રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સંયુક્તા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રુકિમણી વા રુખમાબાઈ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
સંયુક્તા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શશિવૃતા →


१३२–संयुक्ता

મુસલમાનોએ જે વખત ભારતમાં પગપેસારો કર્યો, તે વખતે ઉત્તર હિંદુસ્તાનાં બધે રજપૂતોનું વધારે જોર હતું. ભારતવર્ષના પશ્ચિમ ભાગમાં જે એક વિસ્તીર્ણ પ્રદેશ છે તેનું નામ રાજસ્થાન કે રજપૂતાના છે. રજપૂતોનું એ આદિસ્થાન છે.

સાહસ, વીરતા અને મહાનુભવતામાં રજપૂતોની બરાબરી કરે એવી પ્રજા જગતમાં બીજી કોઈ નથી. એ બધા ગુણોમાં રજપૂત રમણીઓ પણ પુરુષ કરતાં કોઈ પણે પ્રકારે ઊતરે એવી નહોતી. વસ્તુતઃ રજપૂત જાતિમાં જેટલી વીર નારીઓએ જન્મ લીધો છે, તેટલી વીરાંગનાઓ અન્ય જાતિમાં ઉત્પન્ન થઈ નથી.

વિક્રમાદિત્ય, શિલાદિત્ય વગેરે રાજાઓના અસ્ત થયા પછી રાજસ્થાનમાં રજપૂત રાજાઓ વધારે પ્રબળ થયા હતા અને આખા ઉત્તર ભારતમાં તેમની વિજયપતાકા ઉડતી હતી.

મુસલમાનોએ ધીમે ધીમે ઉત્તર ભારતવર્ષના અનેક પ્રદેશો જીતવા માંડ્યા, પણ રજપૂત જાતિના મૂળ વતન રજપૂતાનામાં તેઓ પોતાનો અધિકાર જમાવી શક્યા નહોતા. હિંદુસ્તાનમાં જે વખતે પઠાણ બાદશાહો રાજ્ય કરતા હતા, તે વખતે રાજસ્થાનના રજપૂતો સંપૂર્ણ સ્વતંત્ર હતા. મોગલ બાદશાહ અકબરના વખતમાં, મેવાડ સિવાયના બધા રજપૂત રાજાઓએ બાદશાહનું ઉપરીપણું સ્વીકાર્યું હતું, પણ નામમાત્રમાં તેઓ મોગલોને આધીન હતા. ખરૂં જોતાં તો તેઓ પોતપોતાના રાજ્ય ઉપર સ્વતંત્રપણે રાજ્ય ચલાવતા હતા. કોઈ કોઈ વખત તેમને બાદશાહના તાબામાં સેનાપતિ તરીકે કે કોઈ તાબાના રાજ્યના સૂબા તરીકે નોકરી કરવા પણ જવું પડતું. એવે વખતે તેઓ વફાદારીથી બાદશાહને ઘણી મદદ કરતા.

૨જપૂત રાજાઓમાં કેટલાક પ્રાચીન સૂર્ય અને ચંદ્રવંશીય ક્ષત્રિયોના સંતાન હતા, ત્યારે કેટલાક અગ્નિવંશના સંતાન હતા. અગ્નિકુળની ચારે શાખાઓ હતી. અગ્નિકુળની સ્થાપના વિષે એવી દંતકથા ચાલે છે કે, પહેલાં આ દેશમાં જૈનલોકોનું ઘણું જોર હતું. પાછળથી બ્રાહ્મણોએ જૈનધર્મનું પ્રાબલ્ય ઓછું કરવા યત્ન કર્યો. બ્રાહ્મણો અને જૈનો વચ્ચે એક વખત ઘણો સખ્ત વાદવિવાદ ઉપસ્થિત થયો, ત્યારે ઋષિઓએ જૈનનું દમન કરવા માટે યજ્ઞ આરંભ્યો. એ અગ્નિકુંડમાંથી પુરીહર, ચાલુક્ય, પરમાર અને ચૌહાણ નામના ચાર વીર પુરુષો નીકળ્યા. એ ચારમાં પણ ચૌહાણ વીરતામાં સૌથી વિશેષ હતો. તેના પરાક્રમથી જૈનધર્મનો પ્રભાવ ઓછો થઈને હિંદુ ધર્મનું પ્રાબલ્ય પુનઃ સ્થાપિત થયું.

એ ચાર વીર પુરુષોના વંશજો અગ્નિવંશી રજપૂતના નામથી ઈતિહાસમાં એાળખાય છે. સૂર્યવંશી રજપૂતમાં મેવાડના રાણાઓ અને મારવાડના રાઠોડ રાજાઓ મુખ્ય છે.

રજપૂત જાતિનો સંક્ષેપમાં પરિચય આપ્યા પછી અમે આ ચરિત્રની નાયિકા વી૨નારી સંયુક્તાના જીવનચરિત્રનું અવલોકન કરીશું. ઈસવીસનના અગિયારમા સૈકાના પ્રથમ ભાગમાં ગિઝનીના રાજા સુલતાન મહંમદે બાર વાર હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી હતી. તેણે અનેક નગરો લૂંટ્યાં હતાં અને ઘણી દેવમૂર્તિઓ તોડી નાખી હતી, પણ પંજાબ સિવાય બીજા કોઈ પ્રાંતમાં તે પોતાનું રાજ્ય સ્થાપી શક્યો નહોતો.

ત્યાર પછી લગભગ દોઢ વર્ષ સુધી કોઇ મુસલમાને ભારતવર્ષ ઉપર ચઢાઈ કરી નહિ. ત્યાર પછી બારમાં સૈકાના છેવટના ભાગમાં અફઘાનિસ્તાનના ઘોરીવંશના રાજાના ભાઈ તથા સેનાપતિ શાહબુદ્દીન ઘોરીએ ભારતવર્ષ ઉપર ચઢાઈ કરી.

એ વખતે દિલ્હી, અજમેર, કનોજ, મેવાડ વગેરે સ્થળે પરાક્રમી રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા.

દિલ્હીના રાજા અનંગપાળને ફક્ત બે કન્યાઓ હતી. એક કન્યા ચૌહાણવંશના રજપૂત અજમેરના રાજા સોમેશ્વરને અને બીજી કન્યા રાઠોડવંશી કનોજરાજ વિજયપાલને પરણાવી હતી. સોમેશ્વરને પૃથ્વીરાજ અને વિજયપાલને જયચંદ નામના પુત્ર જન્મ્યા. સંયુકતા એ કનોજના રાજા જયચંદની કન્યા હતી. તેનો જન્મ ઈ. સ. ૧૧૭૦ માં થયો હતો.

પુત્રહીન અનંગપાળ, મૃત્યુ સમયે દૌહિત્ર પૃથ્વીરાજને દિલ્હીનું રાજ્ય આપતો ગયો, એથી એનો મશિયાઈભાઈ જયચંદ અદેખાઈથી બળી જવા લાગ્યો. પૃથ્વીરાજને નુકસાન પહોંચાડવાનો એ લાગ શોધવા લાગ્યો.

મનુષ્યસ્વભાવ જોતાં આમાં નવાઈ જેવું કાંઈ નહોતું. જયચંદ અનંગપાળની મોટી પુત્રીનો પુત્ર હતો અને વયમાં પણ પૃથ્વીરાજ કરતાં મોટો હતો. એટલે બધી રીતે નાનો હોવા છતાં પૃથ્વીરાજને માતામહે દિલ્હીની ગાદીનો વારસ ઠરાવ્યો, એટલે જયચંદનો ઈર્ષ્યાનો અગ્નિ બળવા લાગે તેમાં દુનિયાની દૃષ્ટિએ અસ્વાભાવિક કાંઈજ નહોતું. પરંતુ અનંગપાળનો એમાં કાંઈ દોષ નહોતો. બન્ને દોહિત્ર ઉપર એને એકસરખો સ્નેહ હતો બન્નેને તેણે પોતાનીજ પાસે રાખીને લાડમાં ઉછેર્યા હતા. તેમને શિક્ષણ આપવાને તથા એમના સદ્‌ગુણોને ખીલવવાને પણ અનંગપાળે એકસરખો પ્રયાસ કર્યો હતો; પરંતુ પાંચ આંગળી સરખી હોતી નથી. એકસરખી કાળજી લેવા છતાં જયચંદ અને પૃથ્વીરાજમાં સમાન ગુણ ખીલી નીકળ્યા નહિ.

પૃથ્વીરાજ વયમાં નાનો હોવા છતાં પણ એણે સર્વ પ્રકારની વિદ્યામાં પારદર્શિતા મેળવી હતી. યુદ્ધવિદ્યામાં પણ કુશળ નીવડ્યો હતો અને ચારિત્ર્ય પણ તેનું ઘણું શુદ્ધ હતું. એ જેવો રૂપવાન, સાહસિક અને શક્તિશાળી હતો, તેવોજ ઉદાર, મહાન ક્ષમાશીલ અને મીઠાબોલો હતો. જયચંદ રૂપવાન હોવા છતાં પણ અહંકારી, બળવાન હોવા છતાં પણ ઉદ્ધત, સાહસિક હોવા છતાં પણ વિલાસી અને અત્યંત ખુશામતપ્રિય હતો. નાનપણથીજ પૃથ્વીરાજનું ધ્યાન માતામહની રાજનીતિને હૃદયમાં ઠસાવવા તરફ રહેતું. જયચંદ એ વિષય ઉપર જરાયે ધ્યાન આપતો નહિ.

એ ગુણોને લીધે પૃથ્વીરાજ આખા રાજ્યમાં બધાનો માનીતો થઈ પડ્યો હતો. જયચંદથી એ દેખી શકાતું નહિ. પૃથ્વીરાજનાં વખાણ સાંભળતાં જ એ બહુ દાઝે બળતો. પૃથ્વીરાજ એ જાણતો પણ હૃદયની ઉદારતાથી તેને ક્ષમા આપતો અને તેની સાથે સદા સારોજ વ્યવહાર રાખતો.

વૃદ્ધ દાદા અનંગપાળ પણ બન્નેના સ્વભાવ પારખી શક્યા હતા. એમને એ વખતની ભારતની સ્થિતિનું ખરૂં ભાન થઈ ગયું હતું. એ સમજી શક્યા હતા કે પરદેશી મુસલમાનો ભારતભૂમિ જીતવાને તલસી રહ્યા હતા. એ જાણતા હતા કે મોટા દોહિત્ર દ્વારા દિલ્હીની ગાદીનો માનમરતબો સચવાશે નહિ. પૃથ્વીરાજ અને જયચંદ બન્ને ઉપર એમને સરખો સ્નેહ હતો, પણ પૃથ્વીરાજ નીતિ કુશળ હોવાથી ભારતના ભવિષ્યના કલ્યાણની ખાતર પોતાના વિશાળ રાજ્યના બે ટુકડા કરી નાખવાનું એમને યોગ્ય ન લાગ્યું. એમને ખાતરી હતી કે આ સમયમાં મહાપરાક્રમી પુરુષ સિવાય ભારતવર્ષનું રક્ષણ થવાનું નથી, માટે તેમણે જયચંદને કનોજનું રાજ્ય તથા અનેક મણિમુક્તા વારસામાં આપ્યાં અને પૃથ્વીરાજને દિલ્હીના રાજ્યનો વારસ ઠરાવ્યો.

આ બનાવથી બન્ને મશિયાઈભાઈનાં મન બહુજ ખાટાં થયાં. આ એક પ્રસંગથી ભારતમાં એવી મોટી આગ સળગી કે જેમાં ભારતનું ભાગ્ય ભસ્મીભૂત થઈ ગયું. ભારતવાસીઓને માથે પરાધીનતાનું કલંક એ પ્રસંગને પરિણામે ચોટ્યું.

જયચંદ પૃથ્વીરાજને શત્રુ સમજતો, પણ એના ઘરનાં બીજાં બધાં એને બહુ ચાહતાં.

પૃથ્વીરાજને સૌથી વધારે ચાહનારી અને તેનો પક્ષપાત કરનારી જયચંદની લાડકી કન્યા સંયુક્તા હતી.

સંયુક્તા અપૂર્વ સુંદરી હતી. તેને જોતાંજ જાણે તે સ્વર્ગલોકમાંથી ઊતરી આવેલી દેવકન્યા હોય એવો ભાસ થતો. વસંત ઋતુમાં વનલતા જેમ ફૂલના આભરણથી સજ્જ થાય છે, તેમ બાલિકા સંયુક્તાના દેહ ઉપર યૌવનની પરમ શોભા છવાઈ રહી હતી. એનાં નયનમાં લજ્જા હતી, ગાલ ઉપર સ્નિગ્ધ લાલાશ હતી, કટિમાં ક્ષીણતા અને ચાલમાં મંદતા હતી. જે સમયની અમે વાત કરીએ છીએ તે સમયે એ નહોતી તરુણી કે નહોતી બાલિકા. અર્ધ ખીલેલી કુસુમકલિકા સમી સંયુક્તા વડીલોને વહાલી હતી, આશ્રિતોનું પાલન કરનારી હતી, તેની સાથે પ્રસંગમાં આવનાર સાથે મીઠું પણ રીતસરજ બોલતી. દેવ અને બ્રાહ્મણો તરફ તેને ભક્તિભાવ હતો, ઊંચા પ્રકારનું જ્ઞાન તેણે સંપાદન કર્યું હતું, લલિત કળાઓનો તેને શોખ હતો, સ્ત્રીજનોને શોભે એવી કોમળતા સહિત એના હૃદયમાં અપૂર્વ ક્ષાત્રતેજ વિરાજતું હતું. ઘોડેસવાર થવું, શસ્ત્ર ચલાવવાં વગેરે વીરવિદ્યામાં પણ એ ઘણી નિપુણ હતી.

બાલ્યાવસ્થાથીજ સંયુક્તાનું આકર્ષણ પૃથ્વીરાજ તરફ હતું. એ પણ એના સદ્‌ગુણ તથા સ્વભાવની મધુરતાથી એના ઉપર પ્રસન્ન હતો. પૃથ્વીરાજની પાસે બેસીને ઘણી વાર તેણે પ્રાચીન કાળના આર્યોની વીરતાની કથા સાંભળી હતી.

સંયુક્તા ધારતી કે પૃથ્વીરાજના જેવો પુરુષ આ દુનિયામાં બીજો કોઈ નથી. એ કોઈ શાપભ્રષ્ટ દેવતા છે. એના મુખમાંથી નીકળતો એકે એક શબ્દ એને મનથી વેદવાક્ય સરખો હતો. પૃથ્વીરાજનાં કોઇ વખાણ કરતું તો એ પ્રસન્ન થતી. એની નિંદા કરનારની સાથે લડવા તૈયાર થતી. આ પ્રમાણે કોઈ અદ્ભુત રીતે એનો પ્રેમ બાલ્યાવસ્થાથી જ પૃથ્વીરાજ તરફ ઢળ્યો હતો અને વયની વૃદ્ધિ સાથે એ પ્રેમ પણ વધતો જ ગયો હતો.

જયચંદને પૃથ્વીરાજ પ્રત્યે દ્વેષ છે તેની એ બાલિકાને ખબર નહોતી. ખબર હોય તો પણ એનું મહત્વ એ સમજી શકી નહોતી. એ તો મનમાં જ પોતાનો પ્રેમભાવ પોષતી જતી હતી.

અનંગપાળના મૃત્યુ પછી જયચંદ કનોજ જઈને વસ્યો.

એ પ્રાચીનકાળમાં ભારતવર્ષ ભિન્ન ભિન્ન રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. કોઈ રાજા વિશેષ પરાક્રમી નીવડતો તો બીજા રાજાઓ તેને મુખ્ય ગણીને માન આપતા અને એ રાજા પોતે ‘સમ્રાટ’ કે ‘સાર્વભૌમ’ ની ઉપાધિ ગ્રહણ કરતો. પૃથ્વીરાજે એક તો પોતાની વીરતાથી ઘણી ખ્યાતિ મેળવી હતી અને બીજું માતામહ તરફથી દિલ્હીની ગાદી મળવાથી તેનું સામર્થ્ય ઘણું વધી પડ્યું હતું. કૂટિલમતિ જયચંદને એ અસહ્ય થઈ પડ્યું. કનોજનું રાજ્ય સ્વતંત્ર નહોતું. દિલ્હીના તાબામાં એ ખંડણી ભરનારૂં રાજ્ય હતું. છતાં જયચંદે ખંડણી આપવી બંધ કરી અને પોતાને સ્વતંત્ર સાર્વભૌમ રાજા તરીકે જાહેર કરવાનું શરૂ કર્યું. રાજગાદી ઉપર બેઠા પછી તરતજ ગૃહકલહ ઊભો કરવો અને પોતાની શક્તિ ક્ષીણ કરવી એ વ્યાજબી નહિ લાગ્યાથી પૃથ્વીરાજે તેની પરવા ન કરી.

જયચંદ દિવસે દિવસે વધારે અભિમાની થતો જતો હતો. પોતાનું સાર્વભૌમત્વ કાયમ રાખવા માટે એણે રાજસૂય યજ્ઞ કર્યો. એવો યજ્ઞ કળિયુગમાં ઘણા સમયથી થયો નહોતો. ભારતના જુદા જુદા પ્રાંતના રાજાઓને એ યજ્ઞમાં પધારવાનું નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ફક્ત પૃથ્વીરાજ અને રાણા સમરસિંહને નિમંત્રણ મોકલ્યાં નહિ. હલકા મનનો જયચંદ એટલુંજ કરીને બેસી રહ્યો નહિ, પરંતુ એ બે વીરોનું અપમાન કરવા સારૂં મંડપના દ્વાર આગળ એ બંને જણનાં પૂતળાં ચોકીદાર તરીકે ઊભાં કર્યાં.

જયચંદે એક પંથમાં બે કામ કરવાનો ઇરાદો રાખ્યો હતો. વરવા યોગ્ય થયેલી કન્યા સંયુક્તાનો વિવાહ પણ સ્વયંવર પદ્ધતિથી કરવાનો તેણે વિચાર રાખ્યો હતો. પૃથ્વીરાજ તરફ પોતાની કન્યાનું આકર્ષણ છે એ તે જાણતો હતો, પણ એનું અનુમાન હતું કે, યજ્ઞપ્રસંગે અનેક દેશવિદેશના નવયુવક પ્રતાપી રાજાઓ આવશે. પૃથ્વીરાજની ગેરહાજરીમાં સંયુક્તા એમાંથી કોઈને પસંદ કરીને વરશે.

યજ્ઞ નિર્વિંઘ્ને સમાપ્ત થયો. હવે સ્વયંવરની રચના થઈ. મંડપની શોભા ઘણીજ સરસ હતી. યથાસમયે સંયુક્તા પિતાની આજ્ઞા મુજબ વરમાળા લઈને મંડપમાં દાખલ થઈ. એ જાણતી હતી કે પિતાએ પૃથ્વીરાજને આમંત્રણ મોકલ્યું નથી, પણ દ્વારપાળ તરીકે બારણા આગળ તેમની મૂર્તિ ઊભી કરી છે.

સંયુક્તા એ સભામાં આવીને પ્રથમ તો રાજગુરુને અને પછી પિતા જયચંદને પગે લાગી. જયચંદે ગદગદ સ્વરે કહ્યું: “વહાલી દીકરિ ! યોગ્ય પતિને પામજે.”

સભા નિશ્ચળ અને નિઃશબ્દ હતી. સંયુક્તાએ દૂર દૃષ્ટિ નાખીને હાજર રહેલા બધા નૃપતિઓને નીરખ્યા, પૃથ્વીરાજને સભામાં ન જોયાથી એનું હૃદય કંપવા લાગ્યું, પગ ઢીલા થઈ ગચા, નયનમાં આંસુ આવ્યાં; પણ થોડી જ વારમાં દ્વાર તરફ નજર જતાં એના મુખકમળ ઉપર આનંદ છવાઈ રહ્યો. એના અધર ઉપર હાસ્યની રેખા અંકાઈ, સ્થિર પગે એ મંચ ઉપરથી નીચે ઊતરી અને બધાને પ્રણામ કર્યા. એની સાથે એક ચતુર દાસી તથા ભારતવર્ષના ઈતિહાસ તથા પ્રત્યેક રાજાના જીવનથી સુપરિચિત એક ભાટ હતો. ભાટે એકેએકે રાજાઓને પરિચય કરાવ્યો; પણ સંયુક્તાના હૃદય ઉપર કોઈએ અસર કરી નહિ. એક પછી એક નૃપની અવગણના કરીને એ આગળ વધવા લાગી. થોડી વારમાં સંયુક્તા મંડપના દ્વાર આગળ ગઈ અને સખીના હાથમાંથી પૂજનસામગ્રી લઇ, પૃથ્વીરાજની દ્વારપાળ તરીકે ઊભી કરેલી મૂર્તિનું પૂજન કરી તેનાજ ગળામાં વરમાળા પહેરાવી.

પૃથ્વીરાજને સંયુક્તાના અનન્ય પ્રેમની ખબર પહેલેથીજ પહોંચી ગઈ હતી. તેથી એ પોતાના વિશ્વાસુ સામંત સહિત ગુપ્તવેશે મંડપના દ્વાર આગળ ઊભો હતો. વરમાળા પહેરાવતાં વારજ તેના સામંતોએ ‘પૃથ્વીરાજનો જય’ ઉચ્ચાર્યો અને એ વીર નૃપતિ સંયુક્તાને ઘોડા ઉપર બેસાડીને બધાના દેખતાં ત્યાંથી વીરતાપૂર્વક ચાલ્યો ગયો.

જયચંદને આ કપટની ખબર પડતાંજ તેણે પોતાના સૈન્યને ચૌહાણો ઉપર આક્રમણ કરવાની આજ્ઞા આપી. બન્ને પક્ષ વચ્ચે યુદ્ધ ચાલ્યું, પણ રાઠોડ સૈન્યનું કાંઈ વળ્યું નહિ. બધાની આંખમાં ધૂળ નાખીને પૃથ્વીરાજ સંયુક્તાને વીરતાપૂર્વક સહીસલામત દિલ્હી લઇ ગયો.

સંયુક્તાહરણની ઘટના બાબતે મતભેદ છે. કેટલાકનું કહેવું છે કે પૃથ્વીરાજની પ્રતિમાના ગળામાં સંયુક્તાએ વરમાળ પહેરાવી એજ સમયે પૃથ્વીરાજ તેને ઊંચકીને લઇ ગયો. ચંદ કવિનો મત જુદો જ છે. એના મત પ્રમાણે સંયુક્તાએ સ્વયંવર મંડપના દ્વારપાલ તરીકે ઊભી કરેલી પૃથ્વીરાજની મૂર્તિના કંઠમાં વરમાળા પહેરાવી એ સમયે પૃથ્વીરાજ ત્યાં હાજર ન હતો. જયચંદ પુત્રીના એ કૃત્યથી ઘણો ક્રોધે ભરાયો અને તેણે ગંગા નદીના કિનારે એક મહેલમાં સંયુક્તાને કેદ કરી દીધી.

એ ખબર એક બ્રાહ્મણ દ્વારા પૃથ્વીરાજને પણ મળી. એ કૃત્યથી જયચંદે પોતાનું મોટું અપમાન કર્યું છે એમ એને લાગ્યું. એ અપમાન બાણની પેઠે એના હૃદયને વીંધવા લાગ્યું અને કોઈ પણ પ્રકારે જયચંદનો બદલો લેવો એ વિચાર એને સૂઝ્યો. ચંદ કવિએ જયચંદના પરાક્રમ, તેનું વિપુલ સૈન્ય વગેરેનું વર્ણન કરીને એવું સાહસ ન વહોરવાની ઘણી સલાહ આપી. પણ વૈરાગ્નિથી અંધ થયેલા પૃથ્વીરાજને ગળે એ સલાહ ઊતરી નહિ અને આખરે ચંદ બરદાઈ તથા બીજા સેવકોને લઇને પૃથ્વીરાજે છુપા વેશમાં કનોજ તરફ પ્રયાણ કર્યું. એમની સાથે ઘણા સામંતો અને સૈનિકો પણ હતા.

કનોજ પહોંચીને પૃથ્વીરાજે અને ચંદ કવિએ ગુપ્તવેશમાં આખું નગર જોયું. પછી જયચંદની સેના પણ જોઈ. એ વીરસેના જોઈને પૃથ્વીરાજનું હૃદય પણ કંપવા લાગ્યું, પણ હવે શું વળે ? કાર્ય સાધવું કે, દેહ ત્યાગ કરવો એ બેજ માર્ગ ખુલ્લા હતા.

કનોજની બહાર એ લોકોએ તંબૂ ઠોક્યા. પૃથ્વીરાજ કવિ ચંદના નોકરનો વેશ લઈને જયચંદનો દરબાર જોવા તૈયાર થયો.

કવિ ચંદ પૃથ્વીરાજને સાથે લઈને જયચંદના દરબારમાં પહેાંચ્યો. જયચંદે કવિરાજનો સારો સત્કાર કર્યો. કવિએ પોતાની જાતિની રીત પ્રમાણે એક સરસ કવિત ગાઈને જયચંદની પ્રશંસા કર્યા બાદ પોતાના સ્વામી પૃથ્વીરાજની પ્રશંસામાં પણ ગાયું કે,

“જહાં વંશ છત્તીસ, આવે હંકારે;
તદ્ધાં એક ચહુઆન, પૃથ્વીરાજ ટારે.”

કવિનાં એ વચનોએ જયચંદના હૃદયને વીંધી નાખ્યું. એને પુષ્કળ ક્રોધ ઊપજ્યો અને એ બોલી ઉઠ્યો: “પૃથ્વીરાજ મારી સામે આવે તો ખબર લઈ લઉં.”

પૃથ્વીરાજ તો ચંદના નોકરના વેશમાં ત્યાં જ ઊભો હતો. એનાં નેત્ર પણ ક્રોધથી લાલચોળ થઈ ગયાં, પણ આ વખતે ક્રોધને દબાવ્યા વગર ચાલે એમ નહોતું. એના ચહેરા ઉપરથી જયચંદને શક પણ ગચો, પણ પછી વિચાર આવ્યો કે, “પૃથ્વીરાજ જેવો પ્રતાપી અને અભિમાની પુરુષ નોકર બનીને મારા દરબારમાં શા સારૂ આવે ?”

ભાટચારણનો સત્કાર કરવાનું રાજાનું કર્તવ્ય ગણાતું હતું, એટલે જયચંદે સત્કારપૂર્વક ચંદને વિદાય કર્યો અને તેના નિવાસ તથા ભોજનાદિનો સારો પ્રબંધ કર્યો. સાથે સાથે પોતાના ગુપ્તચરોને ચંદની સાથે આવેલા વિચિત્ર નોકરની ખબર રાખવા આજ્ઞા આપી. રાજાના ગુપ્તચરોએ પત્તો લગાડ્યો કે ચંદની સાથે નોકર તરીકે આવનાર પુરુષ પૃથ્વીરાજ પોતેજ છે.

જયચંદને મૂળ વહેમ તો હતો તેમાં ગુપ્તચરની બાતમીથી પૂરી ખાતરી થઈ ગઈ. હવે એ ચંદ બરદાઈને વિદાય કરવાને બહાને પુષ્કળ ધન તથા હાથી, ઘોડા અને અલંકાર લઈને પોતાના સિપાઈઓ સહિત ચંદને ઉતારે ગયો, સૈનિકોને આજ્ઞા હતી કે ચંદના સાથીઓમાંથી કોઈ પણ નાસવા ન પામે તેની ખાસ ખબર રાખવી, પરંતુ એ સમયે પૃથ્વીરાજે એવી કુશળતાથી પોતાનો વેશ બદલ્યો હતો કે, કેવળ શક ઉપરથી તેને પકડી લેવાની હિંમત જયચંદની ચાલી નહિ. એ પોતાના રાજમહેલમાં પાછો ફર્યો. કવિ ચંદની ખ્યાતિ સત્યવક્તા તરીકે હતી. રાજાએ તેને બોલાવીને પૂછ્યું ત્યારે ચંદે સ્પષ્ટ જણાવ્યું કે, “પૃથ્વીરાજ આ સમયે કનોજમાં છે.” રાજાએ ચંદને તો વિદાય કર્યો અને તરતજ પોતાના ભાણેજની સરદારી નીચે ચંદના પડાવને ઘેરો ઘાલીને પૃથ્વીરાજને જીવતો પકડી આણવા એક મોટી સેના મોકલી.

પૃથ્વીરાજ અને તેના સામંતોને પણ એ વાતની ખબર પહોંચી ગઈ. તેઓ પણ યુદ્ધ કરત્રાને સજ્જ થયા. બન્ને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ જામ્યું અને પૃથ્વીરાજનો સામંત લંગરીરાય તથા જયચંદનો મંત્રી અને ભાણેજ આ યુદ્ધમાં માર્યા ગયા. હવે જયચંદ પોતે યુદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. પંગુરાયને સેનાપતિ બનાવી યુદ્ધનું કામ તેને સોંપીને પૃથ્વીરાજ નગરની તરફ ગયો અને અંતઃપુરની પાસેના ગંગાના ઘાટ ઉપર જઈ પહોંચ્યો. એજ મહેલમાં સંયુક્તા કેદ હતી. એણે પૃથ્વીરાજને ઓળખ્યો.

એટલામાં પૃથવીરાજના ઘોડાના ગળામાં લટકી રહેલા મોતીઓના હારમાંથી એક મોતી તૂટીને ગબડતું ગબડતું ગંગામાં જઈ પડ્યું. માછલીઓ તેને પોતાનું ભોજન સમજીને ખાવા સારૂ દોડવા લાગી. પૃથ્વીરાજે એ જોઇને હારમાંથી એકેએક મોતી તોડીને નદીમાં નાખવા માંડયાં, સંયુક્તાને પણ આ તમાશો જોવામાં આનંદ આવ્યો. તેણે પોતાની એક સખીને મોતીની થાળી લઈને મોકલી. પૃથ્વીરાજે એ થાળમાંનાં બધાં મોતી માછલીઓને સારૂ નદીમાં નાખી દીધાં. એ દાસી દ્વારા પૃથ્વીરાજને સંયુક્તાની એ વખતની દશાની ખબર પડી તથા જાણ્યું કે સંયુક્તા પ્રેમવિહ્વળ બનીને અત્યારે એ જ મહેલમાં નિવાસ કરી રહી છે. દાસીએ પૃથ્વીરાજની સાથે થયેલી વાતચીત સંયુક્તાને જણાવી. દાસીની મારફત પૃથ્વીરાજ અંતઃપુરમાં ગયો. ત્યાંજ બંનેનો ગાંધર્વવિવાહ થયો અને સંયુક્તાના આગ્રહને વશ થઈ બંને જણ ત્યાંથી નીકળી પડ્યાં.

માર્ગમાં જયચંદની ફોજે એમને ઘેરી લીધાં. પૃથ્વીરાજના સૈનિકો પણ એટલામાં તેને આવી મળ્યા હતા. બંને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ જામ્યું, અનેક સામંતો અને સૈનિકો માર્યા ગયા, પણ આખરે પૃથ્વીરાજનો વિજય થયો. સંયુક્તાને પોતાનાજ અશ્વ ઉપર સવાર કરીને પૃથ્વીરાજ ત્યાંથી જયચંદના દેખતાં જ ચાલ્યો ગયો. જયચંદની સેના એમને પકડવા પાછળ પડી પણ કાંઈ વળ્યું નહિ. એ નવદંપતી સહીસલામત દિલ્હી પહોંચ્યાં.

દિલ્હીમાં દંપતીનો સંસાર ઘણાજ સુખ અને વિલાસમાં વ્યતીત થવા લાગ્યો. એક દિવસ સંયુક્તા ઉદ્યાનમાં બેસીને એકાંતમાં કાંઈ વિચાર કરી રહી હતી, એવામાં પૃથ્વીરાજ ત્યાં પહોંચ્યો અને પત્નીનો કર પ્રેમપૂર્વક પોતાના હાથમાં લઈ કહેવા લાગ્યો: “પ્રિયે ! તને પ્રાપ્ત કરીને હું કૃતાર્થ થયો છું. હૃદયમાં તને ધારણ કર્યાથી મેં જે સ્વર્ગ સુખ પ્રાપ્ત કર્યું છે તે કોણ જાણે કયા સત્કર્મોનું ફળ છે. રોગ, શોક, દુઃખ બધું હું વીસરી ગયો છું. તારા આવ્યાથી પૃથ્વી નંદનવન સમી બની છે. બાલ્યાવસ્થાથી જ મેં તારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો હતો, તેનો તેં પૂરો બદલો આપ્યો છે. તને સુખી કરવી, તારા જીવનને અમૃતમય કરવું, એજ મારા જીવનનો એક માત્ર ઉદ્દેશ બન્યો છે; છતાં વહાલિ ! આજ તને ઉદાસ કેમ જોઉં છું ? આજ તારાં નેત્રોમાં અશ્રુબિંદુ કેમ દેખાય છે ? આ આનંદના દિવસોમાં તારૂં ચિત્ત સ્ફૂર્તિહીન કેમ દેખાય છે ? તારા કોડ મારાથી પૂરા ન થઈ શક્યા હોય તો સત્વરે જણાવ.”

સતી સંયુક્તાએ પતિનો હાથ પકડીને ગદ્‌ગદ સ્વરે કહ્યું: “પ્રભુ ! ક્ષમા કરો ! આજ મારૂં હૃદય ચિરાય છે. મારા અભિલાષ તૃપ્ત નથી થયા.”

પૃથ્વીરાજે આશ્ચર્ય પામીને પૂછ્યું: “પ્રિયે ! આજ આ નવી વાત શી સાંભળું છું ? તારી શી આશા છે ? શી અભિલાષા છે ? તારો એ કયો કોડ છે કે જે મારાથી પૂર્ણ ન થઈ શક્યો હોય ? વહાલિ ! સત્વર બોલ.”

સંયુક્તાએ વિનયપૂર્વક ઉત્તર આપ્યો : “પ્રાણેશ્વર ! મારો સૌથી મોટો અભિલાષ તો એ હતો કે તમને પતિરૂપે પામું; પણ બીજો અભિલાષ એ પણ હતો કે પિતાજી મનાય અને એ પિતાને હાથેજ મારૂં દાન આપને કરે. એ ઈચ્છા મારી પૂર્ણ ન થઈ. એમાં વિઘ્ન આવ્યું. પતિપ્રેમ મેળવ્યો છે તેનો મને આનંદ છે, પરંતુ પિતૃસ્નેહનું વિસર્જન થયું છે, તેથી જ મારો પ્રાણ રડી રહ્યો છે. પુણ્ય કરવા જતાં મેં કોઈ પાપ કર્યું છે તેથી મારા ચિત્તને શાંતિ નથી. પિતાજી મને કેટલું ચાહતા ! હું તેમની આંખની કીકી હતી. નિદ્રામાં પણ એ મનેજ બોલાવતા. હું પીરસું નહિ તો એ ભૂખ્યા રહેતા, દરેક વાતમાં મારી સલાહ લેતા. મારી આ અવિનયી વર્તણુંકથી પિતાજીને કેટલું માઠું લાગ્યું લાગ્યું હશે તેજ મને સાલે છે.

“માતાની સ્થિતિનો વિચાર કરૂં છું, ત્યારે તો મારૂં હૈયું કહ્યું જ કરતું નથી. હું એની દીકરીજ નહોતી, પણ સેવિકા-સહચરી હતી. મારી આગળ મા પોતાનાં સુખદુઃખની વાત કહેતી. પિતાજી ધમકાવે તો એ મારી આગળ આવીને રડતી. આપ જેવા યોગ્ય જમાઈ મળે એવી એની ઉત્કંઠા થતી. એમને ખબર હતી કે બાલ્યાવસ્થાથી જ હું તમને ચાહતી હતી, એના સિવાય બીજા કોઈને ખબર નહોતી. એવી સ્નેહાળ માતાની વિદાય લીધા વગર હું ચાલી આવી એ મને સાલે છે.

“સ્વામીનાથ ! રાતદિવસ એ ચિંંતા મને બાળી નાખે છે. વિધાતાએ આટલા બધા સુખમાં આવું દુઃખ પણ મારે સારૂ શા માટે નિર્માણ કર્યુ હશે ? મારી એક ઈચ્છા એજ છે કે હવે તો એક વાર કનોજ જઈ પિતાજીના ચરણમાં પડું. એ લાત મારે, અપમાન કરે તે સહન કરૂં અને બે હાથ જોડીને વિનતિ કરૂં કે, ‘બાપુ ! ક્ષમા કરો. ક્ષમા કરો. આપના ચરણ કમળમાં મને સ્થાન આપો.’”

સતી શાંત રહી. એના કમળનયનમાંથી અશ્રુધારા દડ દડ વહેતી હતી. પૃથ્વીરાજે તેને પોતાની તરફ ખેંચી હૃદયસરસી ચાંપી, આંસુ લૂછી નાખ્યાં અને એક સ્નેહચુંબન લઈ બોલ્યો : “પ્રાણાધિકે ! આમ દિલગીર ન થા. તારૂં બધું દુઃખ સમાવી દે. તારા નયનનું એકેએક અશ્રુબિંદુ તીક્ષ્ણ બાણની પેઠે મારા હૃદયને વીંધી નાખે છે. વિધાતાની આજ્ઞા લોપવાની શક્તિ કોનામાં છે ? જયચંદ અને હું જન્મથી જ શત્રુ થોડા હતા ? અમે તો એકબીજાને બીજાને ચાહતા હતા, પણા કોણ જાણે દાદાજીને દિલ્હીનો વારસ મને બનાવવાનું શાથી સૂઝ્યું? અને મેં શા સારૂ એ દાન ગ્રહણ કર્યું ? વહાલિ ! સાચું કહું છું કે, આવી સો દિલ્હી એક તરફ છે અને બીજી તરફ તું છે. તારી પ્રસન્નતા ખાતર હું રાજપાટનો ત્યાગ કરવા તૈયાર છું, ઝૂંપડીમાં રહેવાનું અને કંદમૂળ ખાઇને જીવન ગાળવાનું હું તારી સાથે તો પસંદ કરીશ. તને તૃપ્ત કરવા હું ગમે તે કરવા તૈયાર છું, પણ હવે કાંઈ ઉપાય જ નથી, જયચંદનો સ્વભાવ હું જાણું છું. હવે હું દિલ્હી પાછી આપવા માગું તો પણ એ લેનાર નથી. તારા પિતા એ મારે પણ પિતા સમાન છે. એમના પગની ઠોકરોને પણ હું આશીર્વાદ ગણવા તૈયાર થાઉં; પણ પ્રિયે ! કેમ વીસરી જાઓ છો કે, જેવી રીતે એ કનોજના અધીશ્વર છે તેવી જ રીતે હું દિલહીશ્વર છું.

સમગ્ર ચૌહાણ વીર મારા પક્ષમાં છે. શૌર્ય અને વીર્યમાં તેમની બરોબરી કરે એવા કોઈ નથી. એમની ખાતરી છે કે, મેં જે કાંઈ કામ કર્યું છે તે વાજબી છે. હું હવે જયચંદને નમું તો તેઓ મારે માટે શું ધારશે ? પ્રિયે ! મેં સાંભળ્યું છે કે તારા પિતા મને સજા કરવા માટે બહુ તૈયારી કરી રહ્યા છે, અને હાનિ પહોંચાડવા સારૂ એ ગમે તેવા અધમ ઉપાય લેવાને પણ એ તૈયાર થયા છે. જે મુસલમાનોને હું બે વાર વીરતાથી હરાવીને પાછા કાઢી ચૂક્યો છું, તેની સાથે એ ગુપ્તપણે મસલત કરી રહ્યા છે. એવા સંયોગોમાં જો હું દિલ્હીના રાજા તરીકે તારા પિતાની માફી માગું, તેને મનાવવા પ્રયત્ન કરૂં તો લોકો કહેશે કે યવનોના ભયથી પ્રાણ બચાવવા સારૂ પૃથ્વીરાજ કનોજનો દાસ બન્યો અને સ્વતંત્રતા ખોઈ. એ અપમાન હું કેવી રીતે સાંખી શકું? વહાલિ ! તારા મનની સ્થિતિનું પણ હું અનુમાન કરી શકું છું. તને એકલી પિતાની પાસે મોકલતાં મારો જીવ ચાલતો નથી. મારી ખાતરી છે કે નિર્દય જયચંદ તારું અપમાનજ કરશે. અભિમાનથી એ મસ્ત થયેલો છે, તારા દેખતાં એ મને ગાળો ભાંડશે, મારી નિંદા કરશે. મારી પતિપરાયણ સંયુક્તા એ વચનોને કેવી રીતે સાંખી શકશે? મને ભય રહે છે કે તને કનોજ મોકલતાં રખે દક્ષને ઘેર યજ્ઞ સમયે થઈ હતી એજ સતી-લીલા પાછી કનોજના રાજમહેલમાં ન થાય ?

“તું કેવળ રાઠોડ-દુહિતાજ નથી.ચૌહાણની રાણી, દિલ્હીની અધીશ્વરી છે. તારે માટે બન્ને પક્ષ સરખા છે. વિચાર કરી જો, કોનો વાંક છે તે ધ્યાનમાં લે. હૃદયના બધા ભાવને શમાવી શાંત થા.”

સતી ઉત્તર આપી શકી નહિ. પૃથ્વીરાજ પણ શાંત થયો. ઇંદ્રસમ પતિ પ્રાપ્ત કરી સ્વર્ગસુખમાં મહાલતી દેવી સંયુક્તાના હૃદયમાં પિતૃભક્તિના ભાવને લીધે કેટલું દુઃખ થઈ રહ્યું હતું તેનો ભાસ કરાવવા જ અમે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. પરમાત્માની લીલા વિચિત્ર છે. સંપૂર્ણ સુખ કે સંપૂર્ણ દુઃખ કહીં જ દીઠામાં નથી આવતું.

પૃથ્વીરાજના જીવનને ભારતના સૌભાગ્યના ઈતિહાસ સાથે ઘણો ગાઢો સંબંધ છે. ભારતના અધઃપતનનું, એક મુખ્ય પ્રકરણ સંયુક્તાહરણથી શરૂ થાય છે. કુસંપે એ સમયે ભારતમાં ઘર ઘાલ્યું હતું. જયચંદ અને પૃથ્વીરાજ આંધળા બનીને એક બીજાનું વેર લેવા તયાર થઇ ગયા હતા. સારાખોટાનો વિવેક તેમને રહ્યોજ નહોતો. જયચંદે દેશભક્તિને તિલાંજલિ આપી હતી. પૃથવીરાજ વીરતા અને બુદ્ધિમત્તાથી વિભૂષિત હોવા છતાં પણ અતિ વિલાસી બન્યા હતા. રાસોમાં લખ્યું છે કે, પૃથ્વીરાજે અગિયાર વાર લગ્ન કર્યા હતાં અને દરેક લગ્નમાં બે ચાર હજાર મનુષ્યની પ્રાણાહુતિ દેવાનો પ્રસંગ આવ્યો હતો. અનેક પત્નીઓ હોવાથી રાજમહેલમાં જે દ્વેષ, કુસંપ અને ખટપટ સ્વાભાવિક રીતે જ ઊભાં થાય છે તેનાથી પૃથ્વીરાજ બચ્યો નહોતો. વળી પૃથ્વીરાજમાં પોતાના બળ અને પરાક્રમ માટે વધારે પડતું અભિમાન આવી ગયું હતું. અભિમાન આવવું સ્વાભાવિક પણ હતું કેમકે એણે પહેલાં કેટલીક વાર શાહબુદ્દીનનો પરાજય કરી તેને નસાડી મૂક્યો હતો. મુસલમાનોનો પરાજય કરવો એ એને માટે રમત વાત હતી.

પૃથ્વીરાજના અનેક વીર સામંતો બીજા નાનાંમોટાં યુદ્ધોમાં પરલોક સિધાવી ચૂક્યા હતા; છતાં એ સમયમાં ભારતભૂમિ વીર–શૂન્યા નહોતી થઈ ગઈ. હથિયારબંધીનો કાયદો એ સમયે દેશમાં નહોતો. એ સમયે લોકોમાં જીવન હતું. સ્વતંત્રતાનો પ્રેમ હતો. અનેક રજપૂત યુવકો દેશની સ્વતંત્રતા માટે દેહ અર્પણ કરવા તૈયાર હતા, હાય ! પરંતુ પૃથ્વીરાજની શી દશા હતી! સંયુક્તાના પ્રેમપાશમાં એ એવો સપડાયો હતો કે, રાજકાજમાં ધ્યાન આપવું તદ્દન છોડી દીધું હતું. સામંતોને મળવાનું અને દેશની સ્થિતિથી જાણીતા થવાનું પણ બંધ કર્યું હતું. રૈયતને રાજાનાં દર્શન નહોતાં થતાં. એમનું દુઃખ રાજાને કાને નહોતું પહોંચતું. પ્રજામાં અસંતોષ ફેલાવા માંડ્યો હતો. પૃથ્વીરાજ રાતદિવસ સંયુક્તા સાથે રંગમહેલમાંજ પડ્યો રહેતો હતો. ‘રાસો’માં ચંદ લખે છે કે, “પૃથ્વીરાજ એ સમયે કર્તવ્યહીન થઈ ગયો હતો.”

પેલી તરફ ગિઝનીમાં શાહબુદ્દીન મહંમદ ઘોરી અપમાનનો બદલો લેવા સદા તૈયાર રહેતો હતો. એના દૂતો ગુપ્તવેશમાં દિલ્હીમાં ફરતા અને પૃથ્વીરાજની બધી હકીકત પોતાના બાદશાહને લખી જણાવતા. બાદશાહ સમજી ગયો કે, પૃથ્વીરાજે કરેલા અપમાન અને પરાજયનો બદલો લેવાનો આજ ખરો સમય છે. રાજાઓમાં કુસંપ છે અને પૃથ્વીરાજ વિલાસમગ્ન છે. એણે તરતજ સૈન્ય એકઠું કરવા માંડ્યું અને થોડાક જ દિવસમાં એક પ્રચંડ સૈન્યસહિત દિલ્હી તરફ પ્રયાણ કર્યું. જયચંદ આ વખતે અંદરખાનેથી શાહબુદ્દીનની મદદે હતો. ભારતનું ભાગ્ય ફૂટ્યું હતું. એના ઘોર દુર્દિનનો સમય આવી પહોંચ્યો હતો.

પૃથ્વીરાજના સામંતો દેશરક્ષાની તૈયારીમાં ગૂંથાયા; પણ પૃથ્વીરાજ પોતે તો વિલાસમાંજ લીન હતો. ચંદે તેને ચેતવણી આપી પણ રાજાએ તેને ગણકારી નહિ.

આખરે એ સમાચાર પૃથ્વીરાજના બનેવી રાવળ સમરસિંહજીને પણ પહોંચ્યા. એમ પણ કહેવાય છે કે, એમણે એક ભયંકર સ્વપ્ન જોયું હતું, જેથી એમની ખાતરી થઈ ગઈ હતી કે ભારતના અધઃપતનનો દિવસ પાસે આવી પહોંચ્યો છે. પૃથ્વીરાજ પ્રત્યેના સ્નેહને લીધે એ પુત્રને રાજ્યકારભાર સોંપીને પુષ્કળ સૈન્યસહિત, દિલ્હીનું રક્ષણ કરવા સારૂ જઈ પહોંચ્યા. મહેલોમાં પડેલા પૃથ્વીરાજને એમનું સ્વાગત કરવાનું પણ ભાન નહોતું. સંયુક્તા ચતુર સ્ત્રી હતી, એણે માણસ મોકલીને સમરસિંહનો યોગ્ય સત્કાર કર્યો. આખરે પૃથ્વીરાજને પણ સમરસિંહને મળવા સારૂ આવવું પડ્યું. બહાર આવ્યા પછી સમરસિંહ તથા પોતાના સામંતોને મુખેથી દેશની ખરી સ્થિતિનો પરિચય મળ્યો. પોતાની ભૂલને માટે એને કાંઈ પસ્તાવો થયો. આજ એ મહાવીર કાંઈક મૂંઝાયો પણ ખરો; પરંતુ નામ પ્રમાણે ગુણ ધરાવનાર સમરનીતિવિશારદ સમરસિંહે તેને આશ્વાસન આપ્યું કે, “ગભરાવા જેવું કાંઈ નથી. ચિતોડ, અજમેર અને દિલ્હીની ત્રણ સેનાઓ સજ્જ થઈને યવનદળને રોકશે. આપણા સૈનિકો ઘણા વીર છે. વિજય આપણોજ થશે.” પછી જરા હસીને કહ્યું “પૃથ્વીરાજ ! ભય છે તો એક વાતનો છે. નાની રાણી તમને નહિ છોડે તો પછી તમે રણક્ષેત્રમાં કેવી રીતે જઈ શકશો ? મને તો લાગે છે કે તમે એને સાથે લઈને જ યુદ્ધક્ષેત્રમાં જાઓ તો ઘણું સારૂં.”

પૃથ્વીરાજે કહ્યું: “મશ્કરી કરવી રહેવા દો. પૃથ્વીરાજ સમરાંગણમાં કદી પીઠ બતાવનાર નથી. તમે યુદ્ધની તૈયારી કરો. તમારા જેવા અનુભવીની સહાયતા છે તો વિજય આપણોજ છે. હું હમણાં આવું છું.”

એટલું કહી પૃથ્વીરાજ અંતઃપુરમાં ગયો. ત્યાં ઉદ્યાનમાં સંયુક્તા એકલી બેસીને સુંદર પુષ્પહાર પોતાના કોમળ કર વડે ગૂંથી રહી હતી. એની પાસે ઢાલ તલવાર તથા ધનુષબાણ પડેલાં હતાં. પૃથ્વીરાજ એકીટશે તેની તરફ ઘણી વાર સુધી જોઈ રહ્યો અને પછી પૂછવા લાગ્યોઃ “પ્રિયે ! આજ આ શો ધંધો માંડ્યો છે ? એક તરફથી કોમળ હસ્ત વડે ફૂલ ગૂંથી રહી છે, બીજી તરફ ઢાલ તલવાર પડ્ચાં છે. આ વિચિત્ર તૈયારી કોને માટે છે ?”

સતીએ કહ્યું: “પ્રાણનાથ ! કિશોરાવસ્થાથી મને એક અભિલાષ હતો, કે મારે પોતાને હાથે સજાવીને તમને રણક્ષેત્રમાં મોકલું. એટલા માટે આજ મારે હાથે ધાર કાઢીને આ તલવાર તથા ભાલાને તૈયાર કર્યા છે. રણભૂમિની યાત્રાએ આપ કાલે નીકળશો તે સમયે પહેરાવવાને આ પુષ્પમાળા ગૂંથી રહી છું. એ વખતે મારે હાથે તમને ઢાલતરવાર ધારણ કરાવીશ તથા મારે હાથે ચાંલ્લો કરી, મુગટ પહેરાવી, પ્રસન્નમુખે વિદાય કરીશ. વીરચૂડામણિ ! દાસીનો અભિલાષ કાલે પૂરો પાડવો પડશે. તમે રણભૂમિમાં જઈને તુર્કને નસાડી મૂકો, એ દિવસ કંઈ ફરી ફરીને નથી આવવાનો.”

પૃથ્વીરાજે કહ્યું “વહાલિ ! તારો અભિલાષ પૂર્ણ થશે, પણ આ વખતે હું વહેલો પાછો નહિ ફરી શકું. ઈસ્લામના ધર્માનુયાયીઓએ આર્યાવર્તમાં રાજ્યની સ્થાપના કરવા માગે છે. આ વખતે શત્રુઓને ખબર પડી ગઈ છે કે, ન્યાતજાતના ભેદ અરે ! કુટુંબકલેશને લીધે રજપૂત જાતિ દુર્બળ થઈ ગઈ છે. ૨જપૂતોનો સમૂળગો નાશ નહિ કરે ત્યાંસુધી મુસલમાનોને હવે ચેન પડવાનું નથી. આ વખતનું યુદ્ધ જેવું તેવું નથી. આ વખતે મને રણક્ષેત્રમાં લાંબો વખત લાગશે. મારી ઈચ્છા છે કે એટલો સમય તારે રાજકાર્ય સંભાળવું, સુયોગ્ય સચિવોની સલાહ લઈને સમયોચિત આજ્ઞાઓ જારી રાખવી, આવા અણીના વખતમાં પ્રજાને સંતુષ્ટ રાખવી એ ઘણું જરૂરનું છે. મારી લાડકી પ્રજાને ભય કે અસંતોષનું કાંઈ પણ કારણ ન મળે તેની તું ખાસ કાળજી રાખજે. પ્રજાની જનની થઈને તું એમનાં દુઃખને દૂર કરજે. બાલ્યાવસ્થામાં તને સારૂં શિક્ષણ મળ્યું છે. રાજનીતિમાં તું નિપુણ છે. એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો આ સમય છે. જે મહાન કાર્યોનો ભાર હું તારા હાથમાં સોંપું છું તેને પાર ઉતારજે.”

સંયુક્તા બોલી: “આપે મારે માથે આવી ગંભીર જવાબદારી મૂકી તેથી હું કૃતાર્થ થઈ છું. આપનો આદેશ હું જીવસટ્ટે પણ પાલન કરીશ.”

ત્યાર પછી બન્ને મંદિરમાં ગયા અને ઈષ્ટદેવતાને પ્રણામ કર્યા. સંયુક્તાએ પોતાને હાથે સ્વામીને લડાઈનો પોશાક પહેરાવ્યો. યુદ્ધક્ષેત્રમાં ગયા પછી રખે સ્વામીનું ચિત્ત દુર્બળ થાય, રખે એ પ્રિયતમા પત્નીના પ્રેમની ખાતર યુદ્ધક્ષેત્રમાં ક્ષત્રિયને છાજે એટલી વીરતા ન બતાવે અને ૨ખે રાજાની માફક રાજધર્મનું પાલન કરતાં સંકોચ પામે; એવા વિચારથી વિદાય થતી વખતે સંયુક્તાએ સ્વામીને કહ્યું: “પ્રાણનાથ ! દેશરક્ષાને સારૂ, રાજધર્મના પાલન સારૂ અને વીરકીર્તિ મેળવવા સારૂ યુદ્ધક્ષેત્રમાં પ્રાણ આપવો પડે, તો તે પણ ખુશીથી આપજો. મોત એક દિવસ જરૂર આવવાનું છે. આ સુંદર હૃષ્ટપુષ્ટ દેહ, આ રાજ્યની સાહેબી અને ભોગવિલાસ એ બધાનો ત્યાગ કરીને, મૃત્યુના કઠોર અને અકસ્માત્ ઘાથી આત્મા એક દિવસ જરૂર ચાલ્યો જવાનો છે, તો પછી યુદ્ધક્ષેત્રમાં વીરધર્મનું પાલન કરતાં કરતાં શા માટે ન મરવું ? તમારૂં રાજ્ય, ધન, વૈભવ, યૌવન અને સર્વ કાંઈ એક દિવસ નાશ પામશે, પણ તમે જો વીરતાથી યુદ્ધ કરશો તો તમારી એ કીર્તિ કદી નાશ પામવાની નથી. કોઈ પણ જાતના નાશવંત પાર્થિવ સુખની આશામાં અમર કીર્તિ ગુમાવશે નહિ. જાઓ, પ્રફુલ્લ હૃદયે તેજસ્વિતા દર્શાવતા યુદ્ધમાં સિધાવો. દેવતાઓની કૃપાથી તમારી તલવાર શત્રુઓના ટુકડેટુકડા કરી નાખશે. તમારે હાથે યુદ્ધક્ષેત્રમાં શત્રુઓના લોહીની નદી વહેશે, તમારો દેહ હોળીમાં ખેલેલા ફાગની પેઠે શત્રુઓના લોહીથી રંગાઈ જશે. જાઓ ! વહાલા જાઓ ! વિજયના ગૌરવથી દીપ્તિમાન થઈને શત્રુઓના લોહીથી ખરડાયેલા હાથે કુળદેવતાના ચરણમાં પ્રણામ કરજો. જાઓ વહાલા ! શત્રુઓના વિનાશથી સંતુષ્ટ થના૨ કુળદેવતા તમને આશીર્વાદ આપજો !”

યુદ્ધનો દિવસ પણ આવી પહોંચ્યો. યુદ્ધમાં જતી વખતે પત્નીનાં વીરતાભર્યા વાક્યોથી ઉત્તેજિત થઈને પૃથ્વીરાજે સમરસિંહને સાથે લઈને પૂર્ણ પરાક્રમપૂર્વક રણક્ષેત્રમાં પ્રવેશ કર્યો. એ બન્ને વીર રાજાઓના પરાક્રમથી શાહબુદ્દીનની સેનાનો પૂર્ણ પરાજય થયો અને બાદશાહ પોતે કેદ પકડાયો. એ સમયના રજપૂતો ઉદાર હૃદયના હતા. વીરશત્રુનો યોગ્ય આદર કરી જાણતા હતા. કેદી સુલતાન જ્યારે પૃથ્વીરાજના દરબારમાં આવ્યો ત્યારે પૃથ્વીરાજ ઉઠીને સામે ગયો અને તેની બેડીઓ ખોલી નાખીને બોલ્યો: “સુલતાન યુદ્ધમાં તમારો પરાજય થયો છે ખરો, પણ હિંદુઓ વીરત્વની મર્યાદા ભૂલ્યા નથી. વીરતાનો આદર કરતાં તેમને આવડે છે. તમે મહાપરાક્રમી યોદ્ધા છો. તમારી રણકુશળતા જોઈને હું મુગ્ધ થઈ ગયો છું. હું વિજેતા છું, તમે બંદીવાન છો, પણ તેથી હું તમારી ઈજ્જત ઓછી કરનાર નથી. હિંદુનું હૃદય ક્ષમાથી પરિપૂર્ણ હોય છે, આપ મારી સાથે સંધિ કરીને સુખે સ્વદેશ સિધાવો.”

શાહબુદીન પાસેથી ખંડણી તરીકે ૮૦૦૦ ઘોડા લઈ પૃથ્વીરાજે તેને છોડી મૂક્યો, “આ પ્રસંગે રજપૂતોનું ખરૂં ક્ષાત્રતેજ અને યુદ્ધકૌશલ્ય મુસલમાનોના જાણવામાં આવ્યાં. પરાજયથી શાહબુદ્દીન અત્યંત દુઃખી થઈને ત્વરાથી સિંધુ નદી ઊતરીને ગિઝની ગયો. ત્યાં બહારથી ખુશખુશાલીમાં રહીને પોતે હિંદુસ્તાન માટે પરવા કરતો નથી એવું દેખાડવા લાગ્યો; પરંતુ અંદરખાનેથી તે અત્યંત ધૂંધવાઈ રહ્યો હતો. તેણે એક વખત પોતાના પ્રધાનને કહ્યું કે, “મને સ્વસ્થ નિદ્રા કદી પણ આવતી નથી. ઊંઘતો હોઉં કે જાગતો હોઉં પરંતુ ફિકર અને દુઃખનો ડુંગર મારી આસપાસ થયેલો જોઉં છું.”*[૧]

આ યુદ્ધને પાણિપતનું પ્રથમ યુદ્ધ કહે છે. એ ઈ. સ. ૧૧૯૧ માં પાણિપતની પાસે કનલિની ઉત્તરે નારાયણ ગામમાં થયું હતું.×[૨] આ યુદ્ધમાં પૃથ્વીરાજનું ગૌરવ વધ્યું પણ તે જયચંદથી સાંખી શકાયું નહિ. પૃથ્વીરાજનો નાશ હરેક રીતે કરવાની તે તજવીજમાં પડ્યો. વૈરાગ્નિ તેના હૃદયમાં ભડભડ સળગવા લાગ્યો. પૃથ્વીરાજનો બદલો લેવાનો તેણે અધમમાં અધમ સંકલ્પ કર્યો. એણે શાહબુદ્દીનની પાસે માણસ મોકલીને ભારતવર્ષ ઉપર પુનઃ આક્રમણ કરવાની યાચના કરી અને ખાતરી આપી કે, “આ વખતે હું ખુલ્લી રીતે ધન, શસ્ત્ર, હાથી, ઘોડા તથા સૈનિકોની મદદ આપીશ.”

જયચંદના આમંત્રણથી ઉત્સાહિત થઈને શાહબુદ્દીને ફરીથી ભારતવર્ષ ઉપર ચઢાઈ કરી. જયચંદ તેની સાથે આવ્યો. પૃથ્વીરાજ અને સંયુક્તાએ જયચંદના દુષ્ટ કૃત્યની વાત સાંભળી, ત્યારે તેમને ઘણોજ કલેશ થયો. સંયુક્તાને તો ઘણી શરમ આવી અને એમ થવા લાગ્યું કે પિતાનું આવું અધમ કૃત્ય જોવા પહેલાં વિધાતા મોત આપે તો સારૂં. પિતાને છેલ્લી વાર સમજાવી દેશદ્રોહનું મહાન પાપ કરતાં રોકવાના ઇરાદાથી સંયુક્તા રાત્રે છાનીમાની જયચંદના તંબુમાં ગઈ. ત્યાં જઈ એણે પિતાને મુસલમાનોના પડખે ન ઊભા રહેવાની ઘણી સલાહ આપી. એણે કહ્યું. “પિતાજી ! આપ માતૃભૂમિને નથી ઓળખતા તેથીજ માતૃભૂમિનાં અંગ છિન્નભિન્ન થવા બેઠાં છે. દિલ્હી અને કનોજ જુદાં છે, પરંતુ તે એક જ માતૃભૂમિને ખોળે વિરાજેલાં છે. ચૌહાણ અને રાઠોડ લડે છે-વઢે છે, પરંતુ એકજ માતૃભૂમિના ધાવણથી ઊછરેલાં એ સંતાન છે. એ સંતાનો ભલે લડેવઢે, કપાઈ મરે, પરંતુ ભાંડુઓનાં લોહી રેડવા, પરધર્મી પારકાઓને નોતરવા એ પાપ જોયું જતું જ નથી. પિતાજી ! પાંડવકૌરવ લડ્યા પણ તેમણે પરધર્મીઓના હાથમાં યુદ્ધનું સુકાન સોંપ્યું ન હતું. આપે આ જ યુદ્ધની બધી બાજી મ્લેચ્છોને સોંપી દીધી છે. એ તમારા સેવક થઈ તમારી પાસે નથી આવતા, પરંતુ તમે દાસભાવથી તેમને આવકાર આપતા તેમની સામે જાઓ છો. કદાચ એક દિલ્હી આપને મળશે, પરંતુ એ અને એવી સેંકડો દિલ્હીઓ મુસલમાનોને હસ્તક જશે એનો કાંઈ વિચાર કર્યો ? દિલ્હી લેતાં તમે દિલ્હી અપાવનારના દાસ થઇ રહેશો એ ભૂલશો નહિ; અને દાસ થયા એટલે દિલ્હી ગયું, કનોજ ગયું અને ભારતભૂમિ–માતૃભૂમિ પણ ગઈ માનજો.”

જયચંદે કહ્યું “પછી હું મારા બાહુબળથી મ્લેચ્છોને કાઢી મૂકીશ.”

સંયુક્તાએ કહ્યું: “પછી એ બાહુમાં બળ નથી રહેવાનું ! આજ પણ આપના બાહુનું બળ મને ખૂટ્યું દેખાય છે, નહિ તો એકલાજ લડી લેવાને બદલે પરદેશીઓને કેમ આમંત્રણ આપો ? જે બાહુ બીજાનો આધાર માગે એમાં આપને બળ રહેલું ક્યાં દેખાય છે ? જયાં સહાય માગવાની વૃત્તિ થઈ ત્યાં જાણવું કે બળ ઓસરવા માંડ્યાં અને પરાધીનતા પેસવા માંડી.”

હાય ! ભારતના દુર્ભાગ્યને લીધે જયચંદના કઠોર હૃદય ઉપર પુત્રીની આવી સચોટ દલીલોની પણ કાંઈ અસર થઈ નહિ. તેણે પૃથ્વીરાજને માટે અનેક અનુચિત શબ્દોનો પ્રયોગ કર્યો અને અપમાનસહિત સંયુક્તાને તંબૂમાંથી કાઢી મૂકી.

સવારે તિરૌરીના મેદાનમાં રણશિંગાં લાગવા લાગ્યાં. રાજદુહિતા અને રાજમહિષી સંયુક્તા આ યુદ્ધની ભયંકરતાનું ખરૂં માપ કાઢી શકી હતી. જે યુદ્ધમાં અનેક કુલાંગાર ભારતવાસીઓ શત્રુના પક્ષમાં સામેલ થયા હતા, તે યુદ્ધમાં વિજય મેળવવો એ સહેલું નહોતું, એમ એ સમજી શકતી હતી. એનું નારીહૃદય એમ પણ શંકા કરવા લાગ્યું હતું કે, જયચંદ જેવા વીર પુરુષને આવી વિપરીત મતિ સૂઝી છે તો દેશનો વિનાશકાળ પણ જરૂર નિકટ છે. આવી શંકાઓથી પ્રેરાઈ સંયુક્તા નવગ્રહના પૂજન અને શાંતિ સ્વસ્ત્યયન વગેરે ધર્મકાર્યમાં રાતદિન નિમગ્ન રહેતી હતી. ભગવાનની પૂજા અને પ્રાર્થના કરીને આ વખતે પણ સંયુક્તાએ પોતાને હાથે પતિને યુદ્ધના પોશાકમાં સજાવ્યો હતો અને કહ્યું હતું: “પ્રાણેશ્વર ! યુદ્ધમાં જય મેળવીને વહેલા વહેલા પાછા સિધાવજો. ચક્રપાણિ ગદાધર દેવ તમારૂં રક્ષણ કરજો. મારા તરફની કોઈ ચિંતા ન કરશો. મારા ભાગ્યદોષ વડે, ન કરે નારાયણ ને કાંઈ અમંગળ થશે, તો આ દુનિયામાં હું વધારે વાર ટકીશ નહિ. હું તરતજ આપને સૂર્યલોકમાં આવીને મળીશ કે જ્યાં ફરીથી કદી વિચ્છેદ અને વિયોગનું દુઃખ સહન કરવું પડતું નથી. આ યોગિનીપુર દિલ્હીમાં એક ક્ષણભર હું જીવન ધારણ નહિ કરૂં. વહાલા ! વિદાય થાઓ શત્રુઓનો સંહાર કરી જલદી પાછા ફરો.”

અશ્રુભર્યાં નયને વીર પૃથ્વીરાજે પ્રિયાને હૃદયસરસી ચાંપીને પ્રેમપૂર્વક ચુંબન કર્યું અને વિદાય થયો. પાણિપતના મેદાનમાંજ મુસલમાનોને રોકવાનો એનો વિચાર હતો. આ તરફથી પૃથ્વીરાજની સેના આગળ વધી. બીજી તરફથી શાહબુદ્દીનની સેના સામી આવવા લાગી. તરાયનના યુદ્ધસ્થળમાં બન્ને સેનાએ પડાવ નાખ્યો. હિંદુઓ સદા ધર્મયુદ્ધ કરતા આવ્યા છે, તેમને અધર્મયુદ્ધનો કદી વિચાર પણ આવતો નથી. શાહબુદ્દીન હિંદુઓનો એ સ્વભાવ જાણતો હતો તેથી તેણે આ વખતે યુક્તિથી કામ લીધું. તેણે એક પત્ર મોકલીને પૃથ્વીરાજને જણાવ્યું કે, “તમે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરો અને રાજ્યનો થોડોક ભાગ મને આપી દો તો હું સંધિ કરવા તૈયાર છું.” એનો ઉત્તર પૃથ્વીરાજે ઘણા સખ્ત શબ્દોમાં આપ્યો અને આગલી લડાઈઓમાં એને કેવી રીતે નાસી જવું પડ્યું હતું તેનું સ્મરણ કરાવ્યું અને સીધી રીતે પાછા ફરવાની સલાહ આપી. હવે શાહબુદ્દીને દગો દેવાની યુક્તિ શોધી કાઢી. એણે ઉત્તર કર્યો કે, “બાદશાહ તો મારા ભાઈ છે. હું તો કેવળ તેમના હુકમને તાબે થઈ તેમના સેનાપતિ તરીકે આવ્યો છું. એમની મરજી વગર મારાથી પાછા જવાય નહિ, માટે આપ મને થોડીક મુદત આપો. હું એટલી વારમાં દૂત મોકલીને બધો વૃત્તાંત મારા ભાઈને લખી જણાવું છું. જ્યાં સુધી ઉત્તર પાછો ન ફરે ત્યાં સુધી આપણે બન્ને યુદ્ધને બંધ રાખીશુ.” ભોળો પૃથ્વીરાજ શત્રુની પ્રપંચજાળમાં ફસાયો. રાણા સમરસિંહની સલાહ યુદ્ધ બંધ રાખવાની નહોતી; પણ બીજા સામંતોને પોતાના બળમાં અતિશય વિશ્વાસ હતો, એટલે એમની સલાહ માની પૃથ્વીરાજે થોડા સમય માટે યુદ્ધ મુલતવી રાખવા આજ્ઞા આપી. સમરસિંહે પોતાના માણસોને ચેતતા રહેવાની સૂચના આપી હતી, કેમકે એમને મુસલમાનો ઉપર વિશ્વાસ નહોતો. રજપૂતોએ શત્રુ ઉપર આક્રમણ ન કર્યુ. શત્રુઓને ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરવી એને રજપૂત હીન કૃત્ય ગણતા હતા. અસ્તુ ! બન્ને પક્ષ થોડા દિવસ તો પડાવ નાખીને શાંત બેઠા. આ યુદ્ધમાં બન્ને પક્ષ તરફથી બહુ મોટી સેના એકઠી થઈ હતી. રાસોમાં તો બહુ અતિશયોક્તિ ભરેલું વર્ણન છે; પરંતુ વિન્સેટ સ્મિથ કહે છે કે, “મુસલમાનોની સેના બાર હજાર હતી, હિંદુઓની સંખ્યા એથી ઘણી વધારે હોવી જોઈએ.” પણ એલિફન્સ્ટન સાહેબ લખે છે કે, "એ સૈનિકો સુસ્ત અને નિરાશ હતા. પદ્ધતિસર લશ્કરી તાલીમ તેમને મળી નહોતી.”

રજપૂતો શાહબુદ્દીનના પત્ર ઉપર વિશ્વાસ મૂકીને નિશ્ચિંત બેઠા હતા, એવામાં શાહબુદ્દીને એક રાતે એવી યુક્તિ કરી કે, પોતાના સૈનિકોને તંબૂની આગળ સળગતી આગ રાખવાની આજ્ઞા આપી, જેથી હિંદુઓ એમ સમજે કે શત્રુઓ ત્યાં જ છે. થયું પણ એમજ. હિંદુઓ એ આગ જોઈને શત્રુઓ પોતાના તંબૂમાંજ બેઠા છે એમ માની આનંદ કરવા લાગ્યા. શાહબુદ્દીને એ લાગ જોઈને પોતાની સેનાને તૈયાર થવાને આજ્ઞા આપી અને વહાણું વાતાં પહેલાં જ–પૃથ્વીરાજની સેના નિત્યકર્મથી પરવારે તે અગાઉજ તેના ઉપર અણધાર્યો દગાભર્યો હુમલો કર્યો.×[૩] રજપૂતો સમજ્યા કે શત્રુઓએ પ્રપંચ કરીને પોતાને છેતર્યા છે. તરતજ તેઓ સજ્જ થઈને યુદ્ધ કરવા તૈયાર થયા. બંન્ને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ જામ્યું. પૃથ્વીરાજ અને સમરસિંહ ઘોડેસવાર થઈને જાતે યુદ્ધમાં ઊતર્યા હતા અને ફરીને પોતાની સેનાને ઉત્તેજિત કરતા હતા. તબક્કાત–ઈ–નાસિરીમાં લખ્યું છે કે કાશ્મીરની હિંદુસેના પણ યવનોના પક્ષમાં આ યુદ્ધમાં પૃથ્વીરાજ સાથે લડી હતી અને જમ્મૂના નરસિંહદેવને હાથે પૃથ્વીરાજનો મોટો સામંત ગોવિંદરાય માર્યો ગયો હતો. રજપૂતોની સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગી. એક સ્થળે પૃથ્વીરાજ પણ યવનસેનાથી ચારે તરફથી ઘેરાઈ ગયાં. તેણે અનેકનો સંહાર કર્યો, પણ હવે એનાથી બહાર નીકળાય એમ નહોતું. જેતરાય નામના એક વિશ્વાસુ સામંતે સમયસૂચકતા વાપરી પૃથ્વીરાજના માથાનું છત્ર પોતાના ઉપર ધર્યું. જેતરાય માર્યો ગયો, થોડીવારમાં ચામુંડરાય પણ પરલોક સિધાવ્યો. રજપૂતોએ ઘણું પરાક્રમ દાખવ્યું, પ્રાણની મમતા છોડીને યુદ્ધ કરવા માંડ્યું, પણ ભારતની સ્વતંત્રતાનો સૂર્ય આજે અસ્ત થવાનો હતો; એટલે લડતાં લડતાં વીર સમરસિંહ પણ પરલોક સિધાવ્યા અને સાંજ પડતાં પડતાં તો ચૌહાણવંશનો કુળદીપક, સંયુક્તાનો કંઠહાર, રાજા પૃથ્વીરાજ પણ દેવલોકની યાત્રા કરી ગયો. ઈ. સ. ૧૧૯૨ માં ભારતવર્ષનાં દુર્ભાગ્યે આ મહાપરાક્રમી વીર ૪૩ વર્ષની વયે સ્વર્ગમાં સિધાવ્યો. ભારતની સ્વતંત્રતા એ દિવસથી ગઇ તે ગઈ ! ત્યારથી ભારતવાસીના ભાગ્યમાં પરાધીન થઈ ટપલા ખાવાનું અને જિતાયલી હીણ પ્રજા તરીકે પરદેશીઓને હાથે અપમાનજ સાંખવાનું રહ્યું છે.

પૃથ્વીરાજની અંતિમ દશાના સંબંધમાં ઈતિહાસવેત્તાઓમાં ઘણો મતભેદ છે. ચંદ કવિના રાસામાં પૃથ્વીરાજને કેદ પકડીને શાહબુદ્દીન ગિઝની લઈ ગયો અને ત્યાં પૃથ્વીરાજે એક વાર રાજદરબારમાં શબ્દવેધી બાણનો પ્રયોગ કરી બતાવતાં, ચંદની સૂચના પ્રમાણે નિશાન તાકીને શાહબુદ્દીનનું તાળવું ફાડી નાખ્યું અને પછી ચંદ અને પૃથ્વીરાજ બન્ને પોતાના છરા પેટમાં ખોસી દઈને, આત્મહત્યા કરીને મરી ગયા. ઘેરે ઘેર એજ કથા પ્રચલિત છે; પરંતુ ઈતિહાસની દષ્ટિએ ‘રાસોનું’ સ્થાન બહુ ઉચ્ચ નથી. પૃથ્વીરાજ જેવો વીર સહેલાઈથી શત્રુના હાથમાં જીવતો સપડાય એ સંભવિત નહોતું. અનેક અંગ્રેજ તથા મુસલમાન ઈતિહાસવેત્તાઓનો અભિપ્રાય એવોજ છે કે, પૃથ્વીરાજ રણક્ષેત્રમાં જ શત્રુઓને હાથે મરણ પામ્યો હતો. અસ્તુ.*[૪]

પૃથ્વીરાજના મૃત્યુના સમાચાર દિલ્હી પહોંચાડવામાં આવ્યા. સમાચાર મળતાં વારજ સંયુક્તાએ ચિતા તૈયાર કરાવી. જોતજોતામાં ચિતાના અગ્નિની ઝાળ આકાશને સ્પર્શ કરવા લાગી. સંયુક્તાએ રત્નમય અલંકારો ઉતારી દઈને લાલ વસ્ત્ર તથા લાલ પુષ્પની માળા પહેરીને એ અગ્નિમાં પ્રવેશ કર્યો. જોતજોતામાં તેનું લાવણ્યમય કોમળ શરીર ભસ્મીભૂત થઈ ગયું.

જાઓ , પૃથ્વીરાજ ! જાઓ, સંયુક્તા દેવિ ! સિધાવો એ પુણ્યલોકમાં કે જ્યાં નથી પાપ, તાપ, નથી ધર્મદ્રેષ, નથી જાતિદ્વેષ કે નથી જ્યાં પરરાજ્યનો લોભ. એ પુણ્યધામમાં નિત્યાનંદ અને નિત્યપ્રેમ વિરાજે છે.

પૃથ્વીરાજ સંયુક્તાને છોડીને જેટલા દિવસ રણભૂમિમાં રહ્યો હતો, તેટલા દિવસ સંયુક્તા કેવળ જળને આધારે રહી હતી. આહાર તેણે બિલકુલ છોડી દીધો હતો. ચંદ કવિના ગ્રંથમાં એક આખા અધ્યાયમાં રાણી સંયુક્તાના આ અસાધારણ પાતિવ્રત્યનું વર્ણન કરેલું છે. પાતિવ્રત્ય માટે સંયુક્તા ઉત્તમ ઉદાહરણરૂપ છે અને સ્ત્રીઓને માટે સદા પૂજ્ય છે. પતિવ્રતા સતીઓમાં તેનું નામ સદા માનપૂર્વક જળવાઈ રહેશે.

હજુ પણ જૂની દિલ્હીમાં સંયુક્તાનાં સ્મૃતિચિહ્‌ન જણાઈ આવે છે. જે કિલ્લો સંયુક્તાનો વિલાસભવન હતો, તે કિલ્લાની એક દીવાલ હજુ મોજૂદ છે; જે મહેલમાં સૌભાગ્યવતી સંયુક્તા પતિપ્રેમમાં રાતદિવસ લીન રહેતી હતી, તે મહેલના થાંભલાઓ આજ પણ એ પ્રાચીન નગરીમાં દીઠામાં આવે છે. કાળના કઠોર આક્રમણથી એ ખંડેર કોઈ દિવસ જરૂર નાશ પામશે, પરંતુ એ મહેલોની અધિષ્ઠાત્રી રાણી સંયુક્તાની સ્મૃતિ આ જગતમાંથી કદી વિલુપ્ત થશે નહિ. તેની સરળતા, તેનું પાતિવ્રત્ય, તેની ઉદારતા એ સૌ ગુણોને લીધે તેનું નામ ઇતિહાસમાં અમર રહેશે.

  1. * જુઓ રા. સર દેસાઈકૃત ‘મુસલમાની રિયાસત.’
  2. ×કેટલાક માને છે કે આ યુદ્ધ સંયુક્તાહરણની પૂર્વે થયું હતું; અને જે યુદ્ધમાં સંયુક્તાએ પતિને વીરવેશમાં સજાવીને વિદાય કર્યો તે શાહબુદ્દીન સાથેનું બીજું યુદ્ધ હતું. અસ્તુ ! સંયુક્તાની પતિભક્તિ વીરપત્નીને છાજે એવા ગુણની સાક્ષી તો એ પ્રસંગમાંથી મળી જ આવે છે, ઈમ્પિરયલ ગેઝેટિયરમાં લખ્યું છે કે, પૃથ્વીરાજનું સૌથી પહેલું મોટું કામ સંયુક્તાહરણજ હતું. એ મત ખરો હોય તો પાણિપતના યુદ્ધ સમયે સંયુક્તાનું પતિને વિદાય કરવા હાજર રહેવું સંભવિતજ ગણાય. (રા. રમણલાલ દેસાઈકૃત ‘સંયુક્તા’ નાટક.)
  3. ×જુઓ, ‘ફરિશ્તા અને તબક્કાત–ઈ–નાસિરી.’
  4. * વિન્સેન્ટ સ્મિથે સ્પષ્ટ લખ્યું છે કે, “પૃથ્વીરાજના ગિઝનીમાં કેદ રહેવાની અને એને હાથે શાહબુદ્દીનને માર્યા જવાની વાત, તદ્દન જૂઠી છે; કેમકે ઈ. સ. ૧૨૦૫-૦૬ માં મુલાક જાતિના એક માણસને હાથે એ પંજાબના જેલમ જિલ્લામાં એક ગામમાં માર્યો ગયો હતો.