રૂપાળા છો રાજીવ લોચન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રૂપાળા છો રાજીવ લોચન
પ્રેમાનંદ સ્વામીરૂપાળા છો રાજીવ લોચન, ધર્મ તણા કુમાર વહાલા;
શોભાની છો સીમા મારા, નેણ તણા શણગાર વહાલા.

ડાબી ભુજાના મૂળથી હેઠે, ત્રણ તસુ છે જો વહાલા;
છાપ તણાં એક ચિહ્નમાંઈ, નિત મન મારું રહેજો વહાલા.

ડાબી કુણીથી હેઠો નૌતમ, ઉપરલે ભાગે વહાલા;
તિલ એક જોતાં મારા મનને, રૂડો બહુ લાગે વહાલા.

ડાબા પગના અંગૂઠા, પાસેની આંગળિયે વહાલા;
નખને પાસે નાનો તિલ, મનમાં ધારી લહિયે વહાલા.

એ આંગળી ને વચલી આંગળી, એ બેઉને મધ્યે વહાલા;
એક તિલ છે અતિ નૌતમ, જોયા જેવો સંધે વહાલા.

ડાબા હાથના પોંચા ઉપર, સુંદર એક તિલ છે વહાલા;
એ માંહી તે મનડું મારું, વળગ્યું વિશેકે વહાલા.

બે હાથના નખ નૌતમ, છે રાતા ચડિયાતા વહાલા;
અગ્ર ભાગે તીક્ષણ છે, અતિ રૂડા દેખાતા વહાલા.

બે હાથની હથેળી છે, રાતી સુખધામ વહાલા;
હથેળીમાં રેખા થોડી, થોડી છે જો શ્યામ વહાલા.

બે હથેળીના મૂળ ઉપર, આઠ તસુ જોતાં વહાલા;
છાપ તણાં બે ચિહ્ન અનુપમ, ચિત્તમાં પરોતાં વહાલા.

કંઠ વચ્ચે તિલ એક અનુપમ, જોતાં દુઃખ જાયે વહાલા;
તેની પાસે નાનો તિલ એક, પ્રેમાનંદ ગાયે વહાલા. ૧૦