રે હેત કરી કહે છે રસિયો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રે હેત કરી કહે છે રસિયો
પ્રેમાનંદ સ્વામીરે હેત કરી કહે છે રસિયો,
 વહાલો મારો રુદિયામાં વસિયો રે... હેત
 ટેક

રે અક્ષર આકાશ ઠેકાણે,
 રે માયા મહા શૂન્ય પરમાણે;
  મુક્ત કોટિ વીજળિયું જાણે... રે હેત ૧

રે પક્ષી તે અનંત પુરુષ લેખો,
 રે અષ્ટાવરણ દેહને દેખો;
  મહાવિષ્ણુ વાદળિયાં પેખો... રે હેત ૨

રે સ્થિર ને અસ્થિર ગતિયું રહે છે,
 રે કાળ શક્તિ તેને કહે છે;
  બુદ્ધિવંત સમજીને લહે છે... રે હેત ૩

રે નિર્ગુણ સગુણ સમજી લેતાં,
 રે તે સરવે અક્ષરને કે'તાં;
  સ્વતંતર પોતે સદા રહેતાં... રે હેત ૪

રે કાળે માયા ક્ષોભને પામે,
 રે અનંત બ્રહ્માંડ થાએ તામે;
  એમ કહ્યું પ્રેમસખીને શ્યામે... રે હેત ૫