રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સીતાદેવી

વિકિસ્રોતમાંથી
← રૂપસુંદરી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
જયશિખરીની રાણીઓ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
દાહિર રાજાની રાણી →


९८–सीतादेवी

ભોજ રાજાના સમયમાં એનાજ રાજ્યમાં એક વિદુષી રમણી હતી. સંસ્કૃત ભાષામાં સારી કવિતા રચી જાણતી. વિદ્વાનોની સભામાં એને આમંત્રણ મળતું અને એ ક્ષોભ પામ્યા વગર પોતાની બુદ્ધિ તથા હાજરજવાબીથી સભાસદોને પ્રસન્ન કરતી. એક વખતે સભામાં કવિઓની વાણી વિષે વાદવિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે ભિન્ન ભિન્ન કવિઓએ ભિન્ન ભિન્ન ઉદ્‌ગાર કાઢ્યા હતા. સીતાએ કહ્યું હતું: “એ બિચારા કવિઓને અને બિચારા હાથીઓને દૈવેજ મારી મૂકેલા છે, કે જેમને રાજાધિરાજના ઘર વિના શોભા મળતી જ નથી.”

એક દિવસે કવિ કાલિદાસને સભામાં આવતો જોઈને રાજાને હર્ષ થયો, પણ પાછો કાલિદાસ વેશ્યાલંપટ છે, એવો વિચાર આવનાં જરા ખેદ પણ થયો. તે સમયે વિદ્ધાનો જેને વંદન કરતા હતા એવી સીતાદેવીએ રાજાનો અભિપ્રાય જાણી જઈને કહ્યું કે, “ગુણવાન પુરુષોમાં દોષ જોવામાં આવે તો પણ ગુણ ઉપરજ પ્રેમ ધરાવનારા મનુષ્યો તેથી ખેદ પામતા નથી, લોકો ચંદ્રમામાં રહેલા કલંકને પણ પ્રેમથી જુએ છે.”

प्रीत्यैव शशिनि पनित पश्यति लोकः कलंकमपि ॥

રાજા સીતાદેવીના એ શ્લોકથી પ્રસન્ન થયો અને તેને પુષ્કળ ઇનામ આપ્યું.