રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/મોરિકા

વિકિસ્રોતમાંથી
← ફલ્ગુહસ્તિની રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
મોરિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વિજ્જકા →




११५-मोरिका

મોરિકાના નામથી સુભાષિતાવલિ અને શારંગધર પદ્ધતિ બંને સંગ્રહોમાં ચાર કવિતા મળી આવે છે. તે ઉપરાંત એનાં કાવ્યોનો પત્તો નથી મળતો, તેમજ તેના જીવનનો કાંઈ વૃત્તાંત પણ જાણ્યામાં નથી આવ્યો. શારંગધરના ગ્રંથમાં કવિ ધનદેવનું એક કાવ્ય ટાંકવામાં આવ્યું છે. એમાં સ્ત્રી કવિઓની ગણતરી કરતાં મોરિકાનું પણ નામ આવ્યું છે.

शिलाविज्जामारुलामोरिकाद्या: काव्यं कर्तुं सन्नि विशा: स्त्रियोऽपि। विद्यां वेत्तुं निर्विजेतुं विश्वं वक्तुं य: प्रवीण: स वन्द्य: ॥

એ ઉપરથી જણાય છે કે મોરિકા કાવ્ય રચવામાં ઘણી કુશળ હોવી જોઈએ. એની કાવ્યરચનામાં શૃંગાર રસ છલોછલ ભરલો છે, એની કવિતા સાધારણ અને સારી છે. એકાદ નમૂનો જોઈએ:

यामीत्यध्यवसाय एव हृदये वध्नातु नामास्पदं
वक्तुं प्राणसमासमक्षमघृणेनेत्थं कथं सार्यते ।
उक्तं नाम तथापि निर्भरगलद्वाष्पं प्रियाया मुखं
दृष्ट्वाऽपि प्रवदन्त्यहो धनलवप्राप्तिस्पृहा माद्दशाः ॥

કોઈ પરદેશી કહી રહ્યો છે કે, પહેલાં તે ‘જાઉં છું’ એવું આગ્રહપૂર્વક કહેવાનું જ હૃદયમાં ગમે તેમ કરીને નક્કી કરું છું, પણ મારી પ્રાણસમાન પ્રિયા સમક્ષ જતાં એવાં વચન કેવી રીતે નીકળી શકે? જો કહી દઉં છું તો પ્રિયાની આંખોમાંથી વિયોગને લીધે આંસુઓની ધારા વહેવા લાગે છે, પરંતુ કરૂં શું? એને પણ જોઈને મારા જેવો નિર્ધન મનુષ્ય ધન કમાવાની લાલચથી પરદેશમાં જાય છે; નહિ તો પ્રિયાને દુખસાગરમાં છોડીને જવું એ કદી ન્યાયપૂર્વક વર્તન નથી.×[૧]  એનો બીજો પ્રસિદ્ધ શ્લોક આ મુજબ છે:–

लिखति न गणयति रेखा निर्भरबाष्पाम्बुधौतगण्डतला।
अवधिरिव सावसानं माभूदिति शंकिता बाला ॥

પતિ પરદેશથી થોડાકજ દિવસોને માટે ઘેર આવ્યો છે. બાલા નાયિકાની આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે, જેથી તેના ગાલ તદ્દન ધોવાઈ ગયા છે. એ અવધિના દિનોની લીટીઓ દરરોજ ખેંચતી તો જાય છે, પણ ગણતી નથી. મનમાં ડર છે કે રખેને દહાડા પૂરા થઈ જાય અને પ્રિય પતિના જવાનું અસહ્ય દુઃખ હમણાંજ ઉપસ્થિત થાય. આ પદ્યમાં નાયિકાના કોમળ હૃદયનો પરિચય સારી રીતે આપવામાં આવ્યો છે. ત્રીજા શ્લોલેક આ પ્રમાણે છેઃ

प्रियतमस्त्वमिमामनघार्हसि प्रियतमा च भवन्तमिहार्हति ।
नहि विभाति निशारहित: शशी न च विभाति निशापि विनेन्दुना ।!

દૂતિ નાયકને રામજાવી રહી છે કે, “હે પ્રિયા ! આ નાયિકાને યોગ્ય છે અને એ પણ તારેજ યોગ્ય છે. જુઓ, રાત્રિ વગર ચંદ્રમાની શોભા નથી હોતી અને રાત પણ ચંદ્રમા વગર શોભતી નથી.”

નાયક પરદેશમાં જવાને તૈયાર છે. એની ખબર મળતાંજ નાયિકાની કેવી કરુણા જનક દશા થઈ જાય છે ! દૂતી નાયિકાની એ વિયોગદશાની ખબર આપી રહી છે:-

मा गच्छ प्रमदाप्रिय प्रियशतैर्भूयस्त्वमुक्तो मया
बाला प्राङ्गणभूगतेन भवता प्राप्नोति निष्ठां पराम्।
किंचान्यत् कुचभारपीडनसहैर्यत्नप्रबद्धैरपि
त्रुट्यत्कंचुकजालकैरनुदिनं निःसूत्रमस्मद्गृहम् ।।

“હે પ્રમદાપ્રિય! પરદેશ ન જાઓ. સેંકડો વાર હું તમને આજીજી કરી ચૂકી છું. (તમારી પ્રિયતમા તમારે માટે બહુજ પ્રેમ ધારણ કરે છે. હું એની વિષમ દશાનું કેવી રીતે વર્ણન કરૂં?) તમે આંગણામાં પગ મૂકો છો, ત્યારે એ બાળા શ્રેષ્ઠ નિષ્ઠાને પામે છે અને એનાં સ્તનો બહુ મજબૂતીથી બાંધવા જતાં એના ભારને લીધે કંચુકીની કસો હમેશાં તૂટી જાય છે, એથી અમારા ઘરમાં દોરો ખૂટી ગયો છે."

  1. × આ શ્લોકને પંડિત બલદેવ ઉપાધ્યાય, એમ. એ. મોરિકાનોને ગણે છે સ્વર્ગસ્થ સાક્ષરબંધુ રણજિતરામ વાવાભાઈ મહેતાએ એમના સંસ્કૃત કવયિત્રીઓના લેખમાં એ લેખને મારુલાનો ગણાવ્યો છે.