રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/રાણકદેવી

વિકિસ્રોતમાંથી
← લાહિની રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
રાણકદેવી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મહાદેવી અક્કા →


१२१–राणकदेवी

રમણી સિંધ દેશના રાજા શેરખાવરની કન્યા હતી. તેનો જન્મ મૂલ નક્ષત્રમાં થયો હતો. તેના જન્મ સમયે રાજજોષીએ તેના જન્માક્ષર બનાવીને કહ્યું હતું કે, “બાલિકાના ગ્રહ એવા છે કે એનું મોં જોયાથી એનો પિતા આંધળો થઈ જશે.” એ સમાચાર સાંભળીને તેના પિતાએ નવી જન્મેલી બાલિકાને પોતાના નોકરને હાથે એક વનમાં મોકલાવી દીધી. રાજાનો વિચાર તો એવો હતો કે એમ કર્યાથી કોઈ જંગલી પશુ આવીને તેને ખાઈ જશે અને બધી બલા ટળી જશે; પરંતુ રામ રાખે તેને કોણ ચાખે? પરમાત્માએ તો બાલિકા રાણકદેવીને માટે કાંઈ ઓરજ ભવિષ્ય નિર્માણ કર્યું હતું, તેથી રાણકદેવી એવી નિરાધાર અવસ્થામાં પણ બચી ગઈ. આખી રાત એ શૂનકાર જંગલમાં પડી રહી. બીજે દિવસે સવારમાં હડમતિયો નામનો એક કુંભાર ત્યાં આગળ માટી ખોદવા આવ્યો. તેની નજર એ સુંદર બાલિકા ઉપર પડી. તેનું અપૂર્વ સૌન્દર્ય જોઈને એ અંજાઈ ગયો. એ કુંભારને ઘેર કાંઇ છોકરૂં નહોતું, એટલે તેણે એ કન્યાને પોતાને ઘેર લઈ જઈને ઉછેરવાનો વિચાર કર્યો. આખો દિવસ કામ કરીને ઘેર પાછા ગયો, ત્યારે એ સુંદર બાલિકાને પોતાને ઘેર લેતો ગયો. એ કન્યાના મુખનું તેજ જોતાંવારજ ખાતરી થતી હતી કે એ કોઈ રાજવંશી કન્યા છે. એ કન્યા જંગલમાંથી મળી આવી હતી માટે કુંભારે તેનું નામ રાણકદેવી પાડ્યું હતું. કુંભાર તથા તેની વહુ રાણકદેવીને ઘણા સ્નેહપૂર્વક ઉછેરવા લાગ્યાં. દિવસે દિવસે તેનું સૌદર્ય ઘણું વિકાસ પામવા લાગ્યું. તેના રૂપલાવણ્યની પ્રશંસા ચારે તરફ થવા લાગી. કચ્છના લાખા ફૂલાણીએ પણ એ કન્યા ઉપર મુગ્ધ થઈને હડમતિયા કુંભારને કહેવરાવ્યું હતું કે, “આ કન્યા મને પરણાવો.” હડમતિયા કુંભારે લાખા ફુલાણીને જવાબ આપ્યો કે, “મારી નાતવાળાને પૂછીને પરણવીશ.” લાખા ફુલાણી તેને ઘણો આગ્રહ કરવા લાગ્યો એટલે કુંભાર ત્યાંથી નાસીને સોરઠ રાજ્યમાં મજેવડી ગામમાં જઈ વસ્યો, પરંતુ ત્યાં પણ એ જંપીને બેસી શક્યો નહિ.

એક દિવસ એવું બન્યું કે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ચાર દસોદી ભાટ ફરતા ફરતા સોરઠમાં જઈ પહોંચ્યા અને એ કુંભારના ઘરમાં રાણકદેવી તેમના દીઠામાં આવી. રાજવંશીને છાજે એવું તેમનું રૂપ જોઈને તેમણે વિચાર કર્યો કે આવી કન્યા તો ગુજરાતના રાજાધિરાજના અંતઃપુરમાં શોભે. તેમણે પાટણ નગરમાં જઈને સિદ્ધરાજને વિનંતિ કરી કે, “રાજધિરાજ આપના અંતઃપુરમાં આટલી બધી રાણીઓ છે પણ એક પણ પદ્મિની નથી.” રાજાએ આજ્ઞા આપી કે, “તમે મારા ભાટ છો. તમે દેશદેશાંતરમાં જઈ તપાસ કરો અને મારે લાયક કેાઈ પદ્મિની કન્યા હોય તેને શોધી લાવો.” ભાટ લોકોએ કુંભારને ત્યાં ગયા અને કુંભારને ઘણું સમજાવીને રાણકદેવીનું સગપણ ગુર્જરનરેશ સિદ્ધરાજ સાથે નક્કી કર્યું.

એ સમયમાં જૂનાગઢમાં રાખેંગાર રાજ્ય કરતો હતો, રા’ ખેંગારની બહેન સિદ્ધરાજ જયસિંહના પિત્રાઈઓમાં પરણાવી હતી. તે પોતાના બે દીકરાઓને લઈને પિયેરમાં રહેતી હતી. એક દિવસ રા’ખેંગારના એ ભાણેજ દેશળ અને વિશળ શિકાર ખેલવા ગયા હતા. ફરતા ફરતા તેઓ મજેવડી ગામમાં જઈ પહોંચ્યા, ત્યાં આગળ રાણકદેવીનું સિદ્ધરાજ સાથે સગપણ થયાની ખબર તેના જાણવામાં આવી. તેમણે જઈને પોતાના મામા રા'ખેંગારને કહ્યું કે, “આપણા રાજ્યમાં એક કુંભારની પુત્રી ખૂબસૂરત છે. એ સોરઠના રાજમહેલમાં શોભે એવી છે. તેને ગુજરાતના રાજા સિદ્ધરાજના ભાટ આવીને જોઈ ગયા છે અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે, પરંતુ આપણા રાજ્યમાંની કન્યા બહારનો રાજા લઈ જાય એમાં આપણી આબરૂ રહે નહિ. એવું થાય તો આપાણું નાક કપાઈ જાય માટે ગમે તેમ કરીને આ કન્યા હાથ કરવી જોઈએ.” રા’ખેંગારે ભાણેજને રજા આપી કે, “તું મારી તરફથી ખાંડુ લઈને જા અને આપણા અંતઃપુરમાં એ કન્યાને લઈ આવ.” દેશળ મજેવડી ગામ પહોંચ્યો અને કુંભાર પાસે રાણકદેવીનું માગું કર્યું. સિદ્ધરાજની સાથે તેનો વિવાહ થયેલો હોવાથી કુંભારે એ કન્યા રા’ખેંગારને આપવાની સ્પષ્ટ ના કહી; પણ દેશળે ઘણો આગ્રહ કર્યો અને સીધી રીતે માની જઈને કન્યા નહિ આપે તો બળાત્કાર કરવો પડશે, એવી ધમકી આપી, એટલે કુંભારે રાણકદેવીને દેશળ સાથે વળાવી દીધી. સોરઠમાં પહોંચ્યા પછી રાજા રા’ખેંગારે યથાવિધિ રાણકદેવી સાથે લગ્ન કર્યું અને એવી સુંદર કન્યા પ્રાપ્ત થઈ એટલા માટે મોટો ઉત્સવ મનાવ્યો. આખા રાજ્યમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. રાજા રા’ખેંગારે ત્રણ દિવસ સુધી ગામની દરેક વર્ણને જમાડી. એ સમયમાં રાજા સિદ્ધરાજના પાટનગર પાટણના વાઘરી લોકો માટીનાં વાસણ વેચવા સારૂ સોરઠ ગયા હતા. તેમણે પૂછ્યું કે, “આજે રાજાને ઘેર શું ટાણું છે કે આખું ગામ ત્રણ ત્રણ દહાડાથી જમી રહ્યું છે?” ખેંગારના નોકરે કહ્યું કે:—

“સોરઠ સિંહલદ્વીપની, જાત તણી પરમાર;
બેટી રાજા રોળની, પરણ્યો રા’ખેંગાર.”

પોતાના રાજાનું જે કન્યા સાથે સગપણ થયું હતું તે કન્યાને બીજો રાજા પરણી ગયો, એ વાત એ વાઘરીઓને પણ અસહ્ય થઈ પડી. તેમણે પાટણ જઈને પોતાના રાજાને એ વાત કહી. સિદ્ધરાજ એ ખબર સાંભળીને ઘણો ગુસ્સે થયો અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા તેણે પોતાના શૂરા સામંતને મોકલ્યા. રા’ખેંગાર પણ વીરરાજા હતો એટલે સિદ્ધરાજના સૈન્યને પરાજય થયો.

આ પ્રમાણે સિદ્ધરાજને પરાજય આપીને રા’ખેંગાર પૂર્ણ સુખમાં રાણી રાણકદેવી સાથે જીવન વ્યતીત કરવા લાગ્યો. સિદ્ધરાજનું વેર એ બિલકુલ ભૂલી ગયો હતો. આ વખતે રા’ખેંગારના મનમાં એમજ હતું કે, “આ સંસારમાં કોઈ પણ મનુષ્ય સુખી હોય તો તે હું જ છું.” તેને આ પ્રમાણે સંતોષ માનવાનું કારણ પણ હતું. રાણકદેવી પતિપરાયણ નારી હતી. પતિના સુખવૈભવમાં વૃદ્ધિ કરવાને તે રાતદિવસ પ્રયત્ન કર્યા કરતી હતી. સદ્‌ભાગ્યે એ પ્રેમી દંપતીની સ્નેહગ્રંથિને મજબૂત કરનાર એ પુત્રરત્ન પણ રાણકદેવીના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો.

આ પ્રમાણે રાણકદેવી અને રા’ખેંગારનો સુખી સંસાર ચાલ્યો જતો હતો. પેલી તરફ પાટણમાં સિદ્ધરાજ તેનું વેર લેવા લાગ શોધી રહ્યો હતો. તેણે એક વાર ફરીથી ઘણું મોટું સૈન્ય લઈ જઈને રા’ખેંગારના રાજ્ય ઉપર ચઢાઈ કરી. આ સમયે રા’ખેંગારનો ભાણેજ દેશળ પણ ફૂટીને સિદ્ધરાજના પક્ષમાં ગયો હતો. એ લોકો પુષ્કળ સૈન્ય લઈને ગઢમાં ગયા અને દરવાજો ઉઘડાવીને શરણાઈઓ વગડાવી. દૂદો અને હમીર એ દરવાજાનું રક્ષણ કરવા ઉભા હતા, તેમને સિદ્ધરાજના સૈન્યે ઠાર માર્યા. શત્રુઓને સામા આવતા જોઈને રા’ખેંગાર લડવા આવ્યો, એ વખતનું વર્ણન કરતાં ગુજરાતનો જૂનો કવિ કહે છેઃ—

“ઝાંપો ભાગ્યો ભેળ પડિ, ભેળ્યો ગઢ ગરનાર;
દૂદો હમીર મારીયા, સોરઠના શણગાર.
રણ શરણાઈ વાગિયો, પાખરીઆ કેકાણ;
શૂરા મુખ પાણી ચડે, ફાયર ૫ડે ભંગાણ.”

એ વખતે રા’ખેંગાર અને સિદ્ધરાજના સૈનિકો વચ્ચે ઘણી ઝપાઝપી ચાલી. બન્ને પક્ષના ઘણા સિપાઈઓ માર્યા ગયા અને છેવટે રા’ખેંગાર પણ એ યુદ્ધમાં કામ આવી ગયો. પછી સિદ્ધરાજને સાથે લઈને, રા’ખેંગારનો નિમકહરામ ભાણેજ દેશળ રાણકદેવીના મહેલમાં ગયો અને કહ્યું કે, “મામીજી! અમે બે ભાઈઓ તથા મામાજી આવ્યા છીએ, બારણાં ઉઘાડો.” સરળ હૃદયની ૨મણી રાણકદેવીના પેટમાં કાંઈ પાપ નહોતું. એણે તરત બારણાં ઉઘાડ્યાં. પતિના મૃત્યુની તેને લેશમાત્ર પણ ખબર નહોતી. એ તો એ સમયે પોતાના બે પુત્રોને આનંદપૂર્વક રમાડવામાં અને લાડ લડાવવામાં તલ્લીન હતી. સિદ્ધરાજે તેની નિકટ જઈને રા’ખેંગારના મૃત્યુના સમાચાર જણાવ્યા તથા પોતાની રાણી બનવા માટે ઘણાં પ્રેમપૂર્વક આગ્રહ કર્યો, પરંતુ સતી રાણકદેવીએ તેનો ઘણોજ તિરસ્કાર કરી કાઢ્યો. એથી ગુસ્સે થઇને સિદ્ધરાજે રાણકદેવીના પાંચ વર્ષના કોમળ બાળકને મારી નાખ્યો અને બીજા બાળકને મારવાની પણ બીક બતાવી. બીજો બાળક ૧૧ વર્ષનો હતો. તેનું નામ માણેરો હતું. એ સિદ્ધરાજથી ડરી જઇને માની સોડમાં ભરાઇ ગયો એ વખતે વીરપત્ની રાણકદેવીએ તને ક્ષાત્રધર્મના રહસ્યરૂ૫ સુંદર ઉપદેશ સંભળાવ્યો:—

“માણેરા! તું મ રોય, સ કર આંખ્યો રાતિયો;
કુળમાં લાગે ખોટ, મરતાં મા ન સંભારિયે.”

એ સાંભળીને સિદ્ધરાજે પોતાના માણસોને હુકમ આપ્યો કે, “આ છોકરાને અહીંયાં મારશો નહિ. જે વખતે રાણકદેવી પાટણમાં પેસવાને આનાકાની કરશે, તે સમયે તેને પાટણને દરવાજે ઠાર કરજો.”

આ પ્રમાણે કહીને સિદ્ધરાજ રાણકદેવીને બળાત્કારથી પાટણ તરફ લઈ જવા લાગ્યો, પરંતુ રાણકદેવીના મનમાંથી પતિભક્તિ લેશ પણ ઓછી થઈ નહોતી. શિયળનું ગમે તેટલા જોખમે પણ રક્ષણ કરવાનો તથા પતિની પાછળ સતી થવાનો તેણે મનમાં સંકલ્પ કર્યો હતો. રાણકદેવીને ગઢમાંથી બહાર લઈ જતા હતા તે વખતે રા’ખેંગારનો ઘોડો તેની નજરે પડ્યો. એ ઘોડાને જોઈને એ ઘણું દિલગીર થઈને બોલી:—

“તરવરિયા તોખાર, હૈયું ન ફાટ્યું હંસલા !
મરતા રા’ખેંગાર, ગામતરાં ગુજરાતનાં,”

થોડી વાર પછી રા’ખેંગારનો સાબરશૃંગ તેના જોવામાં આવ્યો, તેને જોઈને તેણે નીચેના ઉદ્‌ગાર કાઢ્યા :—

“રે ! સાબર શૃંગાળ, એક દિન શૃંગાળાં હતાં;
મરતા રા’ખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.”

થોડી વાર પછી મોરને કેકારવ કરતો સાંભળી તેણે કહ્યું :—

“કાંઉ કે ગચ્છ મોર, ગોખે ગરવાને ચડી;
કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.”

સારાંશ કે, “અરે મોર ! ગિરનારની બારીએ ચઢીને શું કામ ટહૂકે છે ? મારા કાળજાની કોર કાપીને, મારું પાંજરૂં (ઘર) પાણીએ બળ્યું છે; એટલે કે મારા સગા ભાણેજે મારૂં ઘર ભંગાવ્યું છે.”

જરા આગળ ચાલતાં પતિ રા’ખેંગારની લાશ રાણકદેવીની દૃષ્ટિએ પડી. તેને જોઈને એ શોકાર્ત્ત રાણી બોલી ઊઠી:—

“સ્વામી ! ઊઠો સૈન્ચ લઈ, ખડગ ધરો ખેંગાર;
છત્રપતીએ છાઈઓ, ગઢ જૂનો ગિરનાર.”

પછી દામાકુંડ આગળ આવતાં તે પતિવ્રતા નારી બોલી:—

“ઊતર્યા ગઢ ગિરનાર, તનડું આવ્યું તળાટિયે;
વળતાં બીજી વાર, દામો કુંડ નથી દેખવો.”

પછી ધારગર નામની વાડી પાસે આવીને તે બોલી કે:—

“ચંપા ! તું કાં મહોરિયો, થડ મેલું અંગાર;
મહોરે કળિયું માણતો, માર્યો રા’ખેગાર”

એમ કહેવાય છે કે રાણીનાં એ વચનો સાંભળીને ચંપાનું ઝાડ સુકાઈ ગયું અને એ લીલીકુંજાર વાડી પણ બળી ગઈ. પછી ગિરનાર પર્વતને જોઈને તે બોલી કે:—

“ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે;
મરતાં રા’ખેંગાર, રંડાપો રાણકદેવડી.”

પાંચ ગાઉ ચાલ્યા પછી રાણકદેવીએ પાછું વળીને જોયું. ઊંચો ગિરનાર એ સમયે દૃષ્ટિગોચર થતો હતો. ગિરનાર જાણે એ ફોજ વળાવવા આવતો હોય એવો ભાસ થતો હતો. તેને સંબોધીને રાણકદેવી બોલી:––

“ગોઝારા ગિરનાર ! વળામણ વેરીને કિયો;
મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.”

ઘણે દૂર પહોંચ્યા પછી ગિરનારને દૃષ્ટિમર્યાદામાં પેસી જતો જોઈને એ બોલી ઊઠી:—

“મ પડ મારા આધાર ! ચોસલાં કોણ ચઢાવશે?
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે.”

સારાંશ કે, “એ ગિરનાર! તું પડીશ નહિ, હવે તારાં ચોસલાં પાછાં કોણ ચડાવશે? ચડાવનાર હતો તે તો ગયો અને હવે જીવતા હશે તેઓ તારી જાત્રા કરવા આવશે માટે તું પડી જઈશ નહિ.”

આ પ્રમાણે રસ્તામાં પણ ક્ષણે ક્ષણે પતિનું સ્મરણ કરતી કરતી રાણકદેવી પાટણ આગળ આવી પહોંચી. ત્યાં આગળ સિદ્ધરાજે તેને રહેવા માટે સુંદર સ્થાન બનાવ્યું ત્યારે રાણકદેવીએ કહ્યું કે:—

“બાળું પાટણ દેશ, પાણિ વિના પૂરાં મરે,
સરવો સોરઠ દેશ, સાવજડાં એ જળ પીએ.”

પછી પાટણને પાદર આવીને બધાએ ઉતારો કર્યો. સિદ્ધરાજે શહેર બહાર આખા શહેરને ઉજાણી કરાવીને કહ્યું કે, “સર્વે લોકોએ સારાં સારાં લૂગડાં પહેરીને બહાર આવવું.” રાજાની આજ્ઞા માનીને બધા નાગરિકો સુંદર વસ્ત્રાલંકાર પહેરીને ઉજાણીએ આવ્યા, ત્યારે તેને જોઈને રાણકદેવી બોલી કે:—–

“બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે;
સરવો સોરઠ દેશ, લાખેણી મળે લોબડી.”

પછી ગુજરાતની કોઈ સ્ત્રીએ તેને પૂછ્યું કે, “તમે સિદ્ધરાજની રાણી છો?” તેના ઉત્તરમાં વીરાંગના રાણકદેવીએ ઉત્તર આપ્યો કે, “હું તો મારા કંથને એવી દશામાં મૂકીને આવી છું કે:—

“વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત;
જુઓ પટોળાંવાળી, લોબડીવાળીનો કંથ.
જે સાંચે સોરઠ ઘડ્યો, ઘડીયો રા’ખેંગાર;
તે સાંચો ભાંગી ગયો, જાતો રહ્યો લુહાર.”

પછી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે, “એવું છે તારે તમારી આંખોમાં આંસુ કેમ નથી આવતાં?”

રાણકદેવી બોલી:—

“પાટણને પડતે, કહો તો કૂવા ભરાવીએ;
માણેરો મરતે, શરીરમાં સરણાં વહે.”

આટલા દિવસના સહવાસમાં સિદ્ધરાજ જોઈ શક્યો હતો કે રાણકદેવી સાચી સતી છે. તેના હૃદયમાંથી પતિભક્તિ લેશમાત્ર ઓછી થઈ નથી. સામ, દામ, ભેદ, દંડ આદિ ઉપાયો અજમાવીને સિદ્ધરાજે તેને વશ કરવાનો ઘણો એ પ્રયત્ન કર્યો, પણ સતી રાણકદેવીનું ચિત્ત કશાથી ચલિત થયું નહિ, પોતાના ઉપર કુદૃષ્ટિ રાખવા માટે તેણે સિદ્ધરાજનો ઘણોજ તિરસ્કાર કર્યો. સિદ્ધરાજ ગમે તેવો તોપણ સમજુ રાજા હતો. રાણી ઉપર નિરર્થક બળાત્કાર કરવાનું તેણે યોગ્ય ન ધાર્યું. તેણે રાણકદેવીનો ઘણો આદરસત્કાર કરીને પૂછ્યું: “તમારે ક્યાં રહેવાની ઈચ્છા છે ?” રાણકદેવીએ કહ્યું કે, “હું વઢવાણ ગામમાં રહીશ.” પછી સિદ્ધરાજ તેને લઈને વઢવાણ ગયો, ત્યાં ગયા પછી રાણકદેવીએ સતી થવાની ઈચ્છા દર્શાવી. ઉદારચિત્ત રાજા સિદ્ધરાજે તેની ઈચછા માન્ય રાખી અને ભોગાવા નદી આગળ સુગંધીદાર કાષ્ઠની ચિતા ખડકાવી; એ ચિતામાં શી રાણકદેવીને બેસાડીને સિદ્ધરાજે કહ્યું કે, “તું સાચી સતી હોઈશ તો અગ્નિ વગરજ ચિતા સળગો.” પછી રાણકદેવી ગામમાં દેવતા માગવા ગઈ પણ કોઈએ તેને દેવતા આપે નહિ, એટલે સૂર્યનારાયણને પગે લાગીને એ બોલી કે:—

“વારૂ શહેર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે;
ભોગવતો ખેંગાર રાણ, ભોગવ ભોગાવા ધણી.”

એમ કહેવાય છે કે એ સમયે ઉષ્ણ વાયુ વાવા લાગ્યો અને ચિતા એકદમ સળગી ઊઠી. એ સમયે સિદ્ધરાજે પોતાની પામરી તેના ઉપર નાખી; તે રાણકદેવીએ પાછી નાખી અને કહ્યું કે, “મારી ભેગો તું બળી મરે તો આવતા ભવમાં હું તારી રાણી થાઉં.” પણ પ્રેમની ખાતર પ્રિયતમાની સાથે બળી મરવાની હિંમત સિદ્ધરાજની ક્યાંથી ચાલે ?

જોતજોતામાં પતિવ્રતા રાણકદેવીનો પવિત્ર દેહ એ ચિતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયો.