રૂપાળી રાત
રૂપાળી રાત દામોદર બોટાદકર |
રસની એ રેલ સખિ ! સાંભરે રૂપાળી રાત, ઘેરાતી આંખડી ઉજાગરે રૂપાળી રાત.
સખીઓનાં ગીતભરી ગાજતી રૂપાળી રાત, દેવોનાં દુંદુભિ વગાડતી રૂપાળી રાત.
મનનો માનેલ મળ્યો મોરલો રૂપાળી રાત, ચમક્યો એ ચિત્ત કેરો ચાંદલો રૂપાળી રાત.
હાથે તે હાથ રહ્યો હીંચતો રૂપાળી રાત, ઉરમાં ઉમંગ-સુધા સીંચતો રૂપાળી રાત.
આછાં કૌમારવ્રત ઊજવ્યાં રૂપાળી રાત, જોડ્યા એ પ્રાણ હતા જૂજવા રૂપાળી રાત.
વાગી એ વહાલકેરી વાંસળી રૂપાળી રાત, અંતરનાં ગાન રહ્યાં ઊછળી રૂપાળી રાત.
લીધા-દીધા તે કોલ કાળજે રૂપાળી રાત, પ્રભુએ કહ્યું 'સદૈવ પાળજે' રૂપાળી રાત.
સૂરજ શશીને કર્યા સાખિયા રૂપાળી રાત, ભાવિના ભેદ કૈંક ભાખિયા રૂપાળી રાત.
ગંગા ને સિન્ધુકેરી સંગતો રૂપાળી રાત, એવા અભેદ રચ્યા આજથી રૂપાળી રાત.
પલટી એ પ્રેમતણી પૂંજીઓ રૂપાળી રાત, પલટાવી કાળજાંની કૂંચીઓ રૂપાળી રાત.
આશાનાં દ્વાર નવલ ઊઘડ્યાં રૂપાળી રાત, પળમાં પ્રકાશ પડ્યા પ્રેમના રૂપાળી રાત.
શીળી સંસારતણી શેરીએ રૂપાળી રાત, કીધો પ્રવેશ ચડી ચૉરીએ રૂપાળી રાત.
પગલે પગલે પ્રીત પાથરી રૂપાળી રાત, સુમને વધાવી શીળી સાસરી રૂપાળી રાત.
મોંઘી આશિષ પિતામાતની રૂપાળી રાત, ઝીલી અબોલ સખી સાચની રૂપાળી રાત.
રસની એ રેલ સદા સાંભરે રૂપાળી રાત, રહેજો અખંડ મારે આંગણે રૂપાળી રાત.