લાલકિલ્લાનો મુકદ્દમો/'તો આપણે જાપાનીઓ સામે પણ લડશું.'

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← 'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની' લાલકિલ્લાનો મુકદ્દમો
'તો આપણે જાપાનીઓ સામે પણ લડશું.'
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૬
પઢાવાયેલા સાક્ષીઓ ? →


“ તો આપણે જાપાનીઓ સામે પણ લડશું !”

ફરિયાદપક્ષના છઠ્ઠા સાક્ષી લાન્સ–નાયક ગંગારામ નેવારે કહ્યું:-

૧૯૩૩માં હું હિંદી લશ્કરમાં જોડાયો અને ૧૯૪૨ના ફેબ્રુઆરી માં મલાયામાં યુદ્ધકેદી બન્યો. એક છાવણીમાં કૅ૦ શાહનવાઝ ભાષણ કરવા આવ્યા ત્યારે મેં એમને જોયેલા. એમણે કહેલું કે હિંદુસ્તાન હિંદીઓનું છે. આપણે હિંદની સ્વતંત્રતા માટે લડવું જોઈએ; અને અંગ્રેજોને હિંદની બહાર હાંકી કાઢવા જોઈએ.

ફરિયાદપક્ષના સાતમા સાક્ષી સુબેદાર અસલન્ન ખાને કહ્યું કે-

૧૯૧૩માં હું હિંદી લશ્કરમાં જોડાયેલો. ૧૯૪૨માં મલાયામાં યુદ્ધકેદી બન્યો એ વર્ષના એપ્રિલમાં હું આ૦ હિં૦ ફો૦ માં જોડાયો. લૅ૦ કર્નલ જિલાનીની ગુપ્તચર ટૂકડીમાં હું હતો...... જાસૂસી અને ભાંગફોડના રસ્તાએાની અમને પીનાંગમાં ખાસ તાલીમ આપવામાં આવેલી. ૧૯૪૪ની ૨૭મી ફેબ્રુઆરીએ જાપાનીઓએ એક સબમરીનમાં હિંદુસ્તાન મોકલેલા બાર માણસોમાંનો હું એક હતો. સત્તર દિવસ પછી અમે હિંદને કાંઠે ઊતરવાનો પ્રયાસ શરૂ કર્યો, પણ એમાં નિષ્ફળ ગયા. પછીથી માર્ચની આખરમાં અમે કિનારે પહોંચ્યા અને મેં મારી જાતને બ્રિટિશ સત્તાવાળાઓના હાથમાં સોંપી દીધી.

ફરિયાદપક્ષના આઠમા સાક્ષી જમાદાર સચાસીંઘે જણાવ્યું કે-

૧૯૩૩માં હું હિંદી લશ્કરમાં જોડાયો - સિંગાપુરના પતન વખતે હું ત્યાં હતો. યુદ્ધકેદીઓની એક છાવણીમાં હું હતો ત્યાં લૅ૦ ધિલન અને તેમની સાથે મેજર ધારા આવેલા. મેજર ધારાએ ભાષણ કરતાં કહ્યું કે, ઘણા માણસે આ૦ હિં૦ ફો૦માં જોડાઈ ગયા છે. આ૦ હિં૦ ફો૦ માત્ર હિંદની આઝાદી માટે જ લડશે, બીજા કશાને માટે નહિ. જાપાનીઓ જો આપણી સામો થશે તે આપણે એમની સાથે પણ લડશું. હિંદની આઝાદી માટે લડવાની આ એક સોનેરી તક છે અને આવી તક ફરી પાછી નહિ આવે. યુદ્ધકેદી તરીકે મને સારી સગવડ કે ખેારાકી નહોતાં મળતાં તેથી અને બીજા ઘણા આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા તેથી હું પણ એમાં જોડાયો.......૧૯૪૪ની શરૂઆતમાં અમે બરમા ગયા...... ૧૯૪૪ની આખરમાં અમે ઈરાવદીને મોરચે હતા. અમારી જમણી બાજુ મિત્રસૈન્યનો સખત તાપમારો ચાલતો હતો. પછી લૅ૦ હરિરામ આવ્યા એમણે સફેદ વાવટો ફરકાવ્યો અને અમે ૮૪ માણસો બ્રિટિશ લશ્કરને શરણે થઈ ગયા.

ભુલાભાઈ: હિંદની આઝાદી ખાતર લડવા માટે તમે આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા ?

સાક્ષીઃ હું ઘણી મુસીબતમાં હતો. એ મુસીબતોમાંથી છટકવા માટે હું આ૦ હિં૦ ફો૦માં જોડાયેલો.

ભુલાભાઈ- મુસીબત હોય કે નહિ પણ તમે શેને માટે લડવાના હતા ?

સા૦-અમે કદી લડ્યા જ નહોતા.

ભુ૦–તમે આ૦ હિ૦ ફો૦માં જોડાયા ત્યારે તમને એટલી ખબર હતી ખરી કે હિંદની આઝાદીને ખાતર, એને વિરોધ કરનાર ગમે તેની સામે, ખુદ જાપાનીઓ સામે પણ આ૦ હિં૦ ફો૦ લડવાની હતી ?

સા૦-હા ( હસાહસ ).

તે પછી આવ્યા નવમા સાક્ષી કાકાસીંઘ. એમણે જાહેર કર્યું કે-

૧૯૪૦માં હું હિંદી લશ્કરમાં જોડાયેલો. સિંગાપુરના પતન વખતે હું ત્યાં હતો. મને યુદ્ધકેદી બનાવ્યા પછી ઘણે વખતે હું આ૦હિં૦ ફો૦માં જોડાયો હતો, યુદ્ધકેદીઓની એક છાવણીમાં હું હતો ત્યારે ૧૯૪૩ના માર્ચમાં લૅ૦ વિલને ત્યાં એક ભાષણ કરેલું કે, 'તમે આ૦ હિં૦ ફો૦માં નહિ જોડાવ તો મુશ્કેલીમાં મૂકાશો. આપણે

અંગ્રેજોને હિંદની બહાર હાંકી કાઢશું, તમારે કાંઈ બીક રાખવી
[ ૬૧ ]

ન જોઈએ, કારણકે જે કાંઈ આવી પડશે તે ઉપલા અફસરો ઉપર આવશે.'

ફરિયાદપક્ષે તે પછી જ્યારે પોતાના દસમા સાક્ષી જમાદાર મહમદ નવાઝને હાજર કર્યા, ત્યારે બચાવપક્ષના વકીલ શ્રી ભુલાભાઈએ અદાલતનું ધ્યાન એ હકીકત તરફ દોર્યું કે સાક્ષીની જુબાનીના સારમાં પહેલી આ૦ હિ૦ ફો૦ ને લગતી વિગતો છે. અને બીજી આ૦ હિં૦ ફો૦ ઊભી કરતાં પહેલાં ગુજારાયેલા કહેવાતા સિતમો અને મુસીબતો સાથે એને કાંઈ સંબંધ નથી. આ મુદ્દાનો વિચાર કરવા અદાલત ઊઠી અને પાછા આવીને પ્રમુખશ્રીએ જાહેર કર્યું કે ૧૯૪૨ ના મે માસ પછીના સિતમો અને મુસીબતોની જુબાની જ દાખલ કરવાનો અદાલતે નિર્ણય કર્યો છે.

૨૪મી નવેંબર : શનિવાર
: ૬ :
 :

જમાદાર મહમદ નવાઝે પોતાની જુબાનીમાં કહ્યું કે –

૧૯૩૦માં હું હિંદી લશ્કરમાં જોડાયો. મલાયામાં મને યુદ્ધકેદી બનાવવામાં આવેલો. આ૦ હિં૦ ફો૦માં જોડાવાની મેં ના પાડી. એક નજરકેદ છાવણીમાં હું હતો ત્યારે એક રાત્રે અગિયાર વાગે મને એક અફસરે બોલાવીને કહ્યું કે, આવી આકરી જિંદગી ગાળો છો એના કરતાં બહેતર છે કે તમે આ૦ હિં૦ ફો૦માં ભરતી થઈ જાવ. જો તમે આ૦ હિં૦ ફો૦માં નહિ જોડાવ તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે, ખાસ તો એટલા માટે કે બીજાને પણ તમે આ૦ હિં૦ ફો૦માં ન જોડાવાનું કહી રહ્યા છો. તેમ છતાં હું ન જોડાયો. બીજે દિવસે મને અને ભરતી થવાની ના પાડનાર આઠ બીજા અફસરોને કૂચ કરાવવામાં આવી. અમે કૂચ કરતા હતા ત્યારેા આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓએ અમને લાઠીથી માર્યા હતા. છાણના કોથળા ભરી ભરીને ૩૦૦ વાર છેટે લઈ જવાનું પણ અમને કહેવામાં આવેલું.

અમને એમ પણ કહેલું કે જો કોઇ પોતે બીમાર છે એમ કહેશે અને જો દાક્તર કહેશે કે એ બીમાર નથી તો કામમાંથી છટકવાના આવા ઢોંગ કરવા માટે એને ૧૨ ફટકાની સજા થશે. આ રીતની સજા પામીને બેભાન થઈ ઢળી પડતો એક યુદ્ધકેદી મેં જોયો છે. બીજી એક વાર મેં ચીસો સાંભળેલી અને ખાખી પોષાકવાળા એક માણસના હાથ લાકડી સાથે અને પગ લોઢાના ખીલા સાથે બાંધેલા જોયેલા. એક અફસરને એની પાસે જતો અને એને મોઢે ડૂચા દીધા પછી લાઠી વડે એને મારતો મેં જોયેલો, જે સંત્રી અમારી પાસે મજૂરી કરાવતો તે અમે ઢીલ કરીએ ત્યારે અમને મારતો. રોજની હાજરી વખતે અમને કહેવાતું કે હિંદુસ્તાનને સ્વતંત્ર કર્યા પછી હિંદુસ્તાનીઓના હાથમાં સોંપી દેવાનો જાપાનીઓએ કોલ આપ્યો છે. અમને મળતો ખોરાક પૂરતો નહોતો અને તે હલકી જાતનો હતો. તે પછી મને એક અલગ છાવણીમાં લઈ ગયા પણ હું આ૦ હિં૦ ફેા૦માં ન જોડાયો.

ભુલાભાઇ: જુદી છાવણીમાંના કેટલા માણસોને તમે ઓળખો છો?

સાક્ષી : તેર જણાને.

ભુ૦: તમે જણાવેલા તેર માણસોને શિસ્તભંગ અને ચોરી માટે સજા થયેલી એ વાત સાચી નથી ?

સા૦ : મને કાંઈ ખબર નથી.

અગિયારમા સાક્ષી હવાલદાર મહમદ સરવારે જણાવ્યું કે –

લડાઈ શરૂ થઇ ત્યારે હું મલાયામાં હતો. જેમાં ઘણા પંજાબી મુસલમાનો હતા એવી એક યુદ્ધકેદીઓની છાવણીમાં મને લઈ જવાયો હતો. એક જમાદારે અમારી પાસે આવીને અમને આ૦ હિં૦ ફો૦માં જોડાવાનો આગ્રહ કર્યો. અમે બધાએ ના પાડી, પછી જમાદારે કહ્યું કે, જેને ભરતી થવું હોય તે એક બાજુ કતારમાં ઊભા રહો, પણ બધાએ આ૦ હિં૦ ફો૦માં ભરતી થવાની ના પાડી. પછી સુબેદાર અને જમાદારે અમારી ઉપર ગોળીબાર કરવા માંડ્યા અને ચોકીદારોને પણ એમ કરવા કહ્યું. અમારામાંના બે, લાન્સ-નાયક મહમ્મદ આઝમ અને જમાદાર અલ્લાહ દિત્તા માર્યા ગયા. નાયક મહમ્મદ હનિફે બૂમ પાડી કે “નારા-એ-તકબીર,” બધાએ જવાબ આપ્યો: “અલ્લા-હો –અકબર.” પછી ગોળીબાર કરતા ચોકીદારો ઉપર અમે હુમલો કર્યો. અમારામાંના ઘણા ઘાયલ થયા. અમારામાંના એકે એક ચોકીદારના માથામાં પાવડો માર્યો અને એ ઢળી પડ્યો. એના માથાનાં કાચલાં થઈ ગયાં. પંદર મિનિટ સુધી ચોકીદારોએ ગોળીબાર ચાલુ રાખ્યો, અને પછી ઘવાયેલાઓને એ પોતાની લારીએામાં ઉઠાવી ગયા.

તે પછી જાપાની અફસરો, આ૦ હિં૦ ફો૦ના અફસરો અને એક કર્નલ ત્યાં આવ્યા. કર્નલ દુભાષિયાનું કામ કરતા હતા. જાપાની અફસરોએ અમને કહ્યું કે, “આ રીતનું વર્તન જો તમે ચાલુ રાખશો તો તમને જાનથી મારી નાખવામાં આવશે. તમે આ૦ હિં૦ ફો૦ના એક અફસરને મારશો તે બદલામાં તમારામાંથી એકસોના જાન લેવાશે.”

તે પછી અમને એક નજરકેદ-છાવણીમાં લઈ ગયા. ત્યાં અમને નેતરની સોટીથી મારવામાં આવ્યા. મને એટલી બધી ઈજા થઇ કે હું બેભાન બની ગયો; અને મને ઇસ્પિતાલમાં લઈ જવાયો. ઇસ્પિતાલમાંથી નીકળ્યા બાદ હું ઝાંસી છાવણીમાં ગયો અને આ૦ હિં૦ ફો૦માં જોડાયો. પાછળથી અંગ્રેજો સાથે મળી જવાનો મારો ઈરાદો હતો.

: ૭ :
૨૬ મી નવેંબર : સોમવાર

ફરિયાદપક્ષના બારમા સાક્ષી જમાદાર મહમ્મદ હયાતે આ૦ હિં૦ ફો૦માં ભરતી ન થવા માટે પોતાની ઉપર અને પોતાના મતના બીજાઓ ઉપર વીતેલાં વીતકોના સંખ્યાબંધ પ્રસંગો વર્ણવ્યા. એમના કહેવા પ્રમાણે આ૦ હિં૦ ફો૦માં ન જોડાનારને કેદ-છાવણીમાં વારંવાર માર પડતો, કાંકરીવાળા ભાત ખાવા મળતા, જોઈએ તેટલું પાણી મળતું નહિ, એમનાં અપમાનો થતાં, મજૂરી કરાવવામાં આવતી અને બીમાર પડવા છતાં દાકતરી મદદ મળતી નહિ. એમને એમ કહેવામાં આવતું કે આ બધી હાડમારીમાંથી બચવાનો ઈલાજ એકજ છે – આ૦ હિં૦ ફો૦ માં ભરતી થઈ જવાનો. છતાં એમણે મચક આપી નહોતી. દિવસો, અઠવાડિયાંઓ અને મહિનાઓ સુધી જુલમો સહન કર્યા છતાં આ૦ હિં૦ ફેા૦માં પોતે કદી ભરતી થયા નહોતા એમ એમણે કહ્યું. છેવટે બીજા ૨૪૦૦ ની સાથે ૧૯૪૩ના મેમાં એમને ન્યુ ગિની મોકલવામાં આવેલા. ૧૯૪૪ના એપ્રિલમાં અમેરિકનો હેલેન્ડીઆ આવ્યા ત્યારે જમાદાર મહમ્મદ હયાત એમને મળી ગયેલા.

ઊલટ તપાસમાં સાક્ષીએ જણાવ્યું કે, “નાગરિકોની માલિકીની સાત ગાય ચોરી, તેની કતલ કરીને તેને ખાઈ જવાના ગુન્હાસર મેજર અઝીઝ અહમદે મારી ટૂકડીના માણસોને નજરકેદ છાવણીમાં મોકલ્યા હતા એ વાત ખોટી છે. આ૦ હિં૦ ફો૦માં ભરતી થવા મેં મારી જાતને રજૂ કરેલી પણ હું ભરોસાપાત્ર નહિ હોવાથી મને નકારવામાં આવેલો એ વાત ખોટી છે. આ૦ હિં૦ ફો૦માં ભરતી થવા હું કદી ગયો નથી.'

ફરિયાદપક્ષના તે પછીના ગુરખા સાક્ષી હવાલદાર વેાલીત બહાદુરે પણ સિંગાપુરની શરણાગતિ પછી આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું પોતાની ઉપર કેવું દબાણ થયું હતું અને ન જોડાવા બદલ કેવા જુલમો થયા હતા તેનું બયાન આપ્યું. સાક્ષી છેવટ સુધી એક નજરકેદ છાવણીમાં રહેલ અને અંગ્રેજો પાછા ફર્યા ત્યારે એમને મળી ગયેલ. કેદ-છાવણીમાં વારંવાર એમની સામે ભાષણ કરાતાં અને હિંદની આઝાદી ખાતર લડવા માટે ભરતી થવાનો આગ્રહ એમને કરવામાં આવતો.

ચૌદમા સાક્ષી પણ એક ગુરખા સિપાહી રવીલાલ હતા. સિંગાપુરમાં યુદ્ધકેદીઓની એક પછી એક નજર-કેદ-છાવણીઓમાં એમની બદલી કરવામાં આવતી અને આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું એમને કહેવામાં આવતું, પણ સાક્ષી હમેશાં એમાં જોડાવાનો ઈન્કાર કરતા. ન જોડાવા માટે એમને પણ વેઠવી પડેલી અનેક મુસીબતોનું બયાન એમણે અદાલત સમક્ષ રજૂ કર્યું. પોતાની પાસે કરાવાતી મજૂરી અને અકારણ કે સકારણ એમને પડેલા મારની વિગતો પણ એમણે પ્રસંગવાર આપી. ૧૯૪૫ ના એગસ્ટ સુધી એ મલાયામાંની નજરકેદ-છાવણીમાં જ રહેલા. અંગ્રેજોએ પાછા ફરીને એમને મુક્ત કર્યા.

પછી સુબેદાર રામરૂપ સાક્ષી તરીકે આવ્યા. સિંગાપુરના પતનને આગલે દિવસે દુશ્મનના હાથમાંથી બચવા માટે તે નાગરિક પોષાક પહેરીને શહેરમાં છટકી ગયા હતા. પણ પાછળથી એ પકડાયેલા આ૦ હિં૦ ફો૦માં ન જોડાવા બદલ પોતાની ઉપર પણ જુલમો થયાની વાત એમણે કરી. એક દિવસ એમને બહુ માર પડ્યો પછી એ ભરતી થવા કબૂલ થયા. હિંદુસ્તાનની લશ્કરી પરિસ્થિતિની માહિતી મેળવવા એમણે છૂપી રીતે આ દેશમાં મોકલવામાં આવેલા. પણ અહીં આવીને તરતજ એ પોતાને ઘેર પહોંચી ગયા અને ફીરોઝપુરના પોતાના લશ્કરી-મથક ઉપર પોતાની જાત રજૂ કરી.

: ૮ :
ર૭મી નવેંબર : મંગળવાર

ઊલપટતપાસ દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે આ૦ હિં૦ ફેા૦નું ધ્યેય હિંદને આઝાદ કરવાનું હતું, અને પોતે એ સ્વીકાર્યું હતું તેમજ આ૦ હિં૦ ફો૦માં રાજીખુશીથી રહ્યા હતા. એ હિંદમાં જાસૂસ તરીકે આવ્યા હતા અને અહીં આવવામાં એમનો ઉદ્દેશ લશ્કરી પરિસ્થિતિ વિશે માહિતી એકઠી કરવાને હતો - નહિ કે આ૦ હિં૦ ફો૦માંથી ભાગી છૂટવાનો.

ફરિયાદપક્ષના સોળમા સાક્ષી હતા લાન્સ-નાયક ફિટર મોહિન્દરસીંઘ. એમણે કહ્યું કે, ૧૯૪૨ ના સપ્ટેંબરમાં હું નજરકેદ-છાવણીમાંથી આ૦ હિં૦ ફો૦માં ભરતી થયો હતો. મારી ટુકડીનું કામ છૂપે વેશે ફરવાનું, હિંદુસ્તાનમાં પેસી જવાનું અને ભાંગફોડ કરવાનું હતું પહેલી આ૦હિં૦ફો૦માં હું રાજીખુશીથી ભરતી થયો હતો. પણ બીજી આ૦હિં૦ફો૦માં હું જોડાયો કારણકે મારાથી મુસીબતો સહી જતી નહોતી છટકી જવાના ઈરાદાથી હું ભરતી થયેલો.

: ૯ :
૨૮મી નવેંબર : બુધવાર

સત્તરમા સાક્ષી સિપાહી દિલાસાખાન ૧૯૪૨ માં આ૦હિં૦ફો૦માં જોડાયેલ અને મોરચા પર એની ચોકિયાત કામગરી બજાવેલી પણ ખરી, નાસીને પાછળથી એ અંગ્રેજેને પક્ષે ભળી ગયેલા. એમણે કહ્યું કે, પહેલાં મને આઝાદ બ્રિગેડમાં મૂકવામાં આવેલો. પછી બોઝ બ્રિગેડમાં મારી બદલી કરાઈ. એ કૅ૦ શાહનવાઝખાનના તાબામાં હતી. અમારી બ્રિગેડ સામે કૅ૦ શાહનવાઝે ભાષણ કરેલું કે બોઝ બ્રિગેડમાં ચુનંદા માણસો છે. અને સહુથી પહેલાં એને જ મોરચા ઉપર જવાનું છે, તમે મોરચા ઉપર જશો ત્યારે ઘણી મુસીબતો વેઠવી પડશે, અને જો કોઈને મોતનો કે મુસીબતોનો ડર હોય તેા એ નીકળી શકે છે. આપણે આપણા સાથી જાપાનીઓની પડખે રહીને લડીએ ત્યારે ઊતરતી કક્ષાના સિપાહીઓ દેખાઈ આપણા રાષ્ટ્રને કલંક ન લાગવા દેવું જોઈએ. હિંદુસ્તાન પહોંચશું ત્યારે આપણાથી મોટી સ્ત્રીઓને આપણી માતા ગણવાની છે અને નાનીને બહેન-દીકરી ગણવાની છે આ સૂચના કોઈ નહિ માને તો એને ઠાર મારવામાં આવશે. હિંદ પહોંચ્યા પછી જો કોઈ જાપાનીને, સ્ત્રીઓ સાથે ગેરવર્તન કરતો તમે જુઓ તો પહેલાં એને ચેતવણી આપવી. તેમ છતાં એ ન માને તો બળ વાપરવાની અને એને ઠાર સુદ્ધાં મારવાની તમને છૂટ છે. આપણી લડત હિંદુસ્તાનની આઝાદી અને આબાદી માટેની છે, નહિ કે જાપાનીઓના ફાયદા માટેની. આપણે આઝાદીની લડત લડવાની છે અને એને માટે આપણને બહાદુર માણસોની જરૂર છે, બાયલાઓની નહિ. જ્યારે હિંદુસ્તાન સ્વતંત્ર થાય ત્યારે આજે આપણને મદદ કરી રહેલા જાપાનીઓ જો આપણને દબાવવા કોશિશ કરે તો આપણે એમની સામે પણ લડશું. આજે પણ, જો કોઈ જાપાની તમને એક તમાચો મારે તો તમે એને ત્રણ મારજો, કારણ કે આપણી સરકાર અને જાપાની સરકાર એકજ સપાટી ઉપર છે અને આપણે જાપાનીઓના લેશમાત્ર પણ દાબમાં નથી.'

ઊલટ તપાસ દરમિયાન સાક્ષીએ રંગુન છોડવાને આગલે દિવસે નેતાજી તરીકે ઓળખાતા સુભાષચંદ્ર બોઝે બ્રિગેડ સમક્ષ કરેલું ભાષણ યાદ કર્યું. સુભાષ બોઝે કહેલું કે-

'હિંદને સ્વાધીન કરવા માટેના તમે સ્વતંત્રતાના સૈનિક છો. મોરચા ઉપર તમારે કષ્ટ સહન કરવાં પડશે. તમારી ઇચ્છા હોય તો તમે પાછળ રહી શકો છો. આપણે હિંદની સ્વાધીનતા માટે લડી રહ્યા છીએ, તેથી પૈસા અને બીજી સામગ્રી અંગે આપણી સ્થિતિ સારી નથી. બની શકે તેટલું અમે તમને આપીએ છીએ. આપણે ગરીબ છીએ એટલે ખોરાકમાં અત્યારે તમને મળે છે તેથી વધુ સારું અમે કાંઈ આપી શકીએ તેમ નથી. એાછા ખેારાક ઉપર તમારે ચલાવી લેવું પડશે.'

સરહદી રાયફલ ટૂકડીના હવાલદાર નવાબખાન અઢારમા સાક્ષી હતા. ૧૮૩૭ની આખરમાં એ હિંદી -લશ્કરમાં જોડાયેલા, અને સિંગાપુરના પતન વખતે ત્યાં હાજર હતા. ૧૯૪૩ના ઑક્ટોબરમાં એ આ૦હિં૦ફો૦માં જોડાયા અને સુભાષ બ્રિગેડ અથવા ગેરીલા રેજિમેન્ટ નં. ૧માં એમને મૂક્વામાં આવ્યા......એમની બ્રિગેડ ૧૯૪૪ ના મે મહિનામાં ઈમ્ફાલ મોરચે ગઈ હતી. ઊલટતપાસમાં એમણે જણાવ્યું કે :

'આ૦હિં૦ફો૦માં જોડાયા પછી મને ખબર પડી કે એ ફોજને દુનિયાની કોઈપણ સેના સામે લડવાનું હતું — જરૂર પડ્યે જાપાનીઓની સામે પણ. હું બ્રિગેડમાં હતો ત્યારે જાપાનીઓ પાસેથી નહિ પણ મારા પોતાના હિંદી અફસરો પાસેથી તાલીમ મેળવતો હતો. મારા વિસ્તારમાં કે આ૦ હિં૦ ફો૦માં બીજે કયાંય પણ કોઈ જાપાની અફસરપદે હતો નહિ. લે૦ અબ્દુલ રહેમાનના હાથ નીચે ખેારાકીખાતું હતું અને હું તેમનો મદદનીશ હતો. અમને મળતા ખોરાકમાં ચોખા, નીમક અને થોડું તેલ અપાતાં. મોરચા ઉપર ઘણી મુસીબતોની વચ્ચે આ૦ હિં૦ ફો૦ લડતી હતી. હું નોકરી ઉપર હતો તે દરમિયાન મેં મારી ફરજ વફાદારીપૂર્વક બજાવી હતી.......મોરચા પર જતા સૈનિકોને ઉદ્દેશીને કરેલા એક ભાષણમાં સુભાષ બોઝ બોલેલા કે–

'આ૦ હિં૦ ફો૦ હિંદની સ્વાધીનતા માટે લડી રહી છે. એ એકજ એનું ધ્યેય છે. આપણે જાપાનીઓના ફાયદા માટે નથી લડી રહ્યા. હિંદુસ્તાન આઝાદ થઈ શકે એટલા માટે આ૦ હિં૦ ફો૦ જાપાનીઓની એક મિત્ર તરીકેની મદદ લ્યે છે. આપણાં સાધનો અને નાણાં મેળવવાના માર્ગો એાછાં છે. જિંદગીની વધુ સારી જરૂરિયાતો મેળવવા માટે આ૦ હિં૦ ફો૦માં જોડાવાનો ભ્રમ કોઈ રાખે નહિ. જેને આગળ આવવાની ઇચ્છા ન હોય તેણે ન આવવું.'

તેમ છતાં અમારી બ્રિગેડમાંથી કોઈ પાછું વળ્યું નહોતું. તે પછી બેટેલિયન અને કંપનીના કમાન્ડરે મોરચા પર ન જવા ઇચ્છનારાઓનાં નામ માગ્યાં પણ કોઈએ નામ લખાવ્યાનું હું જાણતો નથી. જ્યારે હું નાસીને અંગ્રેજો સાથે મળી ગયો ત્યારે મને ઘેર જવા દેવામાં આવેલો...... અમને જ્યારે કાંઈ ખોરાક ન મળતો ત્યારે અમારે જંગલમાં જઈને જે મળે તે ભેગું કરવું પડતું.

ફરિયાદપક્ષના ઓગણીસમા સાક્ષી સિપાહી હનુમાન પ્રસાદ ૧૯૪૧ માં હિંદી લશ્કરમાં જોડાયેલા સિંગાપુરના પતન પછી ૧૯૪૩ ના એપ્રિલમાં એ આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. એમને નેહરુ રેજિમેન્ટની ૧૭ મી બેટેલિયનમાં મૂકવામાં આવેલા. એમની બ્રિગેડ ૧૯૪૪ના નવેંબરમાં બરમા ગયેલી. એ મેજર ધિલનના તાબામાં હતી. ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં પોપાને મોરચે એમની કંપની હિંદી લશ્કરની એક ગુરખા ટૂકડીને શરણે થઈ હતી.