ ગવાંની સ્વામીભક્તિ અને સદાચારની ખાતરી થઈ ગઈ હતી, એટલે એ વિશ્વાસુ મંત્રીને રાજકાજ સોંપીને પોતે ઈશ્વરભજનમાં વખત ગાળવા લાગી. ગવાં પણ બેગમને માતા સમાન ગણીને ભક્તિપૂર્વક તેની આજ્ઞાનું પાલન કરતા હતા અને રાજ્યનો બધો કારભાર એની સંમતિથીજ કરતો હતો. ગવાંની પ્રમાણિકતા અને નિષ્પૃહતા વખાણવા યોગ્ય હતાં.

બેગમની રાજકાજમાં કુશળતા ઊંચા પ્રકારની હતી અને તેને લીધે તેનું નામ ઇતિહાસમાં યાદગાર રહેશે. મહંમદશાહ મોટો થયા પછી રાજકાર્યમાં બેગમ મખદૂમ-ઈ-જહાંની સલાહ લેતો અને દરરોજ તેને સલામ કરવા જતો. મહંમદ શાહે નલગવાંના કિલ્લા ઉપર ચડાઈ કરી, ત્યારે બેગમ માતા એની સાથે હતી અને એજ અરસામાં તેનું મૃત્યુ થયું.×[૧]

  1. ×મુસ્લિમ મહિલારત્ન મશાહિર નિસ્વાન ડિક્ષનેરી ઑફ ઓરિએન્ટલ બાયોગ્રાફી ઉપરથી.